વડા પ્રધાન કાર્યાલયના રાજ્યકક્ષાના પ્રધાન જિતેન્દ્ર સિંહે કહ્યું કે આંદોલન વચ્ચે સરકારે ૪ વખત મોકલ્યા પ્રસ્તાવ
જિતેન્દ્ર સિંહ
કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)ના નેતૃત્વમાં થઈ રહેલા આંદોલન વચ્ચે કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે એ વિદ્યાર્થી પ્રતિનિધિઓ સાથે વાટાઘાટો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્ર સિંહે ગુરુવારે જણાવ્યું હતું કે સરકાર માટે પ્રતિષ્ઠા કે મોભો કોઈ અવરોધ નથી અને વિદ્યાર્થીઓની અનુકૂળતા મુજબ કોઈ પણ સમયે અને સ્થળે ચર્ચા કરવા માટેની તૈયારી છે.
વડા પ્રધાન કાર્યાલયના રાજ્યકક્ષાના પ્રધાન જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે ‘બુધવાર બપોરથી અત્યાર સુધીમાં સરકારે આંદોલનકારી વિદ્યાર્થીઓને ચર્ચા માટે ૪ વખત ઔપચારિક પ્રસ્તાવ મોકલ્યા છે. આ કોઈ અહંકારનો વિષય નથી. કેન્દ્રીય આરોગ્યપ્રધાન જે. પી. નડ્ડા અને હું પોતે ચર્ચા માટે ઉપસ્થિત રહીશું. અમે વિદ્યાર્થીઓની અનુકૂળતા મુજબ જે. પી. નડ્ડાની ઑફિસ, નિવાસસ્થાન કે કોઈ પણ અનુકૂળ સ્થળે વાટાઘાટો કરવા માટે તૈયાર છીએ.’
જિતેન્દ્ર સિંહે વધુમાં જણાવ્યું હતું કે ‘વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતે યુવાનોના હિત પ્રત્યે અત્યંત સંવેદનશીલ છે. તેમણે જાહેરાત કરી કે પેપર-લીકના તમામ દોષીઓ સામે ઝડપી કાનૂની કાર્યવાહી થાય એ માટે ફાસ્ટ ટ્રૅક કોર્ટની સ્થાપના કરવાનો નિર્ણય લેવાયો છે જેથી સત્વર નિર્ણય લઈને કડક કાર્યવાહી કરી શકાય. તેમણે જંતરમંતર પર વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓને સંવાદ સાધીને સમસ્યાનો પ્રામાણિક ઉકેલ લાવવા નમ્ર અપીલ કરી હતી.’
ADVERTISEMENT
હમેશા દેર કર દેતા હૂં મૈં હર કામ કરને મેં: ફાસ્ટ ટ્રૅક કોર્ટના મુદ્દે પાકિસ્તાની શાયરને ટાંકીને કૉન્ગ્રેસના શશી થરૂરે કરી વડા પ્રધાનની ટીકા
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પેપર-લીકના મુદ્દે ફાસ્ટ ટ્રૅક કોર્ટની જાહેરાત કરતી પોસ્ટ મૂકી એની ટીકા કરવા માટે કૉન્ગ્રેસના સંસદસભ્ય શશી થરૂરે પાકિસ્તાની શાયર મુનીર નિયાઝીના શેરને ટાંક્યો હતો. કવિ મુનીર નિયાઝીને ટાંકતાં શશી થરૂરે લખ્યું હતું કે ‘હમેશા દેર કર દેતા હૂં મૈં હર કામ કરને મેં, ઝરૂરી બાત કહની હો, કોઈ વાદા નિભાના હો.’ કેરલમના તિરુવનંતપુરમના કૉન્ગ્રેસના સંસદસભ્ય શશી થરૂર વારંવાર આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર મોદી સરકાર અને ખાસ કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સમર્થનમાં મજબૂત રીતે ઊભા રહ્યા છે. જોકે તેમણે પેપર-લીક મામલે મોદી સરકાર અને ખાસ કરીને શિક્ષણપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન પર હુમલો કરવાની એક પણ તક ગુમાવી નથી.
કૉક્રૉચ જનતા પાર્ટી દ્વારા આજે દેશવ્યાપી આંદોલનઃ એવરી ડિસ્ટ્રિક્ટ, વન ડે, વન ડિમાન્ડ
કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)એ આજે દેશવ્યાપી દેખાવોનું આહ્વાન કર્યું છે. એમાં વિદ્યાર્થીઓ, સિવિલ સોસાયટી ગ્રુપ્સ અને સંગઠનોને ચાલી રહેલા વિરોધ-પ્રદર્શન દરમ્યાન પોલીસના બળપ્રયોગનો ભોગ બનેલા લોકો સાથે એકતા દર્શાવવા માટે જિલ્લાઓમાં શાંતિપૂર્ણ રીતે એકઠા થવાની વિનંતી કરવામાં આવી છે. ‘એવરી ડિસ્ટ્રિક્ટ, વન ડે, વન ડિમાન્ડ’ના સ્લોગન હેઠળ આયોજકોને જરૂરી પરવાનગીઓ મેળવવા, લૉજિસ્ટિકલ વ્યવસ્થાઓનું સંકલન કરવા અને પ્રદર્શનકારીઓની માગણીઓ જાહેરમાં વાંચવા માટે કહેવામાં આવ્યું છે. દિલ્હીમાં સંસદકૂચ દરમ્યાન થયેલી અથડામણના થોડા દિવસ પછી પ્રદર્શનકારીઓ અને પોલીસે એકબીજા પર હિંસાનો આરોપ લગાવ્યા બાદ આ રાષ્ટ્રવ્યાપી હાકલ કરવામાં આવી છે.
ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે : CJP
CJPએ ફાસ્ટ ટ્રૅક કોર્ટ વિશે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરાત પછી પણ કેન્દ્રીય શિક્ષણપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગણીનો પુનરુચ્ચાર કર્યો હતો.
આ મુદ્દે CJPના પ્રવક્તા આશુતોષ રાંકાએ કહ્યું હતું કે ‘પહેલી વાત એ છે કે દોઢ મહિનાના વિરોધ પછી વડા પ્રધાને આખરે ધ્યાન આપ્યું છે. કદાચ તેમની વિદેશયાત્રાઓ પૂરી થઈ ગઈ છે અને તેઓ ભારત પાછા ફર્યા છે જે સારી વાત છે. જોકે પેપર લીક થઈ ગયા પછી તમે શું સજા આપી રહ્યા છો એનાથી પેપર-લીકની સમસ્યાનો ઉકેલ આવશે નહીં. વાસ્તવિક પ્રશ્ન એ છે કે પેપર-લીક પહેલાં જ કેમ થઈ રહ્યું છે એ પ્રશ્નનો જવાબ આપવો જોઈએ.’
વડા પ્રધાને યુવાનોના ભવિષ્યને નુકસાન પહોંચાડ્યું : રાહુલ ગાંધી
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વડા પ્રધાનની જાહેરાતને નકારી કાઢીને સરકાર પર શિક્ષણપ્રણાલીના પતનનું નેતૃત્વ કરવાનો આરોપ લગાવ્યો હતો. સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ X પર એક પોસ્ટમાં રાહુલ ગાંધીએ લખ્યું હતું કે ‘તમે જ એ વ્યક્તિ છો જેણે આપણા યુવાનોના ભવિષ્યને સૌથી વધુ નુકસાન પહોંચાડ્યું છે. તમે આપણી શિક્ષણપ્રણાલીના સંપૂર્ણ કબજા અને વિનાશને મંજૂરી આપી છે અને પ્રોત્સાહન આપ્યું છે અને એના માટે જવાબદાર દરેક વ્યક્તિને રક્ષણ આપ્યું છે.’ વિપક્ષની ૩ મુખ્ય માગણીઓનો પણ પુનરુચ્ચાર કરતાં રાહુલ ગાંધીએ લખ્યું કે કેન્દ્રીય શિક્ષણપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનને તાત્કાલિક બરતરફ કરવામાં આવે, વિદ્યાર્થીઓની માફી માગવામાં આવે અને વિરોધ-પ્રદર્શન દરમ્યાન કથિત પોલીસ-અતિરેક માટે જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવામાં આવે.
