પ્રથમ નોરતે ચાચર ચોકમાં આપવામાં આવ્યું પ્રમાણપત્ર
અંબાજીના ચાચર ચોકમાં આયોજિત સમારોહમાં GI ટૅગનું પ્રમાણપત્ર શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટને એનાયત કરવામાં આવ્યું હતું, અંબાજીમાં મળતા મોહનથાળના પ્રસાદનાં બૉક્સ.
ઉત્તર ગુજરાતમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજીમાં અપાતા મોહનથાળના પ્રસાદને જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન (GI) ટૅગ મળ્યો છે. આદ્યશક્તિ જગદ્જનનીની શરૂ થયેલી નવરાત્રિના પહેલા નોરતે માતાજીના ચાચર ચોકમાં યોજાયેલા સમારંભમાં કન્ટ્રોલર જનરલ ઑફ પેટન્ટ્સ, ડિઝાઇન્સ ઍન્ડ ટ્રેડમાર્ક્સ તથા જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન્સના રજિસ્ટ્રાર પ્રોફેસર ડૉ. ઉન્નત પંડિતની અધ્યક્ષતામાં અને બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલની ઉપસ્થિતિમાં મોહનથાળના પ્રસાદનું સત્તાવાર GI ટૅગ પ્રમાણપત્ર શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટને અર્પણ કરવામાં આવ્યું હતું.
અંબાજી મંદિરના સત્તાવાળાઓ, અંબાજી ગામ અને અંબાજીમાં આવતા દેશવિદેશના અગણિત માઈભક્તો માટે આ ગૌરવની ક્ષણ બની છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલી અરજીના આધારે જરૂરી વૈધાનિક પ્રક્રિયા પૂરી થયા બાદ સત્તાવાર રીતે પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. પ્રોફેસર ડૉ. ઉન્નત પંડિતે કહ્યું હતું કે ‘પરંપરાગત ઉત્પાદનની મૂળ ઓળખ અને ગુણવત્તા જાળવવી અત્યંત જરૂરી છે. અંબાજી દર્શને આવતા શ્રદ્ધાળુઓને શુદ્ધ અને અસલ મોહનથાળનો પ્રસાદ મળે એ સુનિશ્ચિત કરવામાં GI ટૅગ મહત્ત્વની ભૂમિકા ભજવશે.’
બનાસકાંઠાના જિલ્લા-કલેક્ટર મિહિર પટેલે કહ્યું હતું કે ‘તિરુપતિના લાડુ અને પલાનીના પંચામૃતની શ્રેણીમાં હવે અંબાજીનો મોહનથાળ પ્રસાદ પણ દેશના વિશિષ્ટ ધાર્મિક પ્રસાદમાં સ્થાન પામ્યો છે. GI ટૅગને કારણે મોહનથાળના નામે થતા ગેરકાયદે ઉપયોગ અને નકલ સામે કાયદાકીય રક્ષણ મળશે તથા એની પરંપરાગત બનાવટ અને પવિત્રતા જાળવવામાં મદદ મળશે.’
