ચીન, સાઉથ કોરિયા, થાઇલૅન્ડ અને ઇન્ડોનેશિયા જેવા એશિયન દેશો પર પણ લાગુ થશે ૨૦૨૬થી : નિષ્ણાતોનું માનવું છે કે ટ્રમ્પને ખુશ કરવાનું આ પગલું
પ્રતીકાત્મક તસવીર
દુનિયામાં ફરી એક વાર ટૅરિફ-વૉર શરૂ થવા જઈ રહી છે. અમેરિકાએ વિશ્વભરના દેશો પર ટૅરિફ લગાવીને ઝટકો આપ્યો હતો એવું જ કંઈક હવે મેક્સિકોમાં થવા જઈ રહ્યું છે. મેક્સિકોએ ભારત અને ચીન સહિત ઘણા એશિયન દેશોમાંથી આવતા સામાન પર હાઈ ટૅરિફ લગાવવાનો નિર્ણય કર્યો છે. અમેરિકાની જેમ આ ટૅરિફ ૫૦ ટકા સુધીની હશે. મેક્સિકોની સંસદે ભારત સહિત ચીન, સાઉથ કોરિયા, થાઇલૅન્ડ અને ઇન્ડોનેશિયા પર ૫૦ ટકા સુધીની ભારે ટૅરિફ લગાવવાનું જાહેર કરી દીધું છે. મેક્સિકોનો જે દેશો સાથે કોઈ ફ્રી ટ્રેડ કરાર નથી થયો એ દેશો પર આ ટૅરિફ લગાવવામાં આવશે.
મેક્સિકો આ પાંચેય એશિયન દેશો પાસેથી બહુ મોટી માત્રામાં સામાન ખરીદે છે. ૨૦૨૪માં આ પાંચ દેશોમાંથી મેક્સિકોમાં ૨૫૩ અબજ ડૉલરનો સામાન ગયો છે. નવા ટૅરિફ કાનૂન મુજબ કાર, ઑટોના પાર્ટ્સ, કપડાં, પ્લાસ્ટિકનાં ઉત્પાદનો, સ્ટીલ, જૂતાં-ચંપલ જેવી લગભગ ૧૪૦૦ પ્રકારની ચીજો પર ટૅરિફ લાગશે. આ ચીજો પર ૩૫ ટકાથી ૫૦ ટકા સુધીની ટૅરિફ લાગશે.
ADVERTISEMENT
એક્સપર્ટ્સનું કહેવું છે કે ૨૦૨૬માં યુનાઇટેડ સ્ટેટ્સ-મેક્સિકો-કૅનેડા ઍગ્રીમેન્ટ (USMCA)ની સમીક્ષા થવાની છે એટલે એ પહેલાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પને ખુશ કરવાની કોશિશમાં આ પગલું લેવાઈ રહ્યું છે. ડોનલ્ડ ટ્રમ્પ ઘણા સમયથી મેક્સિકોના રસ્તેથી ચીનની ચીજો અમેરિકામાં આવી રહી હોવાની ચિંતા જતાવી ચૂક્યા છે.


