વહેલી પરોઢે થઈ દુર્ઘટના, પાટિયાપુલ પાસે બની ઘટના
પથ્થરની નીચે દબાઈ ગયેલો ભક્ત
સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં ગઈ કાલે વહેલી પરોઢે દુર્ઘટના બની હતી. પાવાગઢ ડુંગર પરથી અચાનક મોટા પથ્થરો ગગડીને નીચે પાટિયાપુલ પાસે પડતાં બે માઈભક્તો એની નીચે દટાઈને મૃત્યુ પામ્યા હતા, જ્યારે ૪ જણને ઈજા થઈ હતી. આ ગમખ્વાર દુર્ઘટનાને કારણે અરેરાટી ફેલાઈ ગઈ હતી.
પાવાગઢ મંદિરના ટ્રસ્ટી અશોક પંડ્યાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગુરુવારે રાત્રે આ વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો હતો અને પવન પણ પુષ્કળ હતો. દરમ્યાન સવારે પાંચ વાગ્યાની આસપાસ પથ્થરો ગબડતા-ગબડતા નીચે પડ્યા હતા. પાવાગઢ મંદિરે દર્શન કરવા માટે નીચેથી ઉપર તરફ ૨૫૦૦ જેટલાં પગથિયાં ચડીને આગળ વધો ત્યાં આ ઘટના બની હતી. ત્યાં દર્શન કરવા જતા શ્રદ્ધાળુઓ પર આ પથ્થરો પડતાં બે લોકોનાં મોત થયાં હતાં, જ્યારે ૪ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.’
ADVERTISEMENT
મધ્ય ગુજરાતમાં મેઘમહેર: ખેડા, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, દાહોદ સહિતના જિલ્લાઓમાં વરસાદ
મેઘરાજા ગઈ કાલે મધ્ય ગુજરાત પર મહેરબાન થયા હતા. મધ્ય ગુજરાતવાસીઓએ જાણે કે મેઘમલ્હાર રાગ ગાઈને મેઘરાજાને રીઝવ્યા હોય એમ મધ્ય ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ જેવો માહોલ સર્જાયો હતો. મધ્ય ગુજરાતના ગળતેશ્વરમાં ૩ ઇંચ, કાલોલ અને ગોધરામાં અઢી ઇંચ તથા બોડેલીમાં બે ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. ગુજરાતમાં ગઈ કાલે સાંજે ૬ વાગ્યા સુધીમાં ૪૮ તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ પડ્યો હતો. મધ્ય ગુજરાતનાં મોટા ભાગનાં સ્થળોએ સવારે છથી ૧૦ વાગ્યા સુધી વરસાદ પડ્યો હતો. મધ્ય ગુજરાતના ખેડા, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, નર્મદા, દાહોદ અને મહીસાગર ઉપરાંત સુરત, નવસારી, વલસાડ, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં કેટલાંક સ્થળોએ હળવાથી ભારે વરસાદ પડ્યો હતો.
