Namibia Honours PM Modi With Top Civilian Award: વડા પ્રધાન નરેન્દ્ર મોદીને નામિબિયાના સર્વોચ્ચ નાગરિક સન્માન `ઑર્ડર ઑફ ધ મોસ્ટ એન્સિયન્ટ વેલવિટ્શિયા મિરાબિલિસ`થી નવાજવામાં આવ્યા છે. નામિબિયાના રાષ્ટ્રપતિએ પીએમ મોદીને આ સન્માન અર્પણ કર્યું.
નામિબિયાના રાષ્ટ્રપતિ ડૉ. નેતુમ્બો નંદી-ન્દૈત્વ અને પીએમ મોદી (તસવીર સૌજન્ય: ANI)
વડા પ્રધાન નરેન્દ્ર મોદીને નામિબિયાના સર્વોચ્ચ નાગરિક સન્માન `ઑર્ડર ઑફ ધ મોસ્ટ એન્સિયન્ટ વેલવિટ્શિયા મિરાબિલિસ`થી નવાજવામાં આવ્યા છે. નામિબિયાના રાષ્ટ્રપતિ ડૉ. નેતુમ્બો નંદી-ન્દૈત્વે બુધવારે વડા પ્રધાન મોદી સાથેની વાતચીત બાદ તેમને આ સન્માન અર્પણ કર્યું. આ પ્રધાનમંત્રી મોદીને વિદેશમાં આપવામાં આવેલો 27મો અને આ પ્રવાસનો ચોથો એવોર્ડ છે.
"`ઑર્ડર ઑફ ધ મોસ્ટ એન્સિયન્ટ વેલવિટ્શિયા મિરાબિલિસ` એ નામિબિયાનું સર્વોચ્ચ નાગરિક સન્માન છે." ડૉ. નેટુમ્બોએ એવોર્ડ આપતા પહેલા કહ્યું, "નામિબિયાના બંધારણ દ્વારા મને મળેલી શક્તિ સાથે, હું ભારતના વડા પ્રધાન મોદીને ઑર્ડર ઑફ ધ મોસ્ટ એન્સિયન્ટ વેલવિટ્શિયા મિરાબિલિસ એનાયત કરવાનો સન્માન અનુભવું છું, જેમણે નામિબિયા અને વૈશ્વિક સ્તરે સામાજિક-આર્થિક વિકાસ અને શાંતિ અને ન્યાયના પ્રમોશનમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે."
ADVERTISEMENT
સન્માનિત થયા પછી, પીએમ મોદીએ કહ્યું, "વેલવિટ્શિયા મિરાબિલિસથી સન્માનિત થવું મારા માટે ખૂબ જ ગર્વ અને સન્માનની વાત છે. હું રાષ્ટ્રપતિ, નામિબિયા સરકાર અને નામિબિયાના લોકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. હું 140 કરોડ ભારતીયો વતી આ સન્માન નમ્રતાપૂર્વક સ્વીકારું છું." આ પુરસ્કાર 1990 માં નામિબિયાની સ્વતંત્રતા પછી તરત જ 1995 માં સ્થાપિત કરવામાં આવ્યો હતો. આ સન્માન વિશિષ્ટ સેવા અને નેતૃત્વ માટે આપવામાં આવે છે.
આ પુરસ્કાર નામિબિયામાં જોવા મળતા એક અનોખા અને પ્રાચીન રણના છોડ, વેલવિટ્શિયા મિરાબિલિસના નામ પરથી રાખવામાં આવ્યો છે. આ પુરસ્કાર નામિબિયાના લોકોની સ્થિતિસ્થાપકતા, દીર્ધાયુષ્ય અને સ્થાયી ભાવનાનું પ્રતીક છે.
તાજેતરમાં, રિયો ડી જાનેરોમાં બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના અને સાઉથ આફ્રિકા (BRICS) સંમેલન બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાજકીય યાત્રા માટે બ્રાઝિલની રાજધાની બ્રાઝિલિયા પહોંચ્યા ત્યારે તેમનું જબરદસ્ત ઉમળકાભેર અને ઉત્સાહ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. બ્રાઝિલના રક્ષાપ્રધાને તેમનું સ્વાગત કર્યું હતું. ઍરપોર્ટ પર જ બ્રાઝિલિયન અને ઇન્ડિયન સંસ્કૃતિના બે પર્ફોર્મન્સનો સમન્વય કરીને એક અદ્ભુત કલ્ચરલ યુનિયન રજૂ કરવામાં આવ્યું હતું. બ્રાઝિલિયન સંસ્કૃતિની સાંબા રેગે તરીકે ઓળખાતી જોમદાર પ્રસ્તુતિ થઈ અને પછી ભારતીય શિવતાંડવના સંસ્કૃત શ્લોકો સાથે વડા પ્રધાનનું સ્વાગત થયું હતું. બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દ સિલ્વાએ નરેન્દ્ર મોદીનું હોટેલ પર સ્વાગત કર્યું ત્યારે પણ શૌર્ય ત્રિવેણી નામે ભારતીય શાસ્ત્રીય નૃત્યની રજૂઆત થઈ હતી. ૫૭ વર્ષમાં પહેલી વાર ભારતીય વડા પ્રધાન બ્રાઝિલિયામાં રાજકીય મુલાકાત માટે આવ્યા હોય એવું બન્યું છે. એ માટે બ્રાઝિલના પ્રેસિડન્ટના સત્તાવાર રહેઠાણ એવા અલ્વોરાદા પૅલેસમાં નરેન્દ્ર મોદીનું ૧૧૪ ઘોડાઓની સલામી આપીને યુનિક રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. વિદેશ મંત્રાલયે બહાર પાડેલા એક સ્ટેટમેન્ટમાં કહેવાયું હતું કે આ મુલાકાતની સાથે ભારત અને બ્રાઝિલ વચ્ચે ડિજિટલ સહયોગ, રક્ષા, રેલવે, સ્વાસ્થ્ય, ફાર્માસ્યુટિકલ્સ, કૃષિ, સંસ્કૃતિ જેવાં ક્ષેત્રોમાં પરસ્પરના સહયોગ વિશે વાત કરીને વ્યાપાર અને રોકાણને મજબૂત કરવા વિશેના નિર્ણયો લેવામાં આવશે.

