ડન્કી રૂટથી અમેરિકા જઈ રહેલા ધ્રુવ પટેલ અને તેની પત્ની દીપિકાએ એજન્ટોને ૫૦ લાખ અને કિડનૅપરોને ૬૫ લાખ રૂપિયા ચૂકવ્યા હતા
એસ. જયશંકર
ગુજરાતના આણંદ જિલ્લાના એક દંપતીનું અમેરિકા જતી વખતે અઝરબૈજાનમાં અપહરણ કરવામાં આવ્યું હતું અને ખંડણી માટે બંધક બનાવવામાં આવ્યું હતું. જોકે ભારતના વિદેશ મંત્રાલયની મદદથી તેમને બચાવી લેવામાં આવ્યા હતા એમ લોકસભાના આણંદના સંસદસભ્ય મિતેશ પટેલે જણાવ્યું હતું. તેમણે એક વિડિયો-નિવેદનમાં જણાવ્યું હતું કે વિદેશ મંત્રાલયના સમયસર પ્રયાસોને કારણે ધ્રુવ પટેલ અને તેમની પત્ની દીપિકાને મુક્ત કરવામાં આવ્યાં છે અને તેઓ સુરક્ષિત છે. દંપતીને બચાવવામાં સરકારના પ્રયાસો બદલ તેમણે વિદેશ મંત્રાલય અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો.
દંપતીનું અપહરણ અને બંધક બનાવવાની વિગતો આપતાં મિતેશ પટેલે કહ્યું હતું કે ‘બે દિવસ પહેલાં ધ્રુવ પટેલ અને દીપિકા પટેલનાં માતા-પિતાએ મારો સંપર્ક કર્યો હતો અને કહ્યું હતું કે ધ્રુવ અને દીપિકા અમેરિકા જઈ રહ્યાં હતાં અને રસ્તામાં તેમનું અઝરબૈજાનમાં અપહરણ કરવામાં આવ્યું છે. તેમના પરિવારના સભ્યોને એક વિડિયોકૉલ આવ્યો હતો જેમાં અઝરબૈજાનના લોકોએ (અપહરણકારોએ) તેમની મુક્તિ માટે ખંડણી માગી હતી. બન્ને એજન્ટોની મદદથી ગેરકાયદે રીતે અમેરિકા જઈ રહ્યાં હતાં અને એજન્ટોએ સલામત રીતે અમેરિકા પહોંચાડવાનું વચન આપ્યું હતું.
જ્યારે દંપતીના ચિંતિત પરિવારના સભ્યોએ મદદ માટે મિતેશ પટેલના કાર્યાલયનો સંપર્ક કર્યો ત્યારે તેમણે વિદેશ મંત્રાલયને ઉચ્ચ સ્તરની રજૂઆત કરી અને સોમવારે વિદેશપ્રધાન એસ. જયશંકરને મળ્યા, જ્યારે તેઓ સંસદના સત્ર માટે નવી દિલ્હીમાં હતા. વિદેશ મંત્રાલયે અઝરબૈજાનમાં ભારતીય દૂતાવાસનો સંપર્ક કર્યો હતો અને ૨૪ કલાકની અંદર દંપતીને બચાવી લેવામાં આવ્યું હતું. તેમને દેશની રાજધાની બાકુમાં દૂતાવાસમાં લાવવામાં આવ્યાં છે.
ADVERTISEMENT
અપહરણકારોની ધમકી વિશે બોલતાં મિતેશ પટેલે જણાવ્યું હતું કે ‘અપહરણકર્તાઓએ ધમકી આપી હતી કે જો ખંડણી નહીં ચૂકવવામાં આવે તો તેઓ દંપતીને મારી નાખશે. અમારી સરકારે તેમને જીવતા લાવવા માટે ખૂબ જ મહેનત કરી. હું આણંદના યુવાનોને અપીલ કરવા માગું છું કે તેઓ આવા એજન્ટો દ્વારા વિદેશ જવાનો પ્રયાસ ન કરે. એને બદલે અહીં કામ કરો. તમને અહીં (ગુજરાતમાં) શ્રેષ્ઠ તકો મળશે.’
એજન્ટોને ૫૦ લાખ અને કિડનૅપરોને ૬૫ લાખ રૂપિયા ચૂકવ્યા
ધ્રુવ પટેલ અને દીપિકા પટેલે ગેરકાયદે રીતે ‘ડન્કી રૂટ’ દ્વારા અમેરિકા પહોંચવા માટે એજન્ટોને ૫૦ લાખ રૂપિયા ચૂકવ્યા હતા, જેમાં ધ્રુવે ૩૫ લાખ અને દીપિકાએ ૧૫ લાખ રૂપિયા આપ્યા હતા. આ સિવાય અઝરબૈઝાનમાં તેમના અપહરણ બાદ પરિવારજનોએ ક્રીપ્ટોકરન્સી સહિત કુલ ૬૫ લાખ રૂપિયા ચૂકવ્યા હતા. આમ છતાં અપહરણકારોની માગણી વધી જતાં આખરે પરિવારે સ્થાનિક સંસદસભ્યનો સંપર્ક કર્યો હતો અને વિદેશ મંત્રાલયની મદદથી ૨૪ કલાકમાં તેમને ઉગારી લેવામાં આવ્યા હતા. ૩૦ જાન્યુઆરીએ આ દંપતીએ દિલ્હીથી પ્રવાસ શરૂ કર્યો હતો અને પહેલી ફેબ્રુઆરીએ અઝરબૈઝાનમાં તેમનું અપહરણ કરીને બંધક બનાવવામાં આવ્યાં હતાં.


