એક સમયે વાઘનું જ્યાં રહેઠાણ હતું એ ગુજરાતના રતનમહાલના જંગલમાં વન વિભાગના કૅમેરામાં ટ્રૅપ થયો ટાઇગર : ગુજરાતમાં હવે સિંહ અને દીપડા બાદ વાઘ એમ થ્રી બિગ કૅટની જોવા મળી કુદરતી હાજરી : ફેબ્રુઆરીથી દેખાઈ રહેલો વાઘ સ્થિર થયો રતનમહાલના જંગલમાં
રતનમહાલના જંગલમાં પાણીના કુંડ પાસે વાઘની કૅપ્ચર થયેલી તસવીર.
મધ્ય ગુજરાતના ઘનઘોર રતનમહાલના જંગલમાં એક સમયે વાઘ વસવાટ કરતા હતા. ત્યાં ફરી એક વાર વાઘ પોતાનું મુકામ બનાવી રહ્યો હોવાની હિલચાલ ગુજરાતના વન વિભાગને જોવા મળી છે અને સાવજની ધરતી ગુજરાતમાં હવે ફરી વાર વાઘનું આગમન થયું છે. રતનમહાલના જંગલમાં વન વિભાગના કૅમેરામાં વાઘ ટ્રૅપ થયો છે. ફેબ્રુઆરીથી અહીં વાઘની અવરજવર જોવા મળી રહી છે અને એની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે. વાઘના આગમનના પગરવથી વન વિભાગ સહિત ગુજરાતમાં આશ્ચર્ય સાથે ખુશી ફેલાઈ છે.
ગુજરાતના વન અને પર્યાવરણપ્રધાન અર્જુન મોઢવાડિયાએ કહ્યું હતું કે ‘દાહોદ જિલ્લાના રતનમહાલ વિભાગમાં ફેબ્રુઆરી ૨૦૨૫માં સૌપ્રથમ વાર વન વિભાગે ગોઠવેલા કૅમેરામાં વાઘની એક તસવીર જોવા મળી હતી. એ પછી વન વિભાગ દ્વારા સતત વાઘ પર નજર રાખવામાં આવી હતી અને વારંવાર આ વાઘ CCTV કૅમેરામાં ટ્રૅપ થયો હતો. આ વાઘ તંદુરસ્ત છે અને હવે વન વિભાગને ખાતરી થઈ ગઈ છે કે આ વાઘ ત્યાં સ્થિર થયો છે. ગુજરાતમાં કુદરતી રીતે થ્રી બિગ કૅટ સિંહ, દીપડા અને હવે વાઘની હાજરી જોવા મળી છે. વાઘની પુષ્ટિ થવાથી વન વિભાગ આનંદ અનુભવે છે. આગળની કાર્યવાહી કરવા માટે નૅશનલ ટાઇગર કન્ઝર્વેશન ઑથોરિટીને રિપોર્ટ આપ્યા છે.’
ADVERTISEMENT
રતનમહાલના જંગલમાં પહેલાં વાઘના પગનાં નિશાન જોવા મળ્યાં હતાં. એથી વન વિભાગ સતર્ક બન્યો હતો અને કૅમેરામાં વાઘ કૅપ્ચર થયો હતો. આ વાઘ અનેક વખત કૅમેરામાં કેદ થતાં ગુજરાતના જંગલમાં એની અવરજવર વધતાં વન વિભાગ દ્વારા એનું મૉનિટરિંગ કરવામાં આવી રહ્યું હતું. રતનમહાલના જંગલમાં પાણીના કુંડ પાસે વન વિભાગે કૅમેરા લગાડ્યા હતા જેમાં વાઘની મૂવમેન્ટ કૅપ્ચર થઈ છે. વાઘ પાણીના કુંડ પાસે આવે છે, પાણી પીએ છે તેમ જ પાણીના કુંડમાં બેસી જાય છે એ સહિતની મૂવમેન્ટ કૅપ્ચર થઈ છે. કહેવાય છે કે આ નર વાઘ છે અને એ મધ્ય પ્રદેશના જંગલમાંથી રતનમહાલના જંગલમાં આવ્યો હશે. ગુજરાતને અડીને મધ્ય પ્રદેશ આવેલું છે અને ગુજરાત તેમ જ મધ્ય પ્રદેશનાં જંગલો અડીને આવેલાં છે. આ વાઘ કુદરતી રીતે જ ત્યાંથી ગુજરાતના જંગલમાં આવી ચડ્યો હશે અને ફેબ્રુઆરીથી એની હાજરી જોવા મળી રહી છે. આ વાઘ લાંબા સમયથી અહીં જોવા મળતાં એ કુદરતી રીતે જ અહીં વસવાટ કરે એ માટે એને અનુકૂળ પરિસ્થિતિ ઊભી કરીને ખોરાક-પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે.
એક સમયે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં હતા વાઘ
ગુજરાતના ગીરનાં જંગલો એ સિંહોનું રહેઠાણ છે અને સિંહોએ તેમનો વિસ્તાર વધાર્યો છે એમ એક જમાનામાં મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતનાં જંગલોમાં વાઘ રહેતા હતા. મધ્ય ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાતમાં એમનો વિસ્તાર બનાવ્યો હતો જેમાં રતનમહાલનાં જંગલો એક સમયે વાઘનો વિસ્તાર હતો. એ પછી ડાંગમાં પણ વાઘની વધુ હાજરી જોવા મળતી હતી. કાળક્રમે આ વાઘ ધીરે-ધીરે ડાંગમાંથી વિલુપ્ત થયા હતા. એ પછી ગુજરાતમાં વાઘની હાજરી જોવા મળી નથી. જોકે હવે વાઘ એના મૂળ રહેઠાણસમા રતનમહાલના જંગલમાં જોવા મળ્યા છે. વાઘને રતનમહાલનુ જંગલ અનુકૂળ આવી ગયું હશે અને એટલે જ એ અહીં આંટાફેરા મારીને કાયમી નિવાસ કરવા તરફ આગળ વધી રહ્યો છે. રતનમહાલનું ગીચ જંગલ, પહાડો સહિતની ઇકોસિસ્ટમ વાઘને અનુકૂળ થઈ પડી હશે. ગુજરાત માટે આ સારા સંકેત છે.


