હિંમતનગરથી ઇડર તરફ જતા માર્ગ પર બેથી અઢી કિલોમીટરના રસ્તા પર બેફામ કાર ચલાવીને ડ્રાઇવરે સર્જ્યો ભયનો માહોલ, ૧૨ પદયાત્રીઓને ટક્કર મારી
સળગતી કાર, ઘાયલ પદયાત્રીઓ અને પોલીસ પકડેલો ડ્રાઇવર.
ઉત્તર ગુજરાતમાં આવેલા યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજીમાં ચાલી રહેલા ભાદરવી પૂનમના મહામેળામાં પદયાત્રા કરીને જઈ રહેલા પદયાત્રીઓને ગઈ કાલે અકસ્માત નડ્યો હતો.
સાબરકાંઠાના હિંમતનગરથી ઇડર તરફ જતા માર્ગ પર દોલગઢ પાટિયા પાસે એક કારચાલકે પદયાત્રીઓને ટક્કર મારતાં ૧૨ જેટલા પદયાત્રીઓ ઘાયલ થયા હતા. સ્કૉર્પિયો કારચાલકે બેથી અઢી કિલોમીટરના રસ્તા પર બેફામ કાર ચલાવીને ૧૨ જેટલા પદયાત્રીઓને ટક્કર મારીને પાડી દીધા હતા જેના કારણે ચાલતાં-ચાલતાં અંબાજી જઈ રહેલા પદયાત્રીઓમાં હોબાળો મચી જવા સાથે નાસભાગ થઈ હતી. કારચાલકને ટોળાએ પકડી લઈને મેથીપાક આપ્યો હતો. જોકે ઘટનાસ્થળે પોલીસ પહોંચી ગઈ હતી અને કારચાલકની અટકાયત કરી હતી. રોષે ભરાયેલા ટોળાએ અકસ્માત સર્જનાર કારને સળગાવી દીધી હતી. બીજી તરફ ઈજાગ્રસ્તોને હિંમતનગર સિવિલ હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. એક પછી એક અૅમ્બ્યુલન્સ ઘાયલોને લઈને જતાં હિંમતનગરના માર્ગ અૅમ્બ્યુલન્સોની સાયરનથી ગુંજી ઊઠ્યો હતો જેના કારણે ભારે માહોલ સર્જોયો હતો. આ અકસ્માતમાં એકનું મોત થયું હોવાનું ચર્ચાઈ રહ્યું છે, પરંતુ એની સત્તાવાર પુષ્ટિ થઈ નહોતી.
