Mahavir Jayanti 2025: ગુજરાતના ગૃહ પ્રધાન હર્ષ સંઘવી અને શિક્ષણ પ્રધાન પ્રફુલ પાનસેરિયા સહિત ઘણા ભાજપ નેતાઓએ જૈન સમુદાયને શુભેચ્છા આપતી વખતે ભગવાન મહાવીરને બદલે ભૂલથી ગૌતમ બુદ્ધની તસવીરો શૅર કરી હતી જેને કારણે વિવાદ ઉભો થયો હતો, પણ પોસ્ટ પછી બદલી.
ભાજપના નેતાઓએ કરેલી ખોટી પોસ્ટ (તસવીર: સોશિયલ મીડિયા)
મહાવીર જયંતિની ૧૦ એપ્રિલ 2025ના રોજ દેશભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ તહેવારની શુભેચ્છા આપતી અનેક પોસ્ટ રાજ્ય સહિત દેશભરના અનેક નેતાઓએ પણ કરી હતી. જોકે આ નેતાઓએ કરેલી પોસ્ટમાં એક મોટી ભૂલ જોવા મળી હતી. ખાસ કરીને ભાજપના નેતાઓએ શૅર કરેલી પોસ્ટમાં લોકોએ આ ભૂલ શોધી કાઢી હતી, જે પછી સમજતા આ નેતાઓએ પોસ્ટ બદલી નાખી હતી. તો ચાલો જોઈએ કે શું હતી આ મોટી ભૂલ જેને કારણે મોટો વિવાદ ફાટી નીકળવાની શક્યતા હતી.
ગુજરાતના ગૃહ પ્રધાન હર્ષ સંઘવી અને શિક્ષણ પ્રધાન પ્રફુલ પાનસેરિયા સહિત ઘણા ભાજપ નેતાઓએ જૈન સમુદાયને શુભેચ્છા આપતી વખતે ભગવાન મહાવીરને બદલે ભૂલથી ગૌતમ બુદ્ધની તસવીરો શૅર કરી હતી જેને કારણે વિવાદ ઉભો થયો હતો. જોકે આ નેતાઓને પોતાની ભૂલ સમજાતા તેમણે તેને ડિલીટ કરી દીધી હતી. આ પોસ્ટ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં, જૈન સમાજના કેટલાક લોકોએ નારાજગી વ્યક્ત કરતા કરી હતી. આ સાથે તેમણે કહ્યું કે આ બાબત આઘાતજનક છે કે આપણા દેશના કેટલાક નેતાઓ ભગવાન મહાવીર અને ભગવાન બુદ્ધ વચ્ચેનો તફાવત પણ જાણતા નથી. ભૂલ સમજાયા પછી, કેટલાક નેતાઓએ ખોટી તસવીર દૂર કરીને અને ભગવાન મહાવીરના સાચા ફોટા સાથે ફરીથી પોસ્ટ કરીને તેને સુધારી હતી.
ADVERTISEMENT
ભગવાન મહાવીરને બદલે ગૌતમ બુદ્ધની તસવીર સાથે મહાવીર જયંતિની શુભેચ્છાઓ આપતી પોસ્ટ કરનારા નેતાઓઓની યાદી ઘણી લાંબી હતી. આ મોટી ભૂલમાં જીતુ વાઘાણી, ભાવનગરના સાંસદ નિમુબેન બાંભણીયા, અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ, ધોળકાના ધારાસભ્ય કીર્તિસિંહ ડાભી, ખેરાલુના ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી, ઊંઝાના ધારાસભ્ય કીર્તિ પટેલ, જામનગર દક્ષિણના ધારાસભ્ય દિવ્યેશ અકબરી, છોટા ઉદેપુરના સાંસદ જયસુખભાઈ પટેલ અને અન્ય લોકો સામેલ હતા.
ગૌતમ બુદ્ધની તસવીર મૂકી મહાવીર જયંતિની શુભેચ્છાઓ આપતા નેતાઓની સોશિયલ મીડિયા પર ટ્રોલિંગ થતાં મોટાભાગના નેતાઓએ આ તસવીરો ડિલીટ કરી દીધી હતી, જોકે હજી સુધી આવી કેટલીક તસવીરો નેતાઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર છે.
જીતુ વાઘાણીએ લખ્યું જય જિનેન્દ્ર ! મહાવીર જયંતીના પાવન પર્વની સમસ્ત દેશવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ. ભગવાન મહાવીર સ્વામીએ આપેલા આત્મસિદ્ધિ, અહિંસા અને સત્યના સિદ્ધાંતો સમગ્ર માનવજાતિ માટે આશીર્વાદ રૂપ છે. આવો, આપણે સૌ મળીને અહિંસાના માર્ગે ચાલી, શાંતિપૂર્ણ અને સહઅસ્તિત્વપૂર્ણ સમાજના નિર્માણનો સંકલ્પ...
તો હસમુખ પટેલે લખ્યું મહાવીર જયંતિ, ચાલો આપણે ભગવાન મહાવીરના ઉપદેશોને આત્મસાત કરીએ અને જ્યાં પણ જઈએ ત્યાં પ્રેમ અને દયા ફેલાવીએ. તો નિમુબેન બાંભણીયાએ લખ્યું ભગવાન મહાવીર સ્વામીએ માનવતાને અહિંસા, સત્ય અને બ્રહ્મચર્યના અમૂલ્ય ઉપદેશો આપ્યા. તેમના ઉપદેશો આજે પણ આપણને સંયમ અને કરુણાનો માર્ગ બતાવે છે. મહાવીર જયંતિની શુભકામનાઓ.

