૨૦૨૩ના ૪,૩૬,૦૦૦ની સામે ૨,૩૧,૦૦૦ સ્ટુડન્ટ્સને એન્ટ્રી આપશે
પ્રતીકાત્મક તસવીર
કૅનેડામાં અભ્યાસ કરવા ઇચ્છતા ભારતીય સ્ટુડન્ટ્સને આ વર્ષે મોટો ફટકો પડવાની ધારણા છે, કારણ કે કૅનેડા સરકાર આ વર્ષે સ્ટડી વીઝા આપવાના ક્વોટામાં આશરે ૫૦ ટકાનો કાપ મૂકશે. ૨૦૨૪માં કૅનેડા આશરે ૨,૩૧,૦૦૦ સ્ટુડન્ટ્સને સ્ટડી વીઝા આપશે. ૨૦૨૩માં આ આંકડો ૪,૩૬,૦૦૦ હતો. જાન્યુઆરીથી જૂન સુધીના સમયગાળામાં માત્ર ૧,૧૪,૦૦૦ સ્ટડી પરમિટ આપવામાં આવી હતી જે ૨૦૨૩ના આ સમયગાળા દરમ્યાનના આંકડામાં ૪૮ ટકાનો ઘટાડો સૂચવે છે. કૅનેડા વધારે સ્ટુડન્ટ્સને વીઝા નહીં આપે તો તેઓ અમેરિકા, જર્મની અને ફ્રાન્સ ભણવા જશે એમ મનાય છે.
કૅનેડા સરકારે ઇમિગ્રેશન પૉલિસીમાં ફેરફાર કર્યા છે અને સ્ટુડન્ટ્સ અહીં ભણવા આવે તો તેમને હવે ૧૦,૦૦૦ કૅનેડિયન ડૉલર (૬.૧૮ લાખ રૂપિયા)ના બદલે ૨૦,૬૩૫ કૅનેડિયન ડૉલર (આશરે ૧૨.૭૫ લાખ રૂપિયા)નું ભંડોળ હોવાનું જણાવવાનું ફરજિયાત કરી દેવાયું છે. બે દાયકા સુધી ૧૦,૦૦૦ કૅનેડિયન ડૉલરની લિમિટ રાખવામાં આવી હતી જેને ૨૦૨૩માં બમણી કરી દેવાઈ હતી. કૅનેડામાં રોજિંદા જીવનનો ખર્ચ વધી રહ્યો હોવાથી આમ કરવામાં આવ્યું હોવાનું સરકારે જણાવ્યું હતું.
એવું માનવામાં આવી રહ્યું છે કે કૅનેડા સરકાર ૨૦૧૮ અને ૨૦૧૯ જેટલા સ્તર સુધી સ્ટુડન્ટ્સની સંખ્યા નીચી લાવવા માગે છે. ૨૦૨૨માં કૅનેડામાં ૫.૫ લાખ વિદેશી સ્ટુડન્ટ્સ ભણવા આવ્યા હતા જેમાંથી ૨.૨૬ લાખ ભારતીય હતા. એ વર્ષે કુલ ૩.૨૦ લાખ ભારતીય સ્ટુડન્ટ્સ કૅનેડાની વિવિધ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હતા. આ સ્ટુડન્ટ્સ ટેમ્પરરી વર્કર તરીકે ઓછા વેતનથી કામ કરતા હોવાથી તેઓ કૅનેડાની ઇકૉનૉમીને પણ આડકતરી રીતે મદદ કરતા હતા.