Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > શેત્રુંજય પર્વત પરથી પહેલા ઉપવાસની શરૂઆત કરીને અમદાવાદમાં નિપેક્ષ શેઠ કરી રહ્યા છે ૧૮૦ ઉપવાસની તપસ્યા

શેત્રુંજય પર્વત પરથી પહેલા ઉપવાસની શરૂઆત કરીને અમદાવાદમાં નિપેક્ષ શેઠ કરી રહ્યા છે ૧૮૦ ઉપવાસની તપસ્યા

Published : 17 September, 2026 12:10 PM | IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૮ વર્ષના આ યુવાનના ગઈ કાલે ૧૭૭ ઉપવાસ થયા પૂરા: ઉપવાસથી ૧૫થી ૧૭ કિલો વજન ઊતર્યું

નિપેક્ષ શેઠને ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત નરરત્નસૂરીશ્વરજી મહારાજસાહેબે આશીર્વાદ આપ્યા હતા.

નિપેક્ષ શેઠને ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત નરરત્નસૂરીશ્વરજી મહારાજસાહેબે આશીર્વાદ આપ્યા હતા.


જૈન સમાજના વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ શેત્રુંજય પર્વત પરથી પહેલા ઉપવાસની શરૂઆત કરીને ગઈ કાલે ૧૭૭મો ઉપવાસ પૂરો કરનાર ૨૮ વર્ષના યુવાન નિપેક્ષ શેઠ ૧૮૦ ઉપવાસની કઠિન તપસ્યા કરી રહ્યા છે. ગુરુભગવંતોના આશીર્વાદથી નિપેક્ષ શેઠના આ શનિવારે ૧૮૦ ઉપવાસ પૂરા થશે.    

અડધો વર્ષ જેટલા ઉપવાસની તપશ્ચર્યા કરી રહેલા નિપેક્ષ શેઠે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે  ‘૨૦૨૬ની ૨૪ માર્ચે શેત્રુંજય પર્વત પરથી પહેલા ઉપવાસની શરૂઆત કરીને તપસ્યાનો પ્રારંભ કર્યો હતો. આટલા ઉપવાસ કરવા માટે મનોબળ મજબૂત કરવા ઉપરાંત એકાગ્રતા રાખી હતી. આ પહેલાં મેં ૮, ૧૧, ૩૬ અને ૫૧ ઉપવાસ કર્યા હતા. ત્યાર બાદ ૧૮૦ ઉપવાસની ઉત્કૃષ્ટ તપશ્ચર્યા માટે હું તૈયાર થયો હતો. આ તપશ્ચર્યાથી શરીર ટેવાતું ગયું અને આત્મવિશ્વાસ વધતો ગયો હતો. આ ઉપવાસ દરમ્યાન શેત્રુંજય ગિરિરાજની યાત્રા પાંચ વાર કરી છે. હું શેત્રુંજય પર્વત પર દાદાનાં દર્શન કરવા માટે ચાલીને ગયો હતો. મારી તપશ્ચર્યાના શરૂઆતના દિવસોમાં પડકાર આવ્યા હતા, પરંતુ ગુરુભગવંતોના આશીર્વાદથી હું આગળ વધતો ગયો. આ તપ દરમ્યાન અનુભવ્યું કે મન મજબૂત હોય તો શરીર ગમે અેવા કઠિન સંકલ્પને ઝીલી શકે છે. આ તપથી શાંતિ અને સંયમની અનુભૂતિ થઈ છે. મારા જીવનની આ સૌથી મોટી આધ્યાત્મિક યાત્રા બની છે. જોકે આ ઉપવાસ દરમ્યાન અંદાજે ૧૫થી ૧૭ કિલો જેટલું વજન ઊતર્યું છે.’     



ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત નરરત્નસૂરીશ્વરજી મહારાજસાહેબે કહ્યું હતું કે ‘૧૮૦ દિવસ સુધી માત્ર ઉકાળેલા પાણીના આલંબન પર અવિચળ રહીને શ્રદ્ધા, સંયમ અને આત્મબળની તપસ્યા કરી રહેલા નિપેક્ષ શેઠની તપસ્યા જૈન સમાજ માટે પ્રેરણાદાયી છે. તેમના ઉપવાસ યુવાનો અને નવી પેઢીને સંયમ, સદાચાર અને આધ્યાત્મિક જીવન જીવવાની પ્રેરણા આપશે.’ 


નિપેક્ષ શેઠના ૧૮૦ દિવસના ઉપવાસની પૂર્ણાહુતિ અમદાવાદમાં પંકજ જૈન સંઘ ખાતે ૨૦ સપ્ટેમ્બરે રવિવારે ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત નરરત્નસૂરીશ્વરજી મહારાજસાહેબના હસ્તે સાધુ-સાધ્વી-ભગવંતો, શ્રાવક-શ્રાવિકાઓની ઉપસ્થિતિમાં થશે.


Whatsapp-channel Whatsapp-channel

17 September, 2026 12:10 PM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK