બહુ વિનવણીઓ પછી દિવ્યાંગ ટીનેજરનો પરિવાર બ્લડ મનીના બદલામાં માફી આપવા તૈયાર થયો
અબ્દુલ રહીમ
ક્રાઉડફન્ડિંગ દ્વારા પરિવારે ભેગા કર્યા પૈસા, જોકે ૨૦ વર્ષનો આકરો જેલવાસ તો ભોગવવો જ પડ્યો : ૧૭ વર્ષના દિવ્યાંગના મૃત્યુના આરોપમાં અબ્દુલ રહીમને થઈ હતી દેહાંત દંડની સજા : બહુ વિનવણીઓ પછી દિવ્યાંગ ટીનેજરનો પરિવાર બ્લડ મનીના બદલામાં માફી આપવા તૈયાર થયો
સાઉદી અરેબિયાની જેલમાં ૨૦ વર્ષની સજા કાપીને કેરલમનો અબ્દુલ રહીમ ભારત પાછો ફર્યો છે. તેના પાછા આવવાથી માત્ર તેનો પરિવાર જ નહીં, કેરલમના લોકો ખુશીથી ઝૂમી ઊઠ્યા છે કેમ કે તે આજે જેલમાંથી નીકળી શક્યો છે એમાં આમજનતાનો પણ બહુ મોટો ફાળો છે. સાઉદી અરેબિયાની કોર્ટે તો અબ્દુલ રહીમને મોતની સજા સંભળાવી હતી. એમાંથી બહાર કાઢવા માટે બ્લડ મની તરીકે ૩૪ કરોડ રૂપિયાની માતબર રકમ કેરલમના સેંકડો લોકો દ્વારા આપવામાં આવી ત્યારે તેનું જીવન બચી શક્યું હતું.
ADVERTISEMENT
શું હતો કેસ?
૬ ભાઈ-બહેનોમાં સૌથી નાનો અબ્દુલ રહીમ કેરલમમાં રિક્ષા અને સ્કૂલ-બસ ચલાવવાનું કામ કરતો હતો. તે વધુ પૈસા કમાવા અને પરિવારનું ભરણપોષણ થઈ શકે એ માટે ૨૦૦૬માં કમાવા સાઉદી અરેબિયા ગયો હતો. ત્યાં તેને ૧૭ વર્ષના દિવ્યાંગ છોકરાની દેખભાળ અને ડ્રાઇવિંગ કરવાની નોકરી મળી હતી. જોકે અબ્દુલ રહીમની કિસ્મત ફૂટેલી કે તે સાઉદી અરેબિયા પહોંચ્યો એના ૨૮ દિવસ પછી એક અકસ્માત થયો. તે કાર ચલાવી રહ્યો હતો અને ટીનેજર કારની પાછળ બેઠો હતો. કોઈક કારણસર ટીનેજરની ઑક્સિજન સપોર્ટ સિસ્ટમ દૂર થઈ ગઈ અને અબ્દુલ રહીમને ખબર પણ ન પડી. ઑક્સિજનના અભાવે ટીનેજરનું મૃત્યુ થયું. ૧૭ વર્ષના આ દિવ્યાંગ ટીનેજરના મૃત્યુ માટે એ વખતે ૨૬ વર્ષના અબ્દુલ રહીમને જવાબદાર માનીને તેને સ્થાનિક કોર્ટે મોતની સજા સંભળાવી હતી. અનેક અપીલો પછી પણ તેને સજામાં કોઈ રાહત ન મળી. સાઉદી અરેબિયાની જેલમાં સબડતા અબ્દુલને ફાંસી આપવાની હતી, પરંતુ આખરે ખૂબ મનામણી પછી દિવ્યાંગનો પરિવાર સમાધાન કરવા તૈયાર થયો. એ માટે પરિવારે ૧.૫ કરોડ સાઉદી રિયાલ એટલે કે લગભગ ૩૪ કરોડ રૂપિયાની ‘બ્લડ મની’ની માગણી કરી. આટલી મોટી રકમ અબ્દુલ રહીમનો સાધારણ પરિવાર આપી શકે એવી સંભાવના નહોતી.
આખું કેરલમ એક થયું
અબ્દુલ રહીમને ફાંસીના ફંદામાંથી બચાવવા માટે તેના પરિવારે આમ લોકોને અપીલ કરી. દુનિયાભરમાં ફેલાયેલા મલયાલી પરિવારોને એમાં પોતાનું યોગદાન આપવા માટે હાકલ કરવામાં આવી. સોશ્યલ મીડિયાના માધ્યમથી ‘સેવ અબ્દુલ રહીમ’ નામનું આ અભિયાન ઐતિહાસિક સાબિત થયું. આ અભિયાનમાં મજૂરો, પ્રવાસીઓ, સામાજિક સંસ્થાઓ અને મોટા ઉદ્યોગપતિઓએ મળીને અસંભવ લાગતી ૩૪ કરોડની રકમ એકઠી કરી લીધી.
મોત ટળ્યું, ૨૦ વર્ષની જેલ નહીં
૨૦૨૪માં સાઉદી અરેબિયાની કોર્ટે દિવ્યાંગના પરિવારની સહમતીથી અબ્દુલની મોતની સજા રદ કરી દીધી. મોત તો ટળી ગયું, પરંતુ અબ્દુલે સાઉદી અરેબિયાના કાનૂન મુજબ ૨૦ વર્ષની જેલ તો કાપવી જ પડી. ગઈ કાલે સવારે અબ્દુલ સાઉદી અરેબિયાથી કોઝીકોડના ઍરપોર્ટ પર ઊતર્યો હતો. બે દાયકા પછી એક દીકરા અને માનું મિલન ભાવુક કરનારું હતું. અબ્દુલને આવકારવા માટે માત્ર તેનો પરિવાર જ નહીં, આખી મલયાલી કમ્યુનિટી હાજર હતી.
