Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ભારતે જૂની પરંપરાને પુનર્જીવિત કરી: ૪૫ વર્ષ બાદ યુનાઇટેડ નેશન્સની જિનીવા ઑફિસને પાંચ મોરની ગિફ્ટ

ભારતે જૂની પરંપરાને પુનર્જીવિત કરી: ૪૫ વર્ષ બાદ યુનાઇટેડ નેશન્સની જિનીવા ઑફિસને પાંચ મોરની ગિફ્ટ

Published : 11 August, 2026 09:50 AM | IST | United Nations
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પાંચ મોરમાં ૪ વાદળી અને એક સફેદ પીંછાંવાળા નર મોરનો સમાવેશ થાય છે

૪૬ હેક્ટરનો એરિયાના પાર્ક જિનીવાનાં સૌથી મોટાં અને પ્રતિષ્ઠિત ઉદ્યાનોમાંનો એક છે.

૪૬ હેક્ટરનો એરિયાના પાર્ક જિનીવાનાં સૌથી મોટાં અને પ્રતિષ્ઠિત ઉદ્યાનોમાંનો એક છે.


ભારતે દાયકાઓ જૂની પરંપરાને પુનર્જીવિત કરીને ૪૫ વર્ષના સમયગાળા બાદ યુનાઇટેડ નેશન્સ ઑફિસ ઍટ જિનીવા (UNOG)ને એક દુર્લભ સફેદ પીંછાવાળા મોર સહિત કુલ પાંચ ભારતીય મોર ગિફ્ટમાં આપ્યા હતા. શુક્રવારે આયોજિત એક ખાસ સમારંભમાં જિનીવામાં UN ઑફિસમાં ભારતના કાયમી પ્રતિનિધિ અરિંદમ બાગચીએ ઔપચારિક રીતે UNOGના ડિરેક્ટર-જનરલ તાતિઆના વાલોવાયાને પાંચ મોર સોંપ્યા હતા.

પાંચ મોરમાં ૪ વાદળી અને એક સફેદ પીંછાંવાળા નર મોરનો સમાવેશ થાય છે જે UN સાથે સંકળાયેલા વાદળી અને સફેદ રંગોને પ્રતિબિંબિત કરે છે. ૧૯૮૧માં તત્કાલીન વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીએ દિલ્હી પ્રાણીસંગ્રહાલયમાંથી મોરની એક જોડી મોકલી હતી. શરૂઆતમાં મોર લગભગ ૩ મહિના સુધી બંધ વાતાવરણમાં રહેશે અને પછી એમને એરિયાના પાર્કમાં મુક્તપણે ફરવા દેવામાં આવશે જ્યાં UNનું યુરોપિયન મુખ્યાલય આવેલું છે.



શા માટે મોરની ગિફ્ટ?


૪૬ હેક્ટરનો એરિયાના પાર્ક જિનીવાનાં સૌથી મોટાં અને પ્રતિષ્ઠિત ઉદ્યાનોમાંનો એક છે. જિનીવા શહેરે આ પાર્કમાં શરૂઆતમાં લીગ ઑફ નેશન્સ અને પછી યુનાઇટેડ નેશન્સની ઑફિસ માટે જમીન આપી હતી. મોર એક સદીથી વધુ સમયથી એરિયાના પાર્કનો ભાગ રહ્યા છે. આ પરંપરા લીગ ઑફ નેશન્સ અને યુનાઇટેડ નેશન્સની સ્થાપના પહેલાંની છે. આ પરંપરા સ્વિસ પુરાતત્ત્વવિદ અને આર્ટ કલેક્ટર ગુસ્તાવ રેવિલિયોડના સમયથી ચાલી આવે છે જેમણે ૧૮૯૦માં જ્યાં યુનાઇટેડ નેશન્સ સંકુલ હાલમાં છે એ એસ્ટેટ જિનીવા શહેરને વારસામાં આપી હતી. તેમની શરત હતી કે અહીં મોર ખુલ્લામાં ફરતા રહેવા જોઈએ. ૧૯૮૧માં ભારતે અને પછી ૧૯૯૭માં જપાને મોર આપ્યા હતા, પણ એની સંખ્યા માત્ર એક સુધી પહોંચતાં ભારતે મોર મોકલ્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

11 August, 2026 09:50 AM IST | United Nations | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK