મૃત્યુ પામેલા તથા ઘાયલોમાં મોટા ભાગના ભારતીયો અને પાકિસ્તાની નાગરિકો સામેલ, પચાસ કિલોમીટર દૂર દોહા સુધી વિસ્ફોટ સંભળાયો
ઘટનાસ્થળનું દૃશ્ય
કતરના અત્યંત મહત્ત્વપૂર્ણ લિક્વિફાઇડ નૅચરલ ગૅસ (LNG) હબ ગણાતા રાસ લફાન ઇન્ડસ્ટ્રિયલ સિટીમાં આવેલા એક પ્લાન્ટમાં થયેલા ભયાનક વિસ્ફોટમાં ૧૩ લોકોનાં મોત થયાં છે, જ્યારે પચાસથી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે. સરકારી ઊર્જા કંપની કતર એનર્જીએ આ જાનહાનિની પુષ્ટિ કરી છે. પ્રાથમિક અહેવાલો અનુસાર મૃત્યુ પામેલા લોકોમાં ભારતીયો અને પાકિસ્તાની નાગરિકો સામેલ છે. જોકે દોહાસ્થિત ભારતીય દૂતાવાસે હજી સુધી કોઈ ભારતીય નાગરિકના મોતની સત્તાવાર પુષ્ટિ કરી નથી. કતર એનર્જીના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (CEO) અને ઊર્જાપ્રધાન સાદ અલ-કાબીએ જણાવ્યું હતું કે ‘બ્લાસ્ટનાં કારણો જાણવા માટે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આ પ્રચંડ ધડાકાને કારણે ૭૦ કિલોમીટર દૂર સેન્ટ્રલ દોહામાં પણ બારીઓના કાચ તૂટી ગયા હતા જેનાથી લોકોમાં ગભરાટ ફેલાયો હતો. કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે આ દુર્ઘટનાથી કતરની LNGની નિકાસને કોઈ અસર થઈ નથી અને રાસ લફાન પોર્ટ સામાન્ય રીતે કાર્યરત છે. સમગ્ર મામલે તપાસનો આદેશ આપવામાં આવ્યો છે.’
ફિલિપીન્સમાં ભૂકંપ બાદ સમુદ્રમાંથી ૨૦૦ મીટર જમીન બહાર આવી
ADVERTISEMENT
ફિલિપીન્સના મિંડાનાવોમાં સારંગાના દ્વીપકલ્પના દક્ષિણમાં ૮ જૂને આવેલા ૭.૮ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપે ત્યાંની ભૌગોલિક સ્થિતિ હંમેશ માટે બદલી નાખી હતી. ભૂકંપ બાદ દરિયાનું પાણી અચાનક ૨૦૦ મીટર જેટલું પાછળ ધકેલાઈ ગયું હતું અને અગાઉ પાણીમાં ડૂબેલો ભાગ સૂકી જમીન તરીકે બહાર આવી ગયો હતો. આ અનોખી ઘટનાને વિજ્ઞાનની ભાષામાં કોસ્ટલ અપલિફ્ટ અેટલે કે તટીય ઉત્થાન કહેવામાં આવે છે. સમુદ્રકિનારો પાછળ હટવાને કારણે સ્થાનિક લોકોમાં ભયાનક સુનામી આવવાનો ભારે ફફડાટ વ્યાપી ગયો હતો.
