સંપત્તિના મામલે દિગ્ગજ ગણવામાં આવતા સત્યા નડેલા અને સુંદર પિચાઈને પાછળ છોડી દીધા, તેમની સંપત્તિ વચ્ચેનો ફરક સિલિકૉન વૅલીમાં ચર્ચાનો વિષય
જયશ્રી ઉલ્લાલ
વૈશ્વિક ટેક ઉદ્યોગમાં સૌથી અમીર ભારતીય મૂળના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસરો (CEO)ની ચર્ચા થાય ત્યારે માઇક્રોસૉફ્ટના સત્ય નડેલા અને ગૂગલના સુંદર પિચાઈનાં નામ ટોચ પર રહેતાં હતાં, પણ ૨૦૨૫માં આ પરિસ્થિતિ બદલાઈ છે અને હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ ૨૦૨૫માં એક નવું અને ઐતિહાસિક નામ ઍરિસ્ટા નેટવર્ક્સનાં પ્રમુખ અને CEO જયશ્રી ઉલ્લાલનું જોડાઈ ગયું છે.
તાજેતરના અહેવાલ મુજબ જયશ્રી ઉલ્લાલની કુલ સંપત્તિ ૫૦,૧૭૦ કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. આ આંકડો તેમને સત્ય નડેલા અને સુંદર પિચાઈથી ક્યાંય આગળ રાખે છે એટલું જ નહીં, પરંતુ તેમને વિશ્વના સૌથી ધનિક ભારતીય મૂળના પ્રોફેશનલ CEO પણ બનાવે છે. સત્ય નડેલાની સંપત્તિ આશરે ૯૭૭૦ કરોડ રૂપિયા, જ્યારે સુંદર પિચાઈની સંપત્તિ આશરે ૫૮૧૦ કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. આ તફાવત સિલિકૉન વૅલીમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે.
નેતૃત્વ ભૂમિકા
ADVERTISEMENT
જયશ્રી ઉલ્લાલ ૨૦૦૮થી ઍરિસ્ટા નેટવર્ક્સનું નેતૃત્વ કરી રહ્યાં છે. આ કંપની હવે ક્લાઉડ નેટવર્કિંગ અને હાઈ પર્ફોર્મન્સ ડેટા સેન્ટર્સમાં વૈશ્વિક અગ્રણી માનવામાં આવે છે. ફૉર્બ્સ અનુસાર ૨૦૨૪માં ઍરિસ્ટા નેટવર્ક્સની વાર્ષિક આવક આશરે ૭ અબજ ડૉલર હતી જે ૨૦૨૩ની તુલનામાં આશરે ૨૦ ટકાનો મજબૂત વધારો છે. જયશ્રી ઉલ્લાલની વ્યૂહાત્મક વિચારસરણી અને ટેક્નિકલ સમજને કંપનીની સફળતામાં મુખ્ય ભૂમિકા ભજવવાનું શ્રેય આપવામાં આવે છે. તેઓ ઍરિસ્ટા નેટવર્ક્સના લગભગ ૩ ટકા શૅર ધરાવે છે, એનો એક ભાગ તેમણે પોતાના પરિવારના ભવિષ્ય માટે અનામત રાખ્યો છે. કંપનીના શૅરમાં થયેલા ઉછાળાએ તેમની નેટવર્થને નવી ઊંચાઈએ પહોંચાડી છે.
લંડનમાં જન્મ, દિલ્હીમાં શિક્ષણ
જયશ્રી ઉલ્લાલનો જન્મ ૧૯૬૧ની ૨૭ માર્ચે લંડનમાં એક ભારતીય મૂળના પરિવારમાં થયો હતો. તેઓ નાની ઉંમરે ભારત આવ્યાં હતાં અને પ્રારંભિક શિક્ષણ નવી દિલ્હીમાં મેળવ્યું હતું. તેમના પિતા એક પ્રખ્યાત ભૌતિકશાસ્ત્રી હતા અને ભારત સરકારના શિક્ષણ મંત્રાલયમાં કામ કરતા હતા. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી (IIT)ની સ્થાપના સાથે સંકળાયેલા શૈક્ષણિક માળખામાં તેમના યોગદાનની અસર જયશ્રીના જીવનમાં સ્પષ્ટપણે દેખાઈ આવી. જયશ્રીએ દિલ્હીની કૉન્વેન્ટ સ્કૂલ ઑફ જીઝસ ઍન્ડ મૅરીમાં અભ્યાસ કર્યો, ત્યાર બાદ પરિવાર અમેરિકા ગયો હતો.
અમેરિકામાં અભ્યાસ
જયશ્રી ઉલ્લાલે અમેરિકામાં ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રૉનિક્સ એન્જિનિયરિંગમાં ગ્રૅજ્યુએશન કર્યું અને બાદમાં એન્જિનિયરિંગ મૅનેજમેન્ટમાં માસ્ટર્સની ડિગ્રી મેળવી હતી. અભ્યાસ પૂર્ણ કર્યા પછી તેમણે સેમીકન્ડક્ટર અને નેટવર્કિંગ ક્ષેત્રમાં કામ કરવાનું શરૂ કર્યું જ્યાં તેમણે પોતાને એક તીક્ષ્ણ નિર્ણય લેનાર અને સ્વપ્નદ્રષ્ટા નેતા તરીકે સ્થાપિત કર્યાં.
સિસ્કોથી ઍરિસ્ટા સુધી
કારકિર્દીનાં શરૂઆતનાં વર્ષોમાં જયશ્રી ઉલ્લાલે એએમડી અને ફેરચાઇલ્ડ સેમીકન્ડક્ટર જેવી અગ્રણી કંપનીઓમાં કામ કર્યું. સિસ્કોમાં તેમના જોડાણે તેમની કારકિર્દીમાં વળાંક લાવી દીધો. સિસ્કોમાં તેમણે સ્વિચિંગ વિભાગને કંપનીના સૌથી મજબૂત વ્યવસાયિક ક્ષેત્રમાં પરિવર્તિત કર્યો હતો. ૨૦૦૮માં સિસ્કો છોડીને ઍરિસ્ટા નેટવર્ક્સનો હવાલો સંભાળ્યો હતો. એ સમયે આ કંપની ખૂબ નાની હતી અને મર્યાદિત સંસાધનો સાથે કાર્યરત હતી, પરંતુ તેમના નેતૃત્વ હેઠળ ઍરિસ્ટાએ વૈશ્વિક ટેક-માર્કેટમાં એની અનોખી ઓળખ સ્થાપિત કરી હતી.


