લો બોલો, આવું પણ થાય છે અમદાવાદમાં! કૉર્પોરેશનના ધ્યાનમાં આવતાં તાત્કાલિક દૂર કરવામાં આવ્યું બાંધકામ : લાઇટનો થાંભલો ખુલ્લો કરવા હાથ ધરી કવાયત
પછી : ગેરકાયદે બાંધકામ હટાવીને સ્ટ્રીટલાઇટના પોલને ખુલ્લો કરવાની કાર્યવાહી કરતા મજૂરો.
અમદાવાદના સરદારનગર વિસ્તારમાં દુકાનોના ગેરકાયદે બાંધકામમાં જાહેર સ્ટ્રીટલાઇટના થાંભલાને પણ ચણી લેવામાં આવતાં વિવાદ સર્જાયો હતો. મ્યુનિસિપલ કૉર્પોરેશનના ધ્યાન પર આ વાત આવતાં ગઈ કાલે ગેરકાયદે બાંધકામને હટાવીને તાત્કાલિક વીજ-પોલને ખુલ્લો કરવા માટે કવાયત હાથ ધરવામાં આવી હતી.
ગેરકાયદે બાંધકામ કરનાર સામે કૉર્પોરેશને નોટિસ ફટકારીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
ADVERTISEMENT
સરદારનગર ટાઉનશિપમાં આવેલા કુબેરનગર વૉર્ડમાં કેટલીક દુકાનોમાં જર્જરિત બાંધકામને તોડીને ઊંચાઈ વધારીને દુકાનદારો નવું બાંધકામ કરી રહ્યા હતા. આ બાંધકામમાં આશ્ચર્યજનક બાબત એ હતી કે ગેરકાયદે બાંધકામ કરનારાઓએ સ્ટ્રીટલાઇટના થાંભલાને આ ગેરકાયદે બાંધકામમાં કવર કરી લીધો હતો. તેઓ વીજળીના થાંભલાની આસપાસ ચણતર કરી દઈને જાહેર માર્ગ પર ખુલ્લેઆમ ગેરકાયદે બાંધકામ કરી રહ્યા હતા. કૉર્પોરેશનના એસ્ટેટ વિભાગને આની જાણ થતાં એક દુકાનમાલિક ઢાલુમલ કલ્યાણી તેમ જ અન્યોએ મ્યુનિસિપલ કૉર્પોરેશનની પૂર્વમંજૂરી મેળવ્યા વગર અને પરવાનગી વગર બાંધકામ શરૂ કર્યું હોવાથી નોટિસ ફટકારીને ગેરકાયદે બાંધકામ હટાવી લેવા તાકીદ કરી હતી. એને પગલે ગેરકાયદે બાંધકામને તોડવાનું શરૂ કરીને વીજ-પોલને ખુલ્લો કરવામાં આવ્યો હતો.
