એકને ફાંસીની સજા ફરમાવવામાં આવી છે અને બીજીને ૨૫ વર્ષની જેલ
ટ્વિન સિસ્ટર્સ
ઈરાનમાં આ વર્ષની શરૂઆતમાં જાન્યુઆરી મહિનામાં સરકારવિરોધી વિરોધ-પ્રદર્શનોમાં ભાગ લેનારી ૧૯ વર્ષની ટ્વિન સિસ્ટર્સને કડક સજાનો સામનો કરવો પડી રહ્યો છે. તરાનેહ રહીમીને ફાંસીની સજા ફટકારવામાં આવી છે, જ્યારે તેની બહેન રોમિના રહીમીને ૨૫ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. ધરપકડ સમયે બહેનો હાઈ સ્કૂલમાં ભણતી હતી.
આ વર્ષની શરૂઆતમાં જ્યારે લાખો લોકો ઈરાનની સરકારના વિરોધમાં રસ્તા પર ઊતરી આવ્યા હતા ત્યારે ૮ અને ૯ જાન્યુઆરીએ ઇસ્ફહાનમાં થયેલાં પ્રદર્શનોમાં તરાનેહ અને રોમિનાએ ભાગ લીધો હતો. લગભગ એક મહિના પછી તેમને તેમના ઘરેથી અડધી રાત્રે ઉઠાવી લેવામાં આવી હતી. માસ્ક પહેરેલા માણસોએ મધ્યરાત્રિએ તેમના ઘરેથી તેમનું અપહરણ કર્યું હતું. પાછળથી જાણવા મળ્યું હતું કે આ માણસોને ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કૉર્ઝ (IRGC) દ્વારા મોકલવામાં આવ્યા હતા.
૪ મહિના સુધી પરિવાર અજાણ
દીકરીઓ ક્યાં છે એ વિશે તેમનો પરિવાર ૪ મહિના સુધી અજાણ રહ્યો હતો. તેમની માતા મરઝીહ નૂરમોહમ્મદીએ હૉસ્પિટલો અને સરકારી સંસ્થાઓમાં તેમની શોધ કરી અને અંતે તેને કહેવામાં આવ્યું હતું કે તેમની પુત્રીઓને ઇસ્ફહાનની દોવલતાબાદ જેલમાં રાખવામાં આવી છે. તેમને છેક મે મહિનામાં તેમની મુલાકાત લેવાની મંજૂરી આપવામાં આવી હતી.
ADVERTISEMENT
મમ્મી દીકરીઓને ઓળખી ન શકી
મમ્મી જ્યારે જેલમાં પહોંચી ત્યારે પોતાની દીકરીઓને ઓળખી નહોતી શકી, કારણ કે તેમના શરીર પર ઘાનાં નિશાન હતાં અને તેમના ચહેરા ખૂબ જ ખરાબ રીતે સૂજી ગયા હતા. બહેનોની કોણી, આંગળીઓના સાંધા અને પગ તૂટી ગયા હતા. તેમના વાળ ખેંચી લેવામાં આવ્યા હતા. જેલનો સ્ટાફ બેઉ બહેનોને વાળ પકડીને એક કોટડીથી બીજી કોટડીમાં ખેંચી જતો હતો. તેમને એકાંત કેદમાં પણ રાખવામાં આવતી હતી.
