પાણીની તંગીના મુદ્દે શરૂ થયેલું પ્રદર્શન સત્તાપરિવર્તન સુધી દોરી ગયું: સેનાએ પ્રદર્શનકારીઓ પર ગોળી ચલાવવાની ના પાડતાં રાષ્ટ્રપતિ મિલિટરી પ્લેનથી ફ્રાન્સ ભાગી ગયા હોવાનો વિપક્ષે કર્યો દાવો
પાણી અને વીજળીની તંગીને કારણે ૨૫ સપ્ટેમ્બરથી મડાગાસ્કરમાં વિરોધ-પ્રદર્શન શરૂ થયું હતું
આફ્રિકન દેશ મડાગાસ્કરમાં પણ નેપાલની જ ફૉર્મ્યુલા વાપરીને જેન-ઝીના પ્રોટેસ્ટે સત્તાપરિવર્તન કરાવ્યું હતું. પાણી અને વીજળીની તંગીને કારણે ૨૫ સપ્ટેમ્બરથી મડાગાસ્કરમાં વિરોધ-પ્રદર્શન શરૂ થયું હતું. ઘણાં અઠવાડિયાંઓથી ચાલી રહેલા આ પ્રોટેસ્ટને બળ ત્યારે મળ્યું જ્યારે શનિવારે સેનાની એક ટુકડી પણ વિરોધ-પ્રદર્શનમાં સામેલ થઈ હતી. સેનાએ જેન-ઝી સામે ગોળી ચલાવવાની ના પાડી દીધી હતી. સંસદમાં વિપક્ષી નેતા સિનેટી રંદ્રિયાના સોલોનિકોએ જાહેર કર્યું હતું કે સેનાએ પ્રદર્શનકારીઓને સમર્થન આપતાં રાષ્ટ્રપતિ રવિવારે જ દેશ છોડીને ભાગી ગયા છે.
મડાગાસ્કરના રાષ્ટ્રપતિ ઍન્ડી રાજોઇલિનાએ સોમવારે મોડી રાતે અજ્ઞાત સ્થળેથી રાષ્ટ્રીય ટેલિવિઝન પર દેશવાસીઓને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું હતું સૈન્યના વિદ્રોહને કારણે તેમના જીવ પર જોખમ હોવાથી ખતરાને ધ્યાનમાં રાખીને તેમણે દેશ છોડ્યો છે. જોકે તેમણે રાષ્ટ્રપતિપદેથી રાજીનામું આપવાની કોઈ જાહેરાત કરી નહોતી. તેમણે આ પરિસ્થિતિમાંથી રસ્તો કાઢવા માટે વાતચીત કરવાનું આહવાન કરીને કહ્યું હતું કે સંવિધાનનું સન્માન કરવું જોઈએ.

