જય જય ઉમિયાના નાદ સાથે ઊંઝામાં હર્ષોલ્લાસ સાથે યોજાઈ ઉમિયા માતાજીની નગરયાત્રા : શ્રદ્ધાળુઓએ માતાજીનાં દર્શન કરીને અનુભવી ધન્યતા : ગજરાજ, બગી, ૧૬૫ ટૅબ્લોએ જમાવ્યું આકર્ષણ
ઉમિયા માતાજીની નગરયાત્રામાં ગજરાજ, અશ્વસવારો અને શણગારેલી બગીઓની સાથે સામાજિક સંદેશો આપતા ૧૬૫ ટૅબ્લો જોડાયા હતા
ઉત્તર ગુજરાતમાં આવેલા યાત્રાધામ અને કડવા પાટીદાર સમાજનાં કુળદેવી ઉમિયા માતાજીના પ્રાગટ્યસ્થાન ઊંઝામાં ગઈ કાલે વૈશાખી પૂનમે ઉમિયા માતાજીની પરંપરાગત અને આધ્યાત્મિકતાની અલખ જગાવતી નગરયાત્રા ભક્તિભાવપૂર્ણ વાતાવરણમાં અને હર્ષોલ્લાસ સાથે યોજાઈ હતી. નગરયાત્રા દરમ્યાન ભક્તજનોના જય જય ઉમિયાના નાદ સાથે ઊંઝા નગર માતાજીના જયઘોષથી ગુંજી ઊઠ્યું હતું. વૈશાખી પૂનમે મંદિરમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે માતાજીની વિશેષ પૂજા-આરતી કરવામાં આવી હતી. ત્યાર બાદ ઉમિયા માતાજીની મૂર્તિને રથમાં બિરાજમાન કરવામાં આવી હતી. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ રમેશ મેરજા સહિત સંસ્થાના પ્રમુખ બાબુ પટેલ, માનદ મંત્રી જયંતી પટેલ, પાટીદાર સમાજના આગેવાનો તેમ જ ટ્રસ્ટીઓએ નગરયાત્રાને ફ્લૅગ ઑફ આપીને પ્રસ્થાન કરાવી હતી. શહેરના ૮ કિલોમીટર રૂટ પર વાજતેગાજતે નીકળેલી આ યાત્રામાં ઠેર-ઠેર પાટીદાર સહિતના સમાજના હજારો લોકોએ યાત્રામાં જોડાઈને ઉમિયા માતાજીનાં દર્શન કર્યાં હતાં. રૂટ પર શ્રદ્ધાળુઓએ દ્વારા સાડીઓ બિછાવીને તેમ જ સુશોભિત કમાનો અને તોરણો બાંધીને ઉમિયા માતાજીને હેતથી આવકાર્યાં હતાં અને અક્ષત કુમકમ તેમ જ ફૂલોથી વધાવ્યાં હતાં. ઉમિયા માતાજીની નગરયાત્રામાં ગજરાજ, અશ્વસવારો અને શણગારેલી બગીઓની સાથે સામાજિક સંદેશો આપતા ૧૬૫ ટૅબ્લો જોડાયા હતા. બૅન્ડવાજાંના તાલે ભક્તિગીતોની રમઝટ જામી હતી. માતાજીની નગરયાત્રા નીકળી ત્યારે તેમનાં દર્શન માટે શહેરના વેપારીઓએ તેમ જ ઍગ્રિકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટીએ સ્વયંભૂ વેપારધંધા બંધ રાખીને માતાજીનાં વધામણાં કર્યાં હતાં. ૫૦૦થી વધુ ઉમા સેવિકા બહેનો અને ઉમા સેવક ભાઈઓએ ખડેપગે રહીને યાત્રાને સફળ બનાવી હતી.
