પોલીસના જણાવ્યા અનુસાર, સોમવારે સવારે ૭:૧૦ વાગ્યે મોહમ્મદપુર વિસ્તારમાં બે બાઇક સવારોએ એક ઇમારતની સામે ક્રૂડ બૉમ્બ ફેંક્યા હતા અને એક મોટો વિસ્ફોટ કર્યો હતો. ઉપરાંત, શહેરના ધાનમોન્ડી વિસ્તારમાં બે જગ્યાએ અજાણ્યા હુમલાખોરોએ બૉમ્બ વિસ્ફોટ કર્યા હતા.
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
બાંગ્લાદેશમાં ફરી એકવાર હિંસા ભડકી હોવાના અહેવાલ છે. બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા મુહમ્મદ યુનુસના ગ્રામીણ બૅન્કના મુખ્યાલયની બહાર બૉમ્બ હુમલો થયો છે. અહીં એક મોટો વિસ્ફોટ થયો હોવાની માહિતી છે, જેને લીધે રાજધાની ઢાકામાં તણાવ વધ્યો છે. આ મોટો હુમલો ત્યારે થયો છે જ્યારે અલગ અલગ સ્થળોએ હિંસાની ઘટનાઓ બની રહી છે. તેથી, હવે દેશમાં ફરીથી હિંસક વિરોધ પ્રદર્શન શરૂ થવાની સંભાવના છે. ચાલો આ વિશે વિગતવાર માહિતી જાણીએ.
બૅન્ક પર હુમલો, બસોમાં આગ લગાવી
ADVERTISEMENT
એવું પણ સામે આવ્યું છે કે હુમલાખોરોએ મુહમ્મદ યુનુસના એક સલાહકારની દુકાનની સામે બૉમ્બ હુમલો કર્યો છે. ઢાકામાં 2 બસોમાં આગ લગાવી દેવામાં આવી હોવાની પણ ઘટનાઓ બની છે. આ હુમલાઓમાં કોઈને ઈજા થઈ હોવાના કોઈ અહેવાલ નથી. મીરપુર પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે, `ગ્રામીણ બૅન્કની સામે સવારે 3:45 વાગ્યે બૉમ્બ વિસ્ફોટ થયો હતો. આ પાછળ કોણ છે તે હજી સુધી સ્પષ્ટ નથી. પરંતુ અમે આરોપીઓને શોધી રહ્યા છીએ. મુહમ્મદ યુનુસે ૧૯૮૩માં આ ગ્રામીણ બૅન્કની સ્થાપના કરી હતી, જેના માટે આ બૅન્કે ગરીબી દૂર કરવા અને મહિલા સશક્તિકરણમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું, જેના માટે યુનુસને ૨૦૦૬માં નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. હવે તે જ બૅન્ક પર તેને ઉડાવી દેવાના ઉદ્દેશ્યથી હુમલો કરવામાં આવ્યો છે.
અન્ય સ્થળોએ બૉમ્બ વિસ્ફોટ
પોલીસના જણાવ્યા અનુસાર, સોમવારે સવારે ૭:૧૦ વાગ્યે મોહમ્મદપુર વિસ્તારમાં બે બાઇક સવારોએ એક ઇમારતની સામે ક્રૂડ બૉમ્બ ફેંક્યા હતા અને એક મોટો વિસ્ફોટ કર્યો હતો. ઉપરાંત, શહેરના ધાનમોન્ડી વિસ્તારમાં બે જગ્યાએ અજાણ્યા હુમલાખોરોએ બૉમ્બ વિસ્ફોટ કર્યા હતા. ઇબ્ન સિના હૉસ્પિટલ નજીક પણ બૉમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યો છે. આ કારણે દેશમાં ફરી એકવાર અશાંતિ ફેલાઈ છે.
જૂના ઢાકામાં ગુનેગારની હત્યા
જૂના ઢાકા વિસ્તારમાં એક હૉસ્પિટલની સામે ૫૦ વર્ષીય લિસ્ટેડ ગુનેગારની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ હુમલાખોર ૨૦૨૩માં હુમલામાંથી માંડ માંડ બચી ગયો હતો. તે પહેલા ઘણા વર્ષોથી જેલમાં હતો. તેને જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો, હવે તેની હત્યા કરવામાં આવી છે.
બાંગલાદેશમાં કટ્ટરપંથીઓનો ઉપદ્રવ
બંગલાદેશમાં ઇન્ટરનૅશનલ સોસાયટી ફૉર ક્રિષ્ના કૉન્શ્યસનેસ (ISKCON) સંગઠન ધાર્મિક કટ્ટરતા ફેલાવે છે એવો દાવો કરીને એના પર પ્રતિબંધ મૂકવામાં આવે એવી માગણી ઊઠી છે. જુમ્માની નમાજ પઢ્યા પછી ઢાકા અને ચટગાંવ જેવાં શહેરોમાં હિફાઝન-એ-ઇસ્લામ અને ઇંતિફાદા બંગલાદેશ જેવાં કટ્ટરપંથી સંગઠનોએ ISKCONને ચરમપંથી હિન્દુત્વવાદી સંગઠન બતાવીને એના પર પ્રતિબંધ મૂકવાની માગણી કરી હતી. બંગલાદેશમાં અવારનવાર હિન્દુ મંદિરો પર હુમલા થતા આવ્યા છે, જ્યારે ISKCON સંગઠન પૂર જેવી પરિસ્થિતિ કે કટોકટીમાં લોકોને ભોજન કરાવવાનાં કામો કરતું આવ્યું છે. મોહમ્મદ યુનુસની વચગાળાની સરકારે તાજેતરમાં જ છોડેલા અલ-કાયદા સાથે સંકળાયેલા આતંકવાદી જસીમુદ્દીન રહમાનીએ ISKCON પર પ્રતિબંધ લગાવવાને આજના સમયની જરૂરિયાત ગણાવી હતી. ૨૦૨૪ના ઑગસ્ટ મહિનામાં શેખ હસીનાની સરકાર પડી ભાંગી એ પછી ISKCON અને હિન્દુ સમુદાયવિરોધી હુમલાઓ બંગલાદેશમાં વધી ગયા છે.


