અંબારામ પટેલને લોકો પ્રેમથી અંબાલાલકાકાના હુલામણા નામથી બોલાવે છે અને ઓળખે છે. અંબાલાલકાકાએ કંઈ અમસ્તી જ આગાહી શરૂ નહોતી કરી દીધી.
આકાશ બતાવી રહેલા અંબારામ પટેલ. તસવીરો : શૈલેષ નાયક
કોટે મોર ટહુકિયા ને
વાદળ ચમકી વીજ,
ADVERTISEMENT
મારા રૂદાને રાણો સાંભળ્યો
એ જોને આવી અષાઢી બીજ
ગુજરાતી લોકસાહિત્યમાં ઋતુઓને લઈને અનેક ગીતો, દુહા, છંદ સહિતનું સાહિત્ય રચાયું છે. આ આપણા લોકસાહિત્યકારો, કલાકારો અને વડવાઓના અભ્યાસનો નિચોડ છે કે તેઓ આવનારી ઋતુને પક્ષીઓ કે વાતાવરણમાં આવેલા બદલાવને પામી જઈને આવી રહેલા સમયનું બયાન દુહા, છંદ અને લોકગીતોમાં કરતા હતા. હાલમાં ચોમાસાની મોસમ ચાલી રહી છે ત્યારે ઘરની બહાર નીકળતાં પહેલાં મોટા ભાગના લોકો એક વખત હવામાન વિભાગની આગાહી પર નજર ફેરવી લેતા હશે. હવામાન વિભાગની વાત આવે ત્યારે મોટા ભાગના ગુજરાતીઓને અચૂક અંબાલાલકાકાનું નામ તો મોઢે આવી જ જાય. ભારતીય સંસ્કૃતિનાં શાસ્ત્રો અને ગ્રંથોને તેમણે આત્મસાત્ કર્યાં છે અને એ અનુભવના નિચોડમાંથી ખેડૂતોને ઉપયોગી બનવા માટે થઈને આગાહી કરી રહ્યા છે ગાંધીનગરમાં રહેતા અંબારામ પટેલ.
વિજ્ઞાન જાથાના વિરોધને પગલે થોડા દિવસ પહેલાં અંબાલાલકાકાએ આગાહી નહીં કરવાનું જાહેર કર્યું અને આખા ગુજરાતમાંથી તેમના પર એવો પ્રેમ વરસ્યો કે બીજા જ દિવસથી તેમણે તેમના અનુભવના આધારે આગાહી કરવાનું ફરી શરૂ કરી દીધું. ખેડૂતોને ઉપયોગી થવાના હેતુથી વર્ષો પહેલાંથી અંબાલાલકાકાએ પરંપરાગત જ્ઞાન અને ગ્રંથોના આધારે વરતારો ભાખવાનું કાર્ય શરૂ કર્યું હતું.
સાડાચાર દસકા પહેલાંનો એ સમય
અંબારામ પટેલને લોકો પ્રેમથી અંબાલાલકાકાના હુલામણા નામથી બોલાવે છે અને ઓળખે છે. અંબાલાલકાકાએ કંઈ અમસ્તી જ આગાહી શરૂ નહોતી કરી દીધી. એની પાછળ એક ખેડૂતના પાકની થયેલી અવદશા કેન્દ્રમાં રહેલી હતી. જીવનના ૭૯મા વર્ષે પણ સક્રિય રહીને આગાહી કરી રહેલા અંબારામ પટેલ આ મુદ્દે વાત કરતાં ‘મિડ-ડે’ને કહે છે, ‘હું ગુજરાત સરકારમાં ૧૯૭૨થી લગભગ ૨૦૦૫ સુધી ઍગ્રિકલ્ચર ડિપાર્ટમેન્ટમાં કામ કરતો હતો. ૧૯૮૫-’૮૬ સુધી ગુજરાત રાજ્ય બીજ પ્રમાણ એજન્સીમાં બિયારણને સર્ટિફાય કરવાની નોકરી કરી. ત્યાંથી મને હવામાનની આગાહી કરવાની પ્રેરણા ખેડૂતભાઈઓ પાસેથી મળી હતી, કારણ કે એ સમયે હું ખેડૂતભાઈઓનાં ખેતરોમાં જતો હતો. એ સમયે એક ખેડૂતભાઈને ત્યાં ગયો હતો અને તેનો પાક જોઈને મેં પૂછ્યું કે તમારો કપાસ કેમ બરોબર નથી? તો તે ખેડૂતભાઈએ કહ્યું કે આ વખતે વરસાદ બરાબર પડ્યો નથી. આ વાત સાંભળીને મારું મન સળવળી ઊઠ્યું અને મને કંઈક સંશોધન કરવાનું મન થયું. એ સમયે મારા પિતાજી પંચાંગ મગાવતા હતા, પણ મને એમાં ખાલી તિથિ અને તારીખ જોવામાં રસ હતો. ખેડૂતભાઈઓને કેમ ઉપયોગી થવાય એ હેતુસર મને હવામાનની આગાહીમાં રસ પડ્યો. બાકી કમાવા માટે કે આર્થિક ઉપાર્જન કરવા બાબતમાં રસ પડ્યો નહોતો. ગ્રંથો અને પુસ્તકો વાંચીને એનો અભ્યાસ કરીને ૧૯૮૦થી આગાહી કરવાનું શરૂ કર્યું હતું. આમ તો ૧૯૭૭થી મને રસ હતો, પણ ૧૯૮૦માં વર્તમાનપત્રોમાં આગાહી આપવાનું શરૂ કર્યું હતું.’
ગ્રંથોનું વાંચન અને અભ્યાસ
કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ક્ષેત્રમાં નિપુણ ત્યારે બને જ્યારે તેણે અભ્યાસ કર્યો હોય, એ વસ્તુને આત્મસાત્ કરી હોય. અંબાલાલકાકાના કેસમાં પણ કંઈક એવું જ બન્યું. આ વિશે અંબાલાલકાકા કહે છે, ‘હવામાનની આગાહી માટે મેં ઘણાં પુસ્તકો વસાવ્યાં, ઘણું વાંચન કર્યું અને ધીરે-ધીરે આગળ વધ્યો. અમદાવાદમાં ફર્નાન્ડિસ પુલ નીચેથી તેમ જ અન્ય જગ્યાએથી ધીરે-ધીરે ગ્રંથો એકઠા કર્યા છે. એ સમયે જૂનાગઢ, નવસારી ટૂરમાં જતો ત્યારે એ વાંચતો. ખાસ કરીને બૃહદ સંહિતા, વારાહી સંહિતાનું વાચન કર્યું. એમાં મેઘ સંબંધી ઘણી બાબતો છે - મેઘવર્ષાનું ઘર, ક્યારે વરસે, કયા નક્ષત્રમાં કેટલો અને કેવો વરસાદ પડે વગેરે. ગ્રહોના સંચરણ છે અને એમાં વર્ષા સંબંધિત બાબતો છે. મુહૂર્ત સંબંધી બાબતો પણ છે, વનસ્પતિશાસ્ત્રનું પણ જ્ઞાન છે. આ ઉપરાંત જૈન ગ્રંથો પણ ઘણા સારા છે. એમાં ભદ્રબાહુ સંહિતા, મેઘમાલા અને મેઘમહોદય ગ્રંથ છે. આ બધા ગ્રંથોમાં વરસાદની ઘણી માહિતી મળે છે. આ ઉપરાંત મુખ્ય પરંપરાગત જ્ઞાન તો ખરું જ. પરંપરાગત જે જ્ઞાન છે એ અનોખું છે. આધુનિક ટેક્નૉલૉજી પણ અમે એની સાથે લઈએ છીએ કારણ કે ઘણી વખત અમારી આગાહી સામે વિરોધ પણ થાય છે, પડકાર પણ થાય છે. એટલે પરંપરાગત જ્ઞાન અને શાસ્ત્રોની આગાહી ઘણી વખત વિજ્ઞાનના આધાર સાથે હોય તો અમે ટેક્નૉલૉજીથી પણ આગાહી કરીએ છીએ.’
અંગ્રેજ સરકારે કરી સરાહના
દેશ આઝાદ થયો નહોતો એ સમયે અંગ્રેજોના શાસનમાં પણ આપણી સંસ્કૃતિનાં શાસ્ત્રો અને ગ્રંથો તેમ જ પરંપરાગત જ્ઞાનની વૈવિધ્યતાથી અંગ્રેજો અવાક રહી જતા. અંબાલાલકાકા કહે છે, ‘બૃહદ સંહિતા, વારાહી સંહિતા અને બીજા ગ્રંથો છે, આપણું પરંપરાગત જ્ઞાન છે એની અંગ્રેજ સરકારે સરાહના કરી હતી. નારદ પુરાણમાં ગ્રહગણિત વધુ છે. આપણી પાસે અત્યારે જે ગ્રંથો છે એનું દોહન કરો. સિદ્ધાંત ગણિતનો પ્રચાર થવો જોઈએ. આપણા સિદ્ધાંત ગ્રંથમાં ગ્રહોનું ગોચર અને એનું ગણિત છે એનું ભણતર થાય તો સારું.’
યંગ જનરેશન કરી શકે છે ગ્રંથોનો અભ્યાસ
આધુનિક ટેક્નૉલૉજીના આ સમયમાં નવી પેઢી સમય કાઢીને આપણા ગ્રંથો પર નજર કરી શકે છે. અંબાલાલકાકા યુવા પેઢીને મેસેજ આપતાં કહે છે, ‘બૃહદ સંહિતા, વારાહી સંહિતા, ભદ્રબાહુ સંહિતા, મેઘમાલા, મેઘમહોદય સહિતના ગ્રંથોનો આજની પેઢી અભ્યાસ કરી શકે એમ છે. યુવા પેઢી આવું જાણે. વધારે નહીં તો આ ગ્રંથોનું વિહંગાલોકન કરે તો પણ ઘણું ઉપયોગી થયું ગણાશે.’
આગાહીમાં માસ્ટરી
અંબાલાલકાકાની હવામાનની આગાહી કરવામાં હથોટી છે એમ કહેવામાં કદાચ અતિશયોક્તિ નહીં લાગે. તેમની મોટા ભાગની આગાહી સાચી ઠરતી હોય છે. પોતે કરેલી આગાહી વિશે અંબારામ પટેલ કહે છે, ‘વાવાઝોડા તાઉતે સહિતની આગાહી કરી હતી, પણ મને આવી ઘણી આગાહી યાદ નથી. હું આગાહી કરતો આધુનિક વિજ્ઞાન પ્રમાણે અને ઘણી આગાહી સત્ય પણ નીવડી છે. ભારે વરસાદની આગાહી કરી છે અને ભારે વરસાદ આવ્યો હતો. ૨૦૨૭ કે ૨૦૨૮માં ચક્રવાતોનું પ્રમાણ વધવાની શક્યતા છે.’
ખેડૂતો આપે છે માન
ગુજરાતના ખેડૂતોને અંબાલાલકાકાના વરતારા પર ભરોસો છે. ભારતીય કિસાન સંઘ, ગુજરાતના મહામંત્રી આર. કે. પટેલ ‘મિડ-ડે’ને કહે છે ‘ક્યાંક ને ક્યાંક પ્રકૃતિ એનાં લક્ષણો બદલતી હોય છે. દાખલા તરીકે જીવાત હોય એ વરસાદ પહેલાં અને પછી અલગ હોય છે. વૃક્ષ પણ એનો મિજાજ બદલે છે. અંબાલાલકાકા જૂનાં પુસ્તકો અને અનુભવના આધારે આગાહી કરતા હોય છે એટલે ૧૫–૨૦ દિવસ પહેલાં ધ્યાનમાં આવે કે આ તારીખે વરસાદ આવવાનો છે. તો ખેતરમાં પાણી વાળવાની સિચુએશન આવી હોય તો ખેડૂતો થોડા દિવસ રાહ જુએ છે કે બે-ચાર દિવસ પછી વરસાદ આવશે તો હાલ પાણી વાળવું નથી. માનો કે પાકની કાપણી કરવાની હોય અને માવઠું થવાનું હોય તો ખેડૂતો વરતારા પ્રમાણે કામ કરે તો બે દિવસ પહેલાં પાક લઈ લે છે કે પછી બીજી કોઈ વ્યવસ્થા કરે છે. સીમાંત ખેડૂત વરતારાના આધારે પોતાની વ્યવસ્થા કરે છે અને એમાં સફળતા મળતી હોય છે. બીજું એ કે ધારો કે આગાહી ખોટી પડે તો ખેડૂતોને નુકસાન થવાનું નથી. અંબાલાલકાકાના વરતારાને ખેડૂતો માન આપે છે.’
કોઈ સ્વાર્થ નથી
અંબાલાલકાકા માટે વાત કરતાં આર. કે. પટેલ કહે છે, ‘કાકા માટે એવું કહી શકાય કે આ એવી વ્યક્તિ છે જેમને આવનારા દિવસોમાં પ્રકૃતિ કરવટ બદલવાની હોય અને એ તેમને દેખાય તો તેઓ ખેડૂતોને, સમાજને કહી દે છે. એમાં તેમનો કોઈ સ્વાર્થ નથી હોતો. તેઓ યુટ્યુબર નથી કે પૈસા લઈને કામ પણ નથી કરતા. એટલે કિસાન સંઘ તેમના પડખે ઊભો રહે છે.’
