Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ગુજરાતમાં ભરઉનાળે વરસાદી તોફાન! ૧૪નાં મોત, ૧૬ ઘાયલ; રાજ્યમાં ત્રણ દિવસ રેડ એલર્ટ

ગુજરાતમાં ભરઉનાળે વરસાદી તોફાન! ૧૪નાં મોત, ૧૬ ઘાયલ; રાજ્યમાં ત્રણ દિવસ રેડ એલર્ટ

Published : 06 May, 2025 03:11 PM | IST | Ahmedabad
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Gujarat Unseasonal Thunderstorm: ૧૩ જિલ્લાઓમાં વાવાઝોડા સાથે વરસાદ પડ્યો; અચાનક આવેલા વરસાદને કારણે રાજ્યભરમાં ૧૪ લોકોના મોત, ૧૬ ગંભીર રીતે ઘાયલ; આગામી ત્રણ દિવસમાં રાજ્યના ૭૫ ટકાથી વધુ વિસ્તારમાં વ્યાપક વરસાદની શક્યતા

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ભરઉનાળે મે મહિનામાં ગુજરાત (Gujarat) રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ (Gujarat Unseasonal Thunderstorm) પડ્યો. અચાનક આવેલા વરસાદને કારણે રાજ્યભરમાં ૧૪ લોકોના મોત થયા છે. તે જ સમયે, ૧૬ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું કહેવાય છે. આગામી ત્રણ દિવસમાં રાજ્યના ૭૫ ટકાથી વધુ વિસ્તારમાં વ્યાપક વરસાદની શક્યતા હવામાન વિભાગે દર્શાવી છે. હવામાન વિભાગે આગહી કરી છે કે, આ દરમિયાન જોરદાર પવન ફૂંકાઈ શકે છે. ૫૦ થી ૮૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાઈ શકે છે. ૪ ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે. ૧૫ જિલ્લામાં વરસાદ સાથે કરા પડવાની પણ શક્યતા છે.


ગુજરાતમાં વાતાવરણમાં પલટો (Gujarat Unseasonal Thunderstorm) થતા અચાનક ઠેર ઠેર કમોસમી વરસાદ તૂટી પડ્યો છે, છેલ્લા બે દિવસથી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં માવઠું થયુ છે. ગઇકાલે થયેલા માવઠાથી ૫૩ તાલુકામાં પડેલા કમોસમી વરસાદથી ૧૪ લોકોના મોત નીપજ્યા છે. આ આંકડા અલગ-અલગ જગ્યાના છે.



સોમવારે ગુજરાતના ૫૩ તાલુકામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. સાંજે છ વાગ્યા બાદ શરૂ થયેલા વરસાદે રાજ્યમાં જાન-માલની ભારે હાનિ પહોંચાડી છે. મળતી માહિતી પ્રમાણે, વાવાઝોડા સાથે ત્રાટકેલા વરસાદને કારણે રાજયમાં ૧૪ લોકોના મોત થયા છે. તેમાંથી ૩ લોકોના મોત વીજળી પડવાથી, ૪ લોકોના મોત ઝાડ પડવાથી, ૧ વ્યકિતનું મોત દિવાલ પડવાથી, ૧નું મકાન તૂટી પડવાથી, ૧નું છત તૂટી પડવાથી, ૨ લોકોના કરંટ લાગવાથી અને ૧નું હોર્ડિંગ્સ પડવાથી મોત થયું છે. સૌથી વધુ ૩ મોત વડોદરામાં થયા છે.


ભારે વરસાદને કારણે ગુજરાતમાં યેલો અને ઓરજેન્ટ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આગામી પાંચ દિવસમાં, લગભગ સાર્વત્રિક વરસાદ વચ્ચે મહત્તમ તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. એટલે તે સમય દરમિયાન કાળઝાળ ગરમીથી રાહત મળી શકે છે. ઉનાળાના મધ્યમાં ચોમાસા જેવી સ્થિતિ સર્જાવાથી ભારે નુકસાન થયું છે.

આવનારા ત્રણ દિવસમાં ગુજરાતમાં વાતાવરણ કેવું રહેશે?


આજે એટલે કે ૬ મેના રોજ ગુજરાત રાજ્યના ૭૫ ટકા વિસ્તારમાં વાવાઝોડા સાથે ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. ૬૦થી ૭૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, કચ્છ (Kutch) અને બનાસકાંઠા (Banaskantha)ના કેટલાક વિસ્તારોમાં ખૂબ જ તેજ પવન ફૂંકાશે અને મહેસાણા (Mehsana), પાટણ (Patan), સાબરકાંઠા (Sabarkantha), મોરબી (Morbi), સુરેન્દ્રનગર (Surendranagar), આણંદ (Anand), ભરૂચ (Bharuch) અને નર્મદા (Narmada)ના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. કચ્છ, ઉત્તર ગુજરાત, રાજકોટ (Rajkot), મોરબી, સુરેન્દ્રનગર, આણંદ (Anand), ભરૂચ, નર્મદા, મહિસાગર (Mahisagar), પંચમહાલ (Panchmaha) અને દાહોદ (Dahod)માં વરસાદ સાથે કરા પડવાની શક્યતા છે.

૭ મે બુધવારના રોજ રાજ્યના ૭૫ ટકાથી વધુ વિસ્તારમાં વાવાઝોડાની અસર થવાની સંભાવના છે. કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને સુરેન્દ્રનગરના કેટલાક વિસ્તારોમાં ૭૦ થી ૮૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા ભારે વરસાદની શક્યતા છે, જ્યારે બાકીના વિસ્તારોમાં ૬૦ થી ૭૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

૮ મે ગુરુવારના રોજ રાજ્યના ૭૫ ટકાથી વધુ વિસ્તારોમાં ભારે વાવાઝોડાની શક્યતા. ૫૦ થી ૬૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન, સાબરકાંઠા, અરવલ્લી (Aravalli), આણંદ, અમરેલી (Amreli), ભાવનગર (Bhavnagar)ના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ. બાકીના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

Whatsapp-channel Whatsapp-channel

06 May, 2025 03:11 PM IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK