થાઇલૅન્ડની ઘટના : ૨૬૦ કિલોમીટરની પદયાત્રા પર નીકળેલા ૩૫ બૌદ્ધ સાધુઓના જૂથને લીધું અડફેટે, ૧૩ હૉસ્પિટલમાં દાખલ, ૩ની હાલત ગંભીર
બૌદ્ધ સાધુઓનો જીવ લેનારી પિક-અપ વૅન.
થાઇલૅન્ડમાં ગુરુવારે એક અત્યંત ચોંકાવનારો માર્ગ-અકસ્માત થયો હતો. માત્ર ૧૧ વર્ષના એક બાળકે પિક-અપ વૅન રોડકિનારે પદયાત્રા કરી રહેલા બૌદ્ધ સાધુઓના એક મોટા જૂથ પર ચડાવી દીધી હતી. આ ભયાનક દુર્ઘટનામાં કુલ ૯ સાધુઓનાં કમકમાટીભર્યાં મોત થયાં હતાં, જ્યારે ૧૩ અન્ય સાધુઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. સ્થાનિક પ્રશાસનના જણાવ્યા અનુસાર મુકદાહાન પ્રાંતના આશરે ૩૫ જેટલા સાધુઓનું જૂથ ૨૬૦ કિલોમીટર લાંબી પવિત્ર પદયાત્રા પર નીકળ્યું હતું. યાત્રા શરૂ થયાની માત્ર ૩૦ મિનિટમાં જ વૅને પાછળથી તેમને કચડી નાખ્યા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે પાંચ સાધુઓનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતા, જ્યારે અન્ય ૪ લોકોએ સારવાર દરમ્યાન હૉસ્પિટલમાં દમ તોડ્યો હતો.
સ્થાનિક રેસ્ક્યુ ગ્રુપ દ્વારા શૅર કરવામાં આવેલા વિડિયો-ફુટેજમાં જોઈ શકાય છે કે તમામ સાધુઓ રસ્તાની એક બાજુએ સીધી લાઇનમાં શાંતિપૂર્વક ચાલી રહ્યા હતા ત્યારે અચાનક પૂરપાટ ઝડપે આવેલી વૅન રસ્તા પરથી નીચે ઊતરીને તેમની સાથે અથડાય છે.
