ઇઝરાયલની ચૂંટણીમાં ૮૫.૬ ટકાથી વધુ મતોની ગણતરી પૂર્ણ થયા બાદ સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચે જબરી રસાકસી ચાલી રહી છે
બેન્જામિન નેતન્યાહુ
ઇઝરાયલની ચૂંટણીમાં ૮૫.૬ ટકાથી વધુ મતોની ગણતરી પૂર્ણ થયા બાદ સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચે જબરી રસાકસી ચાલી રહી છે. બેન્જામિન નેતન્યાહુનું ગઠબંધન ૫૩ બેઠકો સાથે આગળ છે, જ્યારે ગાદી આઇઝનકોટની આગેવાની હેઠળનું વિપક્ષી ગઠબંધન ૪૮ બેઠકો પર આગળ છે. ઇઝરાયલની સંસદમાં કુલ ૧૨૦ બેઠકો છે અને સરકાર બનાવવા માટે ૬૧ બેઠકોની સ્પષ્ટ બહુમતી જરૂરી છે. આ સ્થિતિમાં બન્ને મુખ્ય પક્ષો બહુમતીથી દૂર હોવાથી ૧૯ બેઠકો પર આગળ ચાલી રહેલી આરબ પાર્ટીઓની ભૂમિકા અત્યંત નિર્ણાયક બની શકે છે.
આરબ પાર્ટીઓ માટે આ અત્યાર સુધીનું સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું હતું. જોકે હજી પણ સૈનિકો, પોલીસ અને વિદેશમાં રહેતા નાગરિકોના લગભગ પાંચ લાખ જેટલા મતોની ગણતરી બાકી છે જે કુલ ૧૨ બેઠકોનાં પરિણામ બદલી શકે છે. યુરોપિયન યુનિયન (EU)એ ઇઝરાયલમાં થયેલા ૭૭.૮ ટકા જંગી મતદાનની પ્રશંસા કરીને નવી સરકાર સાથે કામ કરવાની ઇચ્છા દર્શાવી હતી. રાષ્ટ્રપતિ આઇઝેક હર્ઝોગે તમામ રાજકીય પક્ષોને ફરીથી ચૂંટણી ટાળવા માટે ખુલ્લા મને વાટાઘાટો કરવા અપીલ કરી હતી. જે વિસ્તારોમાં યુદ્ધની સૌથી વધુ ખરાબ અસર જોવા મળી હતી ત્યાં પણ નેતન્યાહુની પાર્ટી મજબૂત સ્થિતિમાં હોવાનું જોવા મળ્યું હતું. જોકે પરિણામ આવવામાં હજી પણ એકાદ દિવસ જેટલો સમય લાગી શકે છે. જોકે ચૂંટણીનું સત્તાવાર પરિણામ ૪ નવેમ્બરે જાહેર કરવામાં આવશે.
