Gujarat Crime: ગાડી ગામમાં એવી અફવા ફેલાઈ ગઈ હતી કે કમલાબેન ડાકણ અર્થાત ચૂડેલ છે. એટલે એમને મારવા માટે ગામલોકો એકઠા થઈ ગયા હતા.
AI ઇમેજ
Gujarat Crime: ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં આવેલ વિજયનગર તાલુકાના ગાડી ગામમાંથી અંધવિશ્વાસનો ગજબનો મામલો સામે આવ્યો છે. અંધવિશ્વાસે એક જણનો જીવ પણ લઈ લીધો છે. બન્યું એમ હતું કે ગાડી ગામમાં એવી અફવા ફેલાઈ ગઈ હતી કે કમલાબેન ડાકણ અર્થાત ચૂડેલ છે. એટલે એમને મારવા માટે ગામલોકો એકઠા થઈ ગયા હતા. આ દરમિયાન કમલાબેનને બચાવવા ભીડની વચ્ચે પડેલા તેમના પતિને જીવ ગુમાવવાનો વારો (Gujarat Crime) આવ્યો હતો.
હાથાપાઈમાં મનુભાઈને માથામાં ગંભીર ઇજાઓ થઈ
ADVERTISEMENT
આ ઘટના (Gujarat Crime) અંગે પોલીસ અધિકારીઓ જણાવે છે કે ગામલોકોએ ભેગા થઈને મનુભાઈ રામજીભાઈ ડામોર અને તેમની પત્નીને તેમના બિસ્તરા-પોટલા લઈને ગામમાંથી નીકળી જવા ફોર્સ કર્યો હતો. એટલું જ નહીં ભેગી થયેલી ભીડ કમલાબહેન પર હુમલો કરવા માટે તેમના ઘરે ગઈ હતી ત્યારે પરિસ્થિતિ વધારે વણસી હતી. ગામલોકોએ કમલાબહેન ઘર પર પથ્થરમારો પણ કર્યો હતો. આખા પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. પોતાની પત્નીને બચાવવા માટે મનુભાઈ અને તેમના બાળકો ગુસ્સે ભરાયેલા ગામલોકોની સામે પડ્યા હતા. ઓલરેડી ગુસ્સે ભરાયેલી ટોળકીએ તીક્ષ્ણ હથિયારોથી મનુભાઈ અને તેમના બાળકો પર હુમલો કર્યો હતો. કમલાબહેનને બચાવવા માટે દરમિયાનગીરી કરી રહેલ તેમના પરિવાર પર ગામલોકોએ હુમલો કર્યો હતો. થયેલી હાથાપાઈમાં મનુભાઈને માથામાં ગંભીર ઇજાઓ થઈ હતી, જેના કારણે તેમનું મોત થયું હતું. કમલાબહેનના પરિવારના અન્ય બે સભ્યોને પણ ઈજા પહોંચી હતી. મનુભાઈને તાત્કાલિક તબીબી સહાય માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ પરંતુ ત્યાં પહોંચતા જ ડૉક્ટર્સે તેમને મૃત ઘોષિત કર્યા હતા.
જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાતાં મનુભાઈએ આખરે દમ તોડ્યો
આ સમગ્ર મામલે (Gujarat Crime) પોલીસે કુલ ૧૨ લોકો સામે કેસ નોંધ્યો છે. ખેડબ્રહ્મા ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક કુલદીપ નાઈએ જણાવ્યું હતું કે હત્યાના સંદર્ભમાં ગામના ૧૨ લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે નામ આપેલા શંકાસ્પદોમાં આઠ પુરુષો અને ચાર મહિલાઓનો સમાવેશ થાય છે, જેઓ કથિત રીતે ટોળાનો ભાગ હતા. સ્થાનિક પોલીસની ટીમોએ આ મામલે વધુ તપાસ શરૂ કરી છે અને ફરાર આરોપીઓને શોધવા અને તેમની ધરપકડ કરવા માટે કામગીરી હાથ ધરી છે. પોલીસના જણાવ્યાનુસાર ગામલોકો કુહાડીઓ અને લાકડીઓ લઈને આવ્યા હતા અને ડામોર પરિવારના ઘરમાં પેસી ગયા હતા અને કમલાબહેન `ડાકણ` હોઇ તેમને મારી નાખવા જોઈએ એમ કહીને તેમના પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે ટોળાની ચાર મહિલાઓ મનુભાઈને ઘરની બહાર તાણી લાવ્યા હતા અને પાસેના ખેતરમાં લઈ ગયા હતા. જ્યાં અન્ય લોકોએ પણ મનુભાઈ પર વારંવાર કુહાડીઓ અને લાકડીઓ વડે માર માર્યો હતો. માથામાં જીવલેણ ફટકો વાગતાં તેઓને પાછળથી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. લગભગ એક અઠવાડિયા સુધી જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાતાં મનુભાઈએ આખરે દમ તોડ્યો છે. આ ઘટનાએ ફરી એકવાર ગ્રામ્યવિસ્તારોમાં ચાલતી અંધશ્રદ્ધાનો પ્રશ્ન ઉઠાવ્યો છે.
