સરકારી હૉસ્પિટલમાં ૪૮ દરદીઓ પહોંચ્યા, નાનાં બાળકોને ગંભીર ઈજા
હડકાયા કૂતરાને પકડવા નીકળેલી KDMCના કર્મચારીઓની ટીમ.
કલ્યાણમાં રવિવારે સફેદ રંગના એક કૂતરાએ ૭ કલાકમાં ૧૩૦થી વધુ લોકોને બચકાં ભરતાં હાહાકાર મચી ગયો હતો. કલ્યાણના આધારવાડી વિસ્તારની સંદીપ હોટેલથી લઈને ખડકપાડા સુધીના વિસ્તારમાં સફેદ રંગના હડકાયા થયેલા આ કૂતરાએ લોકોને બચકાં ભરવા માંડતાં ગભરાટ ફેલાઈ ગયો હતો. કૂતરા દ્વારા બચકું ભરાયાના ૪૮ કેસ કલ્યાણની રુક્મિણીબાઈ હૉસ્પિટલમાં નોંધાયા હતા. જે લોકોને કૂતરો કરડ્યો હતો તેમને ઍન્ટિ-રૅબીઝનાં (હડકવાનાં) ઇન્જેક્શન આપવામાં આવ્યાં હતાં. કલાકોની શોધ બાદ રવિવારે મધરાતે ૧.૩૦ વાગ્યે કૂતરાને ઝડપી શકાયો હતો.
રુક્મિણીબાઈ હૉસ્પિટલના ડૉ. મોહમ્મદ અનીસે કહ્યું હતું કે ‘રવિવારે અમારી હૉસ્પિટલમાં કૂતરો કરડવાના ૪૮ કેસ નોંધાયા હતા. મોટા ભાગના કેસ કલ્યાણ-વેસ્ટના ચિકનઘર, ગોદરેજ હિલ, આધારવાડી અને રેતીબંદર વિસ્તારમાંથી આવ્યા છે. નાનાં બાળકોમાં જેમને એ કૂતરો કરડ્યો છે તેમના ઘા ઊંડા હોવાથી તેમને સાયન હૉસ્પિટલમાં શિફ્ટ કરીને પીડિયાટ્રિક સર્જ્યનને રિફર કરવામાં આવ્યાં છે. જે કેસ અમારી પાસે નથી આવ્યા એ લોકોએ પ્રાઇવેટ ડૉક્ટર કે હૉસ્પિટલમાં સારવાર લીધી હોઈ શકે.’
કૂતરાએ અનેક લોકોને બચકાં ભર્યાં હોવાની જાણ થતાં ખડકપાડા અને MHB પોલીસ-સ્ટેશનના કર્મચારીઓ, સ્થાનિક કૉર્પોરેટર અને કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કૉર્પોરેશન (KDMC)ના કર્મચારીઓએ હડકાયા કૂતરાને ઝડપી લેવા અભિયાન હાથ ધર્યું હતું. ભારે શોધના અંતે આખરે મધરાત બાદ ૧.૩૦ વાગ્યે એને ઝડપી લેવામાં સફળતા મળી હતી.
પિંપરીમાં પાંચ વર્ષની બાળકી પર ૭ કૂતરા તૂટી પડ્યા: ૪૬ સેકન્ડમાં એટલાં બચકાં ભર્યાં કે શરીર પર ૯૦ ટાંકા લેવા પડ્યા
ADVERTISEMENT
પિંપરી-ચિંચવડ મ્યુનિસિપલ કૉર્પોરેશને રખડતા કૂતરાઓની નસબંધી કરવા ૭ કરોડ રૂપિયા ખર્ચ્યા હતા એનું શું થયું એવો સવાલ પણ લોકો કરી રહ્યા છે. પિંપરી-ચિંચવડમાંથી એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. પાંચ વર્ષની બાળકી અંશિકા શર્મા પર ૭ રખડતા કૂતરાઓએ હુમલો કર્યો હતો અને તેને અનેક બચકાં ભરી લીધાં હતાં. નસીબજોગે બાળકી બચી ગઈ હતી, પણ તેને સારવાર દરમ્યાન ૯૦ જેટલા ટાંકા લેવા પડ્યા હતા. ઘરની નજીકની ખુલ્લી જગ્યામાં રમતી બાળકી પર પહેલાં એક કૂતરાએ અટૅક કર્યો હતો એટલે તે પડી ગઈ હતી. એ પછી બીજા કૂતરાઓ આવી ગયા હતા. ૪૬ સેકન્ડ સુધી એ ભટકતા કૂતરાઓએ અંશિકાને બચકાં ભર્યે રાખ્યાં હતાં. એ પછી લોકો દોડી આવ્યા હતા અને કૂતરાઓને ભગાડીને સખત ઘવાયેલી અંશિકાને હૉસ્પિટલમાં લઈ ગયા હતા. કૂતરાઓએ કરેલા હુમલામાં અંશિકાને માથામાં, પગમાં, હાથમાં ગંભીર ઈજાઓ થઈ છે એટલે તેને ૯૦ જેટલા ટાંકા લેવા પડ્યા છે.
