સરહદપારના આતંકવાદના મુદ્દે PoKના ભૂતપૂર્વ વડા પ્રધાનની કબૂલાતનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ
ચૌધરી અનવરુલ હક
સરહદપારથી થતા આતંકવાદી હુમલાઓ માટે ભારત લાંબા સમયથી પાકિસ્તાનને જવાબદાર ઠરાવે છે, પણ પાકિસ્તાનના નેતાઓ આ બાબતે ઇનકાર કરે છે. જોકે એક આશ્ચર્યકારક કબૂલાતમાં પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (PoK)ના ભૂતપૂર્વ વડા પ્રધાન ચૌધરી અનવરુલ હકે PoKની વિધાનસભામાં ખુલ્લેઆમ સ્વીકાર્યું હતું કે પાકિસ્તાનસ્થિત આતંકવાદી સંગઠનોએ જ ભારતમાં લાલ કિલ્લાથી કાશ્મીરનાં જંગલો સુધીના હુમલા કરાવ્યા છે. તેમના આ વિવાદાસ્પદ નિવેદનનો વિડિયો હવે સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે.
અનવરુલ હકે ભારતમાં આતંકવાદી હુમલાઓમાં પાકિસ્તાનની ભૂમિકાનો ખુલ્લેઆમ સ્વીકાર કર્યો છે. હક એવો દાવો કરી રહ્યા છે કે પાકિસ્તાનનું આ વલણ ચાલુ રહેશે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે દિલ્હીમાં ૧૦ નવેમ્બરે લાલ કિલ્લા પાસે વિસ્ફોટ થયો હતો જેમાં ૧૫ લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ વિસ્ફોટની તપાસ ચાલી રહી છે અને એમાં પાકિસ્તાની આતંકવાદી સંગઠનો સાથેના સંબંધો બહાર આવી રહ્યા છે.
ADVERTISEMENT
અનવરુલ હકનું મોટું નિવેદન
સોમવારે PoK વિધાનસભામાં અનવરુલ હક તેમના વિરોધમાં લાવવામાં આવેલો અવિશ્વાસ પ્રસ્તાવ હારી ગયા હતા. ત્યાર બાદ અનવરુલ હકે કહ્યું હતું કે ‘જો ભારત બલૂચિસ્તાનમાં લોહી વહેવડાવતું રહેશે તો અમે લાલ કિલ્લાથી કાશ્મીરનાં જંગલો સુધી ભારત પર હુમલા કરીશું. અમારા શાહીનોએ આ પહેલાં પણ આવું કર્યું છે. તેઓ મૃતદેહો પણ ગણી શક્યા નથી. આવા હુમલા ચાલુ રહેશે.’ હકનું આ નિવેદન આતંકવાદને પ્રોત્સાહન આપવાની પાકિસ્તાનની નીતિને ઉજાગર કરે છે. પાકિસ્તાની નેતૃત્વ તરફથી આ કબૂલાત ભાગ્યે જ જોવા મળે છે, કારણ કે પાકિસ્તાન સામાન્ય રીતે આવા આરોપોને નકારી કાઢે છે. તપાસ-એજન્સીઓ માને છે કે આ નિવેદન દિલ્હી વિસ્ફોટોના આરોપી ઉમર ઉન નબી જેવી વ્યક્તિઓ સાથે જોડાયેલાં મૉડ્યુલોને મજબૂત બનાવી શકે છે.


