Gujarat Suicide Case: શનિવારે, મૉડલનો મૃતદેહ રૂમમાં લટકતો મળી આવ્યો હતો. તેની સાથે રહેતી છોકરી રૂમમાં પહોંચી ત્યારે ઘટનાનો ખુલાસો થયો. તેણે પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલાયો.
19 વર્ષની મૉડલ સુખપ્રીત કૌર (તસવીર: સોશિયલ મીડિયા)
ગુજરાતના ડાયમંડ સિટી સુરતમાંથી એક દુ:ખદ ઘટના સામે આવી છે. શનિવારે, 19 વર્ષની મૉડલ સુખપ્રીત કૌરનો મૃતદેહ રૂમમાં લટકતી હાલતમાં મળી આવ્યો હતો. આ મૉડલ માત્ર ચાર દિવસ પહેલા જ સુરત પહોંચી હતી. મધ્યપ્રદેશની રહેવાસી આ મૉડલ તેના ત્રણ મિત્રો સાથે એક રૂમમાં રહેતી હતી. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે શુક્રવારે જ્યારે તે રૂમમાં એકલી હતી, ત્યારે તેણે પંખા સાથે દુપટ્ટો લટકાવીને આત્મહત્યા કરી લીધી. પોલીસને ઘટનાસ્થળેથી કોઈ સુસાઈડ નોટ મળી નથી. આ કારણે, મૉડલે આત્મહત્યાનું પગલું કેમ ભર્યું તે કારણ સામે આવ્યું નથી. પોલીસે મૉડલનો મોબાઇલ ફોન જપ્ત કર્યો છે. આ ઉપરાંત સાથે રહેતી છોકરીઓની પણ પૂછપરછ કરવામાં આવી હતી.
રૂમમાં લટકતી હાલતમાં મળી આવી મૉડલ
ADVERTISEMENT
પોલીસના જણાવ્યા અનુસાર, મધ્યપ્રદેશની રહેવાસી સુખપ્રીત લખવિંદર સિંહ કૌર, સરોલી કુંભારિયા ગામમાં સારથી રેસિડેન્સીમાં ત્રણ અન્ય છોકરીઓ સાથે રહેતી હતી. તે ચાર દિવસ પહેલા મૉડલિંગનું કામ કરવા માટે સુરત પહોંચી હતી. શનિવારે, મૉડલનો મૃતદેહ રૂમમાં લટકતો મળી આવ્યો હતો. તેની સાથે રહેતી છોકરી રૂમમાં પહોંચી ત્યારે ઘટનાનો ખુલાસો થયો. તેણે પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી. આ પછી, સારોલી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સ્મીમર હૉસ્પિટલમાં મોકલી આપ્યો. પોલીસને હજી સુધી કોઈ સુસાઈડ નોટ મળી નથી. પોલીસે પરિવારને જાણ કરી દીધી છે.
કલ્યાણમાં પણ યુવાનનો આપઘાત
ઉલ્હાસનગરમાં આવેલી પ્રેમનગરની ટેકરી પર પાણીની ટાંકીની બાજુના ઝાડ પર ગઈ કાલે સવારે એક યુવકનો ગળે ફાંસો ખાધેલો મૃતદેહ જોવા મળ્યો હતો. સ્થાનિક રહેવાસીઓએ પોલીસને જાણ કરતાં હિલલાઇન પોલીસ-સ્ટેશનની ટીમે ઘટનાસ્થળે પહોંચીને યુવકના મૃતદેહને નીચે ઉતાર્યો હતો અને પોસ્ટમૉર્ટમ માટે હૉસ્પિટલમાં મોકલી આપ્યો હતો.
હિલલાઇન પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર અનિલ જગતાપે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઉલ્હાસનગરના કૅમ્પ પાંચના પ્રેમનગરના ઝાડ પર સવારના સૌરભ ગાયસમુદ્રે નામના બાવીસ વર્ષના યુવકનો મૃતદેહ લટકતો જોવા મળ્યો હતો. જીવ ગુમાવનારા સૌરભ સામે હત્યાનો પ્રયાસ સહિત બે કેસ નોંધાયેલા છે. પ્રાથમિક તપાસમાં જણાયું છે કે સૌરભ એક યુવતીને એકતરફી પ્રેમ કરતો હતો. યુવતીએ તેના પ્રેમનો સ્વીકાર ન કરતાં સૌરભે યુવતીને વિડિયો-કૉલ કરીને પ્રેમ નહીં સ્વીકારે તો આત્મહત્યા કરવાનું કહ્યું. યુવતીએ જે કરવું હોય તે કર એવું સૌરભને કહ્યું હતું. આથી બાદમાં પૅન્ટના પટ્ટાનો ગાળિયો બનાવીને સૌરભ ઝાડ પર લટકી ગયો હોવાનું જાણવા મળ્યું છે. અમે જોકે આકસ્મિક મૃત્યુનો કેસ નોંધીને તપાસ હાથ ધરી છે.’

