Mumbai Fire: દક્ષિણ મુંબઈ ખાતેના ક્રોફર્ડ માર્કેટમાં મોડી રાત્રે એક કમર્શિયલ બિલ્ડીંગમાં આગ લાગી હતી. મોડી રાત્રે ૨.૧૩ વાગ્યે આ ઘટના બની હતી.
પ્રતીકાત્મક તસવીર
મુંબઈમાંથી છેલ્લા થોડા દિવસથી એક પછી એક આગ લાગવાની ઘટનાઓ (Mumbai Fire) સામે આવી રહી છે. તાજેતરમાં જ દક્ષિણ મુંબઈ ખાતેના મહાત્મા જ્યોતિબા ફુલે માર્કેટ પાસે ક્રોફર્ડ માર્કેટમાં મોડી રાત્રે એક કમર્શિયલ બિલ્ડીંગમાં આગ લાગી હતી.
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)ના જણાવ્યા અનુસાર આ ઘટના (Mumbai Fire) લગભગ મોડી રાત્રે ૨.૧૩ વાગ્યે બની હતી. લેટેસ્ટ રિપોર્ટ અનુસાર આ ભયાનક આગ સૌ પહેલાં તો એક ફ્લોર ધરાવતા બિલ્ડીંગના ગ્રાઉન્ડ ફ્લોરમાં લાગી હતી. અહીંથી આગ ફેલાવાની શરુઆત થઇ. ધીમે ધીમે કરતાં આ આગ ઇલેક્ટ્રિક વાયરિંગ અને ઇન્સ્ટોલેશન, વિન્ડો એર-કન્ડીશનીંગ યુનિટ, એલઇડી ટેલિવિઝન, પંખો, સિલિંગ, સીસીટીવી કેમેરા, લાકડાનું ફર્નિચર, પેડીગ્રી પેટ ફૂડ, પ્લાસ્ટિકની શીટ્સ અને આઉટડોર એસી યુનિટ સુધી પ્રસરી ગઈ હતી.
ADVERTISEMENT
આ હાદસા વિષે વાત કરતાં મુંબઈ ફાયર બ્રિગેડ (એમએફબી)ના અધિકારીઓએ જણાવ્યું હતું કે આશરે 15 બાય 50 ફૂટ એરિયા આ આગ (Mumbai Fire)ની લપેટમાં આવી ગયો હતો. મુંબઈ ફાયર બ્રિગેડની ટીમે મોડી રાત્રે ૨.૨૮ વાગ્યે આગને લેવલ-૧ તરીકે વર્ગીકૃત કરી હતી અને ઘટનાસ્થળ પર ફાયર ટેન્ડર તેમ જ કર્મચારીઓને તૈનાત કરી દેવામાં આવ્યા હતા. લગભગ બે કલાકની જહેમત બાદ આ ભભૂકી ઊઠેલી આગ પર કાબૂ મેળવી શકાયો હતો. માહિતી અનુસાર છેક સવારે ચાર વાગ્યે આગને સંપૂર્ણપણે ઓલવી દેવામાં સફળતા મળી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થયાના અહેવાલ નથી. અધિકારીઓએ હજુ સુધી આગનું ચોક્કસ કારણ શું છે તે વિષે વાત કરી નથી. હાલ તપાસ ચાલી રહી છે તેવું જણાવ્યું છે.
અન્ય એક ઘટના વિષે વાત કરવામાં આવે તો થાણેમાં ઓટો કંપનીના પરિસરમાં ભીષણ આગ ભભૂકી (Mumbai Fire) હતી. જેમાં કોઈ જાનહાનિ થઇ હોવાના અહેવાલ નથી. થાણે શહેરમાં મંગળવારે રાત્રે એક ઓટોમોબાઇલ કંપનીના પરિસરમાં આગ લાગી હતી. જોકે કોઈ ઈજાના તાત્કાલિક અહેવાલ નથી, એમ સિવિક અધિકારીઓએ જણાવ્યું હતું. શિલફાટા વિસ્તારમાં સ્થિત એમએસ ઓટો કંપનીમાં લાગેલી આગ લાગ્યાની જાણ સાંજે લગભગ ૮.૨૦ વાગ્યે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલને કરવામાં આવી હતી. જેના કારણે ફેલાઈ રહેલી આગને કાબૂમાં લેવા માટે ફટાફટ ફાયરવિભાગ દોડતું આવી ગયું હતું. જેમાં શિલ ફાયર સ્ટેશનના કર્મચારીઓ પોતાની સાથે બે ફાયર એન્જિન, એક વોટર ટેન્કર અને રેસ્ક્યુ વેન સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના વડા યાસિન તડવીના જણાવ્યા અનુસાર આ ઘટનામાં કોઈ ઘાયલ થયું નથી. પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી હતી અને આગ આસપાસના બીજા મકાનોમાં ન ફેલાય તે માટે સાવચેતીના પગલાં લેવામાં આવ્યા હતા”

