રાહુલ ગાંધીના મુદ્દે સરકારનો યુ-ટર્ન, હવે પ્રિવિલેજ મોશન નહીં લાવે, જોકે સંસદસભ્ય નિશિકાંત દુએએ સંસદમાં રજૂ કર્યો પ્રસ્તાવ
ભારતીય જનતા પાર્ટી (BJP)ના સંસદસભ્ય નિશિકાંત દુબે
કેન્દ્રીય બજેટ પર બુધવારે કરેલા પ્રવચનમાં કૉન્ગ્રેસના સંસદસભ્ય અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર અનેક આરોપો લગાવ્યા હતા. એના પગલે સરકાર રાહુલ ગાંધી વિરુદ્ધ વિશેષાધિકાર પ્રસ્તાવ લાવવાની હતી, પણ હવે સરકારે આવો પ્રસ્તાવ નહીં લાવવાનો નિર્ણય લીધો છે અને એને બદલે ભારતીય જનતા પાર્ટી (BJP)ના સંસદસભ્ય નિશિકાંત દુબેએ સંસદમાં એક એવો સબસ્ટેન્ટિવ પ્રસ્તાવ રજૂ કર્યો છે જેમાં રાહુલ ગાંધીના સંસદસભ્યપદને રદ કરવામાં આવે અને તે બાકીના જીવનમાં ક્યારેય ચૂંટણી લડી શકે નહીં એવા પ્રતિબંધની માગણી કરવામાં આવી છે. નિશિકાંત દુબેએ સ્પીકરને તેમના મૂળ પ્રસ્તાવને સ્વીકારવા જણાવ્યું છે.
બીજી તરફ જાણવા મળે છે કે સરકારે રાહુલ ગાંધીના ભાષણના એ તમામ વિવાદિત મુદ્દાઓને કાઢી નાખવા માટે જણાવ્યું છે જેને રાહુલ ગાંધી ઑથેન્ટિકેટ કરી શક્યા નથી.
ADVERTISEMENT
લોકસભામાં બજેટસત્ર દરમ્યાન રાહુલ ગાંધીએ બુધવારે સરકાર પર ભારત માતાને વેચવાનો આરોપ લગાવ્યો હતો. નિશિકાંત દુબેએ રાહુલ પર દેશને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે આ મુદ્દે જે ઠરાવ રજૂ કર્યો છે એમાં માગણી કરવામાં આવી છે કે રાહુલ ગાંધીને લોકસભાના સભ્યપદેથી દૂર કરવામાં આવે અને તેમના આજીવન ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવામાં આવે.
આ મુદ્દે નિશિકાંત દુબેએ આરોપ લગાવ્યો હતો કે ‘રાહુલ ગાંધી ભારતને નુકસાન પહોંચાડવા માગતી શક્તિઓની મદદથી દેશને ગેરમાર્ગે દોરી રહ્યા છે. મેં એક સબસ્ટેન્ટિવ મોશન નોટિસ દાખલ કરી છે જેમાં વર્ણવ્યું છે કે રાહુલ ગાંધી સોરોસ ફાઉન્ડેશન, ફૉર્ડ ફાઉન્ડેશન અને USAID જેવી ભારતવિરોધી શક્તિઓ સાથે છે. તેઓ થાઇલૅન્ડ, વિયેટનામ અને કંબોડિયાનો પ્રવાસ કરે છે અને ભારતવિરોધી શક્તિઓ સાથે સાઠગાંઠ કરે છે.’
તમારે કેસ કરવો હોય તો કરો, હું ખેડૂતો માટે લડીશ : રાહુલ
સંસદની સદસ્યતા રદ કરવાના પ્રસ્તાવ પછી રાહુલ ગાંધીએ સોશ્યલ મીડિયામાં લખ્યું હતું કે ‘FIR થાય, કેસ થાય કે પ્રિવિલેજ પ્રસ્તાવ લવાય; હું ખેડૂતો માટે લડીશ. જે ટ્રેડ-ડીલ ખેડૂતોની રોજીરોટી છીનવશે કે દેશની ખાદ્ય-સુરક્ષાને નબળી પાડશે એ ખેડૂતવિરોધી છે. અન્નદાતાઓના હિતમાં હું મોદી સરકારને કોઈ સમાધાન નહીં કરવા દઉં.’


