Gambhira Bridge Collapse: પાંચથી પણ વધારે વાહનો નદીમાં ગરકાવ થઈ ગયાં હતાં. વાહનમાં સવાર બે લોકોનાં પણ મોત થયાં છે.
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
આજે વહેલી સવારે ગુજરાતમાંથી ગોઝારી ઘટના (Gambhira Bridge Collapse) પ્રકાશમાં આવી છે. આણંદ અને વડોદરાને કનેક્ટ કરતો ગંભીરા બ્રિજ અચાનકથી ધરાશાયી થઈ ગયો હતો.
રિપોર્ટ પ્રમાણે આજે સવારે અચાનકથી જ બ્રિજ તૂટી પડ્યો હતો. પાંચથી પણ વધારે વાહનો નદીમાં ગરકાવ થઈ ગયાં હતાં. વાહનમાં સવાર બે લોકોનાં પણ મોત થયાં છે. બીજા અનેક લોકો ઘાયલ થયા છે. આ બનાવની માહિતી મળતાં જ ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી ગયું હતું.
ADVERTISEMENT
આ બ્રિજ (Gambhira Bridge Collapse) નીચેની મહિસાગર નદીમાંથી કુલ 3 લોકોને બચાવી લેવામાં સફળતા મળી છે. સ્થાનિક પોલીસ અને ફાયર વિભાગના જવાનો બચાવ કામગીરી માટે ઘટનાસ્થળે આવી પહોંચ્યા છે. સવાર સવારમાં આ દુર્ઘટના બનતાં જ આસપાસમાંથી મોટી સંખ્યામાં લોકો ત્યાં એકઠા પણ થઈ ગયા છે. પુષ્કળ ભીડ જોવા મળી રહી છે. હાલમાં પોલીસ તંત્ર દ્વારા વડોદરા અને આણંદ તરફથી આવતા ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવી રહેલ છે.
શું આ બ્રિજ જર્જરિત હાલતમાં હતો?
વર્ષ ૧૯૮૧માં બ્રિજનું નિર્માણ કાર્ય કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વર્ષ ૧૯૮૫માં બ્રિજને જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. રિપોર્ટ સૂચવી રહ્યા છે કે વડોદરા, ભરૂચ અને દક્ષિણ ગુજરાતને કનેક્ટ કરતો ગંભીરા બ્રિજની દશા ખૂબ જ ખરાબ હતી. આ બ્રિજનું માત્ર સમયાંતરે સમારકામ કરવામાં આવતું હતું. લોકો પણ આ બ્રિજનો મોત પાયે ઉપયોગ કરતા હતા. જે આજે સવારે તૂટી પડતાં મોટા પ્રમાણમાં જાનહાનિ થઈ હોવાની શંકા છે. બ્રિજ પરથી પસાર થઈ રહેલાં બે ટ્રક, એક પિકઅપ વૅન સહિતનાં ચાર વેહિકલ મહીસાગર નદીમાં પડી ગયા (Gambhira Bridge Collapse) હતા.
કૉન્ગ્રેસના નેતા અમિત ચાવડાએ પણ જારી કરી પોસ્ટ
કૉન્ગ્રેસના નેતા અમિત ચાવડાએ આ બનાવને લઈને એક્સ પર પોસ્ટ જારી કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, "આણંદ અને વડોદરા જિલ્લાને જોડતો મુખ્ય ગંભીરા બ્રીજ તૂટી પડ્યો છે. અનેક વાહનો નદીમાં પડતાં મોટી જાનહાનિ થઈ હોવાની શક્યતા છે. સરકારી તંત્ર તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરે અને ટ્રાફિક માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે." તેઓએ આ બ્રિજના તૂટી પડવાનો વિડીયો પણ શૅર કર્યો છે.
અનેક વાહનોને અસર થશે
જોકે, આ બ્રિજ આણંદ અને વડોદરાને કનેક્ટ કરતો ખૂબ જ મહત્વનો બ્રિજ ગણવામાં આવે છે. હવે આ બ્રિજ તૂટી પડવાથી (Gambhira Bridge Collapse) બંને જિલ્લાઓ વચ્ચેની કનેક્ટિવિટીને ભારે અસર પહોંચી છે. વાહન વ્યવહારનો મહત્વનો સ્ત્રોત ખોરવાઇ જતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડી શકે એમ છે. કેટલાક લોકો સરકારનો પણ વિરોધ કરી રહ્યા છે કે સરકારે માત્ર દેખાડવા પૂરતું સમારકામ કરીને લોકોના જીવ સાથે ચેડાં કર્યા છે.

