૯૭ અને ૯૫ ટકા લાવનારાં આ બૉય અને ગર્લને ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ અને ડૉક્ટર બનવું છે
જયમીન કાયસ્થને તેનાં માતા-પિતાએ આશીર્વાદ આપ્યા હતા, વેદાંશી મકવાણા તેનાં મમ્મી-પપ્પા સાથે. તસવીરો : જનક પટેલ
ગુજરાતમાં ધોરણ ૧૦ની પરીક્ષાનું ગઈ કાલે ૮૩.૦૮ ટકા રિઝલ્ટ જાહેર થયું હતું. આ પરીક્ષામાં ૯૭ ટકા લાવનાર અમદાવાદના રિક્ષા-ડ્રાઇવરના દીકરા જયમીન કાયસ્થે ઊંચું રિઝલ્ટ મેળવવા માટે દરેક સ્ટુડન્ટને ‘મિડ-ડે’ દ્વારા મેસેજ આપતાં કહ્યું હતું કે ‘વર્ષની શરૂઆતથી જ વાંચવાનું શરૂ કરવું જોઈએ, હૅન્ડરાઇટિંગ અને ગ્રામરમાં ધ્યાન રાખવું જરૂરી છે.’
રિઝલ્ટ જાહેર થયા બાદ ‘મિડ-ડે’ સાથે વાત કરતાં એચ. બી. કાપડિયા સ્કૂલના સ્ટુડન્ટ જયમીન અલ્પેશ કાયસ્થે કહ્યું હતું કે ‘મારે ૬૦૦માંથી ૫૮૬ માર્ક્સ આવ્યા છે. સારું પરિણામ મેળવવા માટે હું દિવસના છથી સાત કલાક વાંચતો હતો. જે રીતે હું મહેનત કરી રહ્યો હતો એ પ્રમાણે મને લાગતું હતું કે હું એ-વન ગ્રેડ મેળવીશ. મારે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ બનવું છે. જ્યારે આપણે બોર્ડની એક્ઝામ આપતાં હોઈએ ત્યારે દરેક વિષય પર ભાર મૂકવો જોઈએ. હું દરેક સ્ટુડન્ટને મેસેજ આપવા માગું છું કે કોઈ પણ પરીક્ષાની તૈયારી વર્ષની શરૂઆતથી જ કરો જેથી અભ્યાસનો અવકાશ મળી રહે. પરીક્ષામાં ખાસ એ વાતનું ધ્યાન રાખવું કે તમારી હૅન્ડરાઇટિંગ યોગ્ય હોય અને ગ્રામેટિકલ ભૂલ થાય નહીં. રોજ નિયમિત વાંચનની ટેવ હશે તો પરિણામ સારું આવશે.’
ADVERTISEMENT
ધોરણ ૧૦ પાસ મમ્મી-પપ્પાની દીકરી વેદાંશી મકવાણાએ ૯૫ ટકા મેળવ્યા છે. ‘મિડ-ડે’ સમક્ષ ખુશી વ્યક્ત કરતાં રિક્ષા-ડ્રાઇવરની દીકરી અને ગુરુકૃપા સ્કૂલમાં અભ્યાસ કરતી વેદાંશી પ્રવીણસિંહ મકવાણાએ કહ્યું હતું કે ‘મારે ડૉક્ટર બનવું છે એટલે અત્યારથી જ એની તૈયારી કરતાં ધોરણ ૧૦ની પરીક્ષા સારા માર્ક્સ સાથે પાસ કરું એ પ્રમાણે મહેનત કરી હતી. શાળામાં અભ્યાસ કરવા ઉપરાંત ઘરે હું રોજ પાંચ કલાક વાંચતી હતી. મહેનત કરી તો આ રિઝલ્ટ મેળવી શકી છું.’

