S Jaishankar at CHARUSAT: વિદેશમંત્રીએ સરદાર વલ્લભ પટેલની વિઝનરી લીડરશીપને યાદ કરીને ભાવાજંલી અર્પણ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે વિદેશમાં વસતા ભારતીયો સાયન્સ એન્ડ ટૅકનોલૉજી ક્ષેત્ર ભારત અને દુનિયા વચ્ચે સેતુ બનવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.
ડૉ. એસ. જયશંકરે ‘ચેન્જિંગ વર્લ્ડ: ઓપોર્ચ્યુનિટીઝ એન્ડ ચેલેન્જીસ’ થીમ પર ચાવીરૂપ ભાષણ આપ્યું
ભારત સરકારના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ચાંગા સ્થિત ચારુસેટ કૅમ્પસની મુલાકાત લઈ ચારૂસેટ યુનિવર્સિટીમાં ‘ચેન્જિંગ વર્લ્ડ: ઓપોર્ચ્યુનિટીઝ એન્ડ ચેલેન્જીસ’ (Changing World: Opportunities and Challenges) થીમ પર ચાવીરૂપ ભાષણ આપ્યું હતું. વિદેશ મંત્રીએ ચારુસેટના વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધી વિદ્યાર્થીઓએ પુછેલા સવાલોના માહિતીસભર જવાબો આપ્યા હતા. ડૉ. એસ. જયશંકરે જણાવ્યું હતું કે, રાષ્ટ્રને મહાન બનાવવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત શૈક્ષણિક સંસ્થાઓ દેશભરમાં સ્થાપવામાં આવી છે. આવી સંસ્થાઓના સહયોગથી જ ભારત મહાન રાષ્ટ્ર બનશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. ચારૂસેટમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ નસીબદાર છે કે તેમને આ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી ઉચ્ચ શિક્ષણ મેળવવાની તક મળી છે.
તેમણે ઉમેર્યું હતું કે છેલ્લા દસ વર્ષમાં દેશમાં તમામ ક્ષેત્રોમાં ઘણું પરિવર્તન આવ્યું છે. ભારત આજે આત્મવિશ્વાસ સાથે દુનિયાની સાથે કદમ મિલાવી પડકારોનો સામનો કરી નવી તકોના સર્જન થકી વડા પ્રધાનના વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવા આગળ વધી રહ્યું છે. વિદેશમંત્રીએ સરદાર વલ્લભ પટેલની વિઝનરી લીડરશીપને યાદ કરીને ભાવાજંલી અર્પણ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે વિદેશમાં વસતા ભારતીયો સાયન્સ એન્ડ ટૅકનોલૉજી ક્ષેત્ર ભારત અને દુનિયા વચ્ચે સેતુ બનવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. ડૉ. એસ. જયશંકર સાથે સમગ્ર ઇન્ટરએક્ટીવ સેશનનું સંચાલન ડૉ. વિજય ચૌથાઈવાલેએ કર્યું હતું.
ADVERTISEMENT
ત્યાર બાદ વિદ્યાર્થીઓ સાથે સંવાદ યોજાયો હતો. વિદ્યાર્થીની વૃષ્ટિ દવેએ જણાવ્યું કે ડૉ. જયશંકર સાથેના સંવાદમાં અમને જાણવા મળ્યું છે કે આપણે 2047 સુધી વિશ્વગુરૂ બનવાનું સપનું જોયું છે એ જરૂર સાકાર કરી શકીશું. જેમાં યુવા તરીકે અમારે શું ભાગ ભજવવાનો છે અને કઈ રીતે ભાગ ભજવવાનો છે તે બાબત તેઓએ સમજાવી હતી. શાશ્વત મહેન્દ્રુએ સવાલ પૂછ્યો હતો કે, ઘણા વિદ્યાર્થીઓ અભ્યાસ માટે વિદેશ જાય છે, જયારે વિવિધ કંપનીઓ આપણા દેશમાં રોકાણ કરી રહી છે, તો શું આનાથી બન્ને દેશ વચ્ચે સંબંધ મજબૂત થાય છે કે કેમ તેમજ વિદ્યાર્થીઓ વિદેશ જાય છે તેનાથી શું ફેર પડી રહ્યો છે. ડૉ. જયશંકરે કહ્યું કે જે જેઓ વિદેશ જાય છે તેઓ સારી જવાબદારી અદા કરે છે અને ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. સાક્ષી શાહે ટૅકનોલૉજી અને એન્ટરપ્રિન્યોરશીપ અને રિષભ જોષીએ સસ્ટેનેબિલિટી ડેવલોપમેન્ટ ગોલ્સ વિશે પ્રશ્ન પૂછ્યો હતો.
આ અગાઉ ચારૂસેટ કૅમ્પસમાં ડૉ. એસ. જયશંકરનું સુરેન્દ્ર પટેલ અને અન્ય મહાનુભાવોએ સ્વાગત કર્યું હતું. મંત્રીએ મેનેજમેન્ટ, પ્રિન્સીપાલ, ડીન સાથે વાર્તાલાપમાં ચારૂસેટ વિશે માહિતી મેળવી હતી. ત્યાર બાદ કૅમ્પસ વિઝીટ દરમિયાન વિવિધ વિભાગોની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે મંત્રીના હસ્તે CSPITમાં એમ. એસ. પટેલ ડીપાર્ટમેન્ટ ઓફ સિવિલ એન્જિનીયરીંગમાં નવનિર્મિત વૉટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ સમારંભ સ્થળે મંત્રી અને મહાનુભાવોનું આગમન થયું હતું. પ્રારંભમાં સ્વાગત પ્રવચન કરતા પ્રોવોસ્ટ ડૉ. આર. વી. ઉપાધ્યાયે અને મહેમાનોનો પરિચય આપ્યો હતો.
ચારુસેટના પ્રમુખ સુરેન્દ્ર પટેલ, કેળવણી મંડળના મંત્રી ડૉ. એમ. સી. પટેલ માતૃસંસ્થા-સીએચઆરએફના પ્રમુખ નગીન પટેલના હસ્તે મંત્રીને મોમેન્ટો એનાયત કરવામાં આવ્યો હતો. અંતમાં આભારવિધિ રજીસ્ટ્રાર ડૉ. અતુલ પટેલે કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન એસોસિયેટ પ્રોફેસર ડૉ. અદિતિ બુચ અને આસીસ્ટન્ટ પ્રોફેસર ડૉ. વિજય મકવાણાએ કર્યું હતું. કાર્યક્રમ પછી પત્રકારો સાથેની વાતચીતમાં ડૉ. એસ. જયશંકરે જણાવ્યું કે સમગ્ર કાર્યક્રમ ખુબ સરસ રહ્યો હતો. આજે મને વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરવાનો મોકો મળ્યો તે બદલ હું ચારૂસેટનો આભાર માનું છું. ઉલ્લેખનીય છે કે ડૉ. એસ. જયશંકરની આ પ્રતિષ્ઠિત ચારુસેટ યુનિવર્સિટીની મુલાકાત મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ બની છે. જે ચારુસેટની સમગ્ર દેશમાં વધતી જતી ઓળખ અને પ્રતિષ્ઠાને પ્રતિબિંબિત કરે છે.
આ પ્રસંગે સાંસદ મિતેષ પટેલ, સોજીત્રાના ધારાસભ્ય અને કેળવણી મંડળના સહમંત્રી વિપુલ પટેલ, આણંદના ધારાસભ્ય યોગેશ પટેલ, પેટલાદના ધારાસભ્ય કમલેશ પટેલ, કેળવણી મંડળના ઉપપ્રમુખ સી. એ. પટેલ, અશોક પટેલ, કિરણ પટેલ, દાતા મનુ પી. ડી. પટેલ, દાતા દેવાંગ પટેલ ઈપ્કોવાળા, ટ્રસ્ટી દીપક પટેલ, વિરેન્દ્ર પટેલ, માતૃસંસ્થા-કેળવણી મંડળ-ચારુસેટ-CHRFના પદાધિકારીઓ તથા હોદ્દેદારો, પ્રિન્સીપાલ, ડીન, ફેકલ્ટી મેમ્બર્સ સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

