ભાઈ-બહેનના સ્નેહ અને સમર્પણની પરંપરા નિભાવીને ભાઈબીજના દિવસે યોજાયેલી અશ્વદોડમાં ૨૦૦થી વધુ લોકોએ ભાગ લીધો અને અશ્વદોડને જોવા હજારો લોકો ઊમટ્યા
મુડેઠા ગામમાં યોજાયેલી અશ્વદોડને જોવા હજારો ગ્રામજનો ઊમટ્યા હતા
ભાઈ-બહેનના સ્નેહ અને સમર્પણની પરંપરા નિભાવતા બનાસકાંઠાના મુડેઠા ગામે ભાઈબીજના દિવસે ૭૬૧મા વર્ષે પરંપરાગત અશ્વદોડ યોજાઈ હતી જેમાં ૨૦૦થી વધુ લોકોએ ભાગ લીધો હતો અને અશ્વદોડ જોવા હજારો લોકો ઊમટ્યા હતા.
મુડેઠા ગામના અગ્રણી બચુસિંહ રાઠોડે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રાજા-રજવાડાના સમયે રાજસ્થાનથી બનાસકાંઠાના પેપળુ ગામે આવેલી દીકરીને કોઈ ભાઈ નહોતો. આ દીકરીનાં લગ્ન સમયે મુડેઠા ગામના રાઠોડ પરિવારના ભાઈઓ તેના ધર્મના ભાઈ બન્યા હતા અને કન્યાદાન કર્યું હતું એ વાતને આજે ૭૬૧ વર્ષ થયાં, પરંતુ આજે પણ બહેનને ચૂંદડી આપવાની આ પ્રથા નિભાવવામાં આવી રહી છે. દર વર્ષે મુડેઠા ગામથી એક ભાઈ બખ્તર પહેરીને ઘોડા પર બેસીને ચૂંદડી લઈને બેસતા વર્ષે પેપળુ ગામ જાય છે. ત્યાં રાતવાસો કરીને ભાઈબીજના દિવસે પાછો ફરે છે ત્યારે ગામમાં અશ્વદોડ યોજાય છે. ભાઈબીજના દિવસે અમારા ગામમાં યોજાયેલી અશ્વદોડમાં ૨૦૦ અશ્વસવારોએ ભાગ લીધો હતો, જેને જોવા હજારો લોકો એકઠા થયા હતા.’