ખોડલધામ ટ્રસ્ટની કોર કમિટીની બેઠકમાં થઈ સમીક્ષા : લંડન ઉપરાંત અમદાવાદ અને સુરત નજીક પણ બનશે ખોડલધામ : કેવડિયામાં સ્ટૅચ્યુ ઑફ યુનિટી ખાતે બનશે ખોડલધામ ભવન
ખોડલધામ મંદિર પાસે લંડનથી આવેલા સમાજના લોકો સાથે ટ્રસ્ટના અગ્રણીઓ
ખોડલધામ ટ્રસ્ટ દ્વારા આગામી સમયમાં વિદેશની ધરતી પર ખોડલધામ બનાવવાનું આયોજન હાથ ધરાયું છે. આ ધામ આધ્યાત્મિકતાની સાથોસાથ વિદેશની ધરતી પર સમાજને સંગઠિત કરવાની સાથે સામાજિક પ્રવત્તિનું કેન્દ્ર પણ બની રહેશે. આ ઉપરાંત દેશ-વિદેશમાં ખ્યાતિપ્રાપ્ત સરદાર વલ્લભભાઈ પટેલની વિરાટ પ્રતિમા સ્ટૅચ્યુ ઑફ યુનિટી ખાતે ખોડલધામ સંકુલ બનશે. ગઈ કાલે ખોડલધામ ટ્રસ્ટના ચૅરમૅન નરેશ પટેલની અધ્યક્ષતા હેઠળ મળેલી કોર કમિટીની બેઠકમાં આ મુદ્દે સમીક્ષા કરી પ્રોજેક્ટ હાથ ધરવા ચર્ચાવિચારણ કરીને આગળ વધવાનું આયોજન કરવામાં આવ્યું છે.

ADVERTISEMENT
ખોડલધામ ટ્રસ્ટની બેઠકમાં ઉપસ્થિત ટ્રસ્ટીઓ
ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી દિનેશ કુંભાણીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ખોડલધામ ભવનમાં કોર કમિટીની બેઠક મળી હતી જેમાં ઉત્તર ગુજરાતના પાટણ પાસે સંડેરમાં બની રહેલા મંદિરના મુદ્દે તેમ જ રાજકોટ પાસે કૅન્સર હૉસ્પિટલ બની રહી છે એનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે એની ચર્ચા સાથે પ્રોગ્રેસ-રિપોર્ટ અને અપડેટ લેવાઈ હતી. આગામી સમયમાં ત્રણ પ્રકલ્પો કરવાના છે જેમાં અમદાવાદ અને સુરતમાં ખોડલધામ મંદિર બનાવાશે. એ ઉપરાંત લંડનમાં પણ ખોડલધામ મંદિર બનશે. ઘણા સમયથી લંડનમાં વસતા સમાજના પરિવારો દ્વારા માગણી હતી કે અહીં પણ સ્થાનક બને અને મંદિરના માધ્યમથી લંડનમાં વસતા સમાજના લોકો એકત્ર થાય, સંગઠિત થાય. આ ઉપરાંત સ્ટૅચ્યુ ઑફ યુનિટી ખાતે ખોડલધામ સંકુલ બનાવવાના છીએ જ્યાં નાના મંદિર સહિત ખોડલધામ બનશે અને એજ્યુકેશન રિલેટેડ કામ થશે. સ્ટૅચ્યુ ઑફ યુનિટી એક ડેસ્ટિનેશન સેન્ટર બન્યું છે ત્યારે ત્યાં ઇન્ટરનૅશનલ લેવલનું ભવન બને, સમાજને લગતી પ્રવૃતિ થાય, આધ્યાત્મિક પ્રવૃત્તિ થાય એવું બિલ્ડિંગ બનાવવામાં આવશે. આ બધા પ્રોજેક્ટ અંદાજે ત્રણ વર્ષમાં પૂરા થાય એવું આયોજન છે.’
લંડનમાં રહેતા ખોડલધામના સ્વયંસેવકોએ ખોડલધામની મુલાકાત લીધી હતી અને ખોડલધામ ટ્રસ્ટના ચૅરમૅન નરેશ પટેલ સહિતના ટ્રસ્ટીઓને મળીને લંડનમાં મંદિર બનાવવાની ચર્ચા કરી હતી.


