ટ્રેનો અને બસવ્યવહાર બંધ, ૧૯૪૧ બાદ આટલો વરસાદ પડતાં પાવર-સપ્લાય બંધ, આશરે ૧,૭૦,૦૦૦ ઘરોમાં થઈ વીજળી ગુલ
જળબંબાકાર
મંગળવારનો દિવસ કૅનેડાના સૌથી મોટા ટૉરોન્ટો શહેરના લોકો માટે અમંગળ નીવડ્યો હતો. સવારે ૮થી ૧૧ વાગ્યા સુધીમાં એક પછી એક એમ ત્રણ સ્ટૉર્મ ત્રાટકતાં આખા જુલાઈ મહિનામાં પડે એટલો વરસાદ ત્રણ કલાકમાં પડતાં શહેરમાં જળબંબાકારની સ્થિતિ ઉદ્ભવી હતી. કુલ ૧૦૦ મિલીમીટર એટલે કે આશરે ચાર ઇંચ વરસાદ પડ્યો હતો.
ફાયર-બ્રિગેડને બેઝમેન્ટમાં ફ્લડિંગના ૭૦૦ કૉલ આવ્યા હતા. પાણીમાં ફસાયેલા ૧૨ લોકોને બચાવી લેવાયા હતા. ટૉરોન્ટોના પિયર્સન ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર આશરે ચાર ઇંચ વરસાદથી ઍરપોર્ટ તરફ જતા રસ્તા જળબંબાકાર થયા હતા. જોકે ઍરપોર્ટનું કામકાજ રાબેતા મુજબ રહ્યું હતું. ઍરપોર્ટ વિસ્તારમાં આખા જુલાઈ મહિનામાં ૭૪ મિલીમીટર વરસાદ પડે છે, પણ મંગળવારે આખા મહિનાનો વરસાદ વરસ્યો હતો.