એજન્ટોએ તેમને ગેરકાયદેસર રીતે અમેરિકા જવા માટે સુરક્ષિત માર્ગ આપવાનું વચન આપ્યું હતું. જ્યારે દંપતીના વ્યથિત પરિવારે મદદ માટે મિતેશ પટેલના કાર્યાલયનો સંપર્ક કર્યો, ત્યારે તેમણે વિદેશ મંત્રાલયને ઉચ્ચ સ્તરીય રજૂઆત મોકલી હતી.
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
ગુજરાતના આણંદ જિલ્લાના એક દંપતીનું અમેરિકા જતા સમયે અઝરબૈજાનમાં અપહરણ કરવામાં આવ્યું હતું અને તેમના પરિવાર પાસે ખંડણીની પણ માગણી કરવામાં આવી હતી. જોકે, બાદમાં ભારતીય વિદેશ મંત્રાલયની મદદથી તેમને બચાવી લેવામાં આવ્યા હતા, એમ સ્થાનિક લોકસભા સાંસદે મંગળવારે મીડિયાને જણાવ્યું હતું.
અપહરણકર્તાએ પરિવાર પાસેથી ખંડણી માગી હતી.
ADVERTISEMENT
સમાચાર એજન્સી અનુસાર, આણંદના સાંસદ મિતેશ પટેલે એક વીડિયો સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે વિદેશ મંત્રાલય (MEA) ના સમયસર પ્રયાસોને કારણે, ધ્રુવ પટેલ અને તેમની પત્ની દીપિકાને મુક્ત કરવામાં આવ્યા છે અને તેઓ સુરક્ષિત છે. ભાજપના સાંસદે મંગળવારે જણાવ્યું હતું કે બે દિવસ પહેલા, ધ્રુવ પટેલ અને દીપિકા પટેલના માતા-પિતાએ તેમનો સંપર્ક કર્યો હતો અને તેમને જાણ કરી હતી કે તેમનું અઝરબૈજાનમાં અપહરણ કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું હતું કે તેમને એક વીડિયો કૉલ આવ્યો હતો જેમાં અઝરબૈજાની વ્યક્તિઓ (અપહરણકારો) એ તેમની મુક્તિ માટે ખંડણી માગી હતી. અમેરિકાની મુસાફરી કરતી વખતે એજન્ટોની મદદથી બન્નેનું અપહરણ કરવામાં આવ્યું હતું. એજન્ટોએ તેમને ગેરકાયદેસર રીતે અમેરિકા જવા માટે સુરક્ષિત માર્ગ આપવાનું વચન આપ્યું હતું. જ્યારે દંપતીના વ્યથિત પરિવારે મદદ માટે મિતેશ પટેલના કાર્યાલયનો સંપર્ક કર્યો, ત્યારે તેમણે વિદેશ મંત્રાલયને ઉચ્ચ સ્તરીય રજૂઆત મોકલી. ત્યારબાદ તેમણે સોમવારે વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે મુલાકાત કરી, જ્યારે તેઓ ચાલુ સંસદ સત્ર માટે નવી દિલ્હીમાં હતા.
ભારતીય દૂતાવાસ 24 કલાકમાં કપલને બચાવ્યા
MEA એ અઝરબૈજાનમાં ભારતીય દૂતાવાસનો સંપર્ક કર્યો, અને 24 કલાકની અંદર, બન્ને અપહરણ કરાયેલા વ્યક્તિઓને બચાવી લેવામાં આવ્યા અને દક્ષિણ કાકેશસ પ્રદેશમાં દેશની રાજધાની બાકુમાં દૂતાવાસમાં લાવવામાં આવ્યા. લોકસભા સાંસદે કહ્યું કે “અપહરણકારોએ ખંડણી ન ચૂકવવામાં આવે તો દંપતીને મારી નાખવાની ધમકી આપી હતી. અમારી સરકારે તેમને જીવતા પાછા લાવવા માટે ખૂબ જ મહેનત કરી. હું આણંદના યુવાનોને અપીલ કરવા માગુ છું કે આવા એજન્ટો દ્વારા વિદેશ જવાનો પ્રયાસ ન કરે. તેના બદલે, અહીં કામ કરો. તમને અહીં ગુજરાતમાં બીજી તકો મળશે.”
નવસારીમાં દરજીકામ કરતો આતંકવાદી પકડાયો
દેશવિરોધી પ્રવૃત્તિઓ અને આતંકવાદી કૃત્ય આચરવા માટે હથિયાર ભેગાં કરનાર અને નવસારીમાં રહીને દરજીકામ કરતા ફૈઝાન શકીલ સલમાનીની ગુજરાત ઍન્ટિ ટેરરિઝમ સ્ક્વૉડ (ATS) અને નવસારી પોલીસે ધરપકડ કરી છે. તેની પાસેથી મળી આવેલા મોબાઇલમાંથી આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ તથા અલ-કાયદાની વિચારધારાને સમર્થન આપતું ઉશ્કેરણીજનક સાહિત્ય મળી આવ્યું હતું. પકડાયેલા ફૈઝાન પાસેથી ૧ પિસ્તોલ અને ૬ રાઉન્ડ કારતૂસ મળી આવી હતી. આ ઉપરાંત ઉર્દૂ જેવી લિપિમાં લખાયેલું અને જેહાદ માટે ઉશ્કેરણી કરતું વાંધાજનક લખાણ મળી આવ્યું છે. પોલીસે કરેલી પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે તે છેલ્લા ૬–૭ મહિનાથી વૉટ્સઍપ, ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામ જેવાં સોશ્યલ મીડિયા માધ્યમ દ્વારા મોહમ્મદ અબુ બકર નામના યુવકના સંપર્કમાં હતો. ફૈઝાન અને અબુ બકર ટેલિગ્રામ પર મૌલાના મસૂદ અઝહર તથા પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદનાં ઉશ્કેરણીજનક બયાન સાંભળીને એને અનુસરતા હતા. બન્ને પાસેથી મળી આવેલાં હથિયાર વિશે ફૈઝાને પોલીસને જણાવ્યું હતું કે આ હથિયાર રાખવા પાછળનો હેતુ એવા લોકોને નિશાન બનાવવાનો હતો જેમણે પયગંબરની શાનમાં ગુસ્તાખી કરી હોય. આવા લોકોની ઓળખ કરીને તેમના પર ફાયરિંગ કરીને તેમની હત્યા કરવાનું એક કાવતરું તેણે ઘડ્યું હતું.


