ભારતમાં વિમાન સર્વિસને અસર પડી: મિડલ ઈસ્ટ જતી ફ્લાઇટ્સ કૅન્સલ: ગુજરાત અને રાજસ્થાન પહોંચ્યાં રાખનાં વાદળો
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
લગભગ ૧૦,૦૦૦ વર્ષ પછી રવિવારે સવારે ઇથિયોપિયાના હેલી ગુબ્બી જ્વાળામુખીમાં પ્રચંડ વિસ્ફોટને કારણે રાખનાં વિશાળ વાદળ સર્જાયાં હતાં, વૈજ્ઞાનિકોએ આ ઘટનાને ઇતિહાસમાં ઇથિયોપિયાની સૌથી અસાધારણ ઘટનામાંની એક ગણાવી છે. ઇથિયોપિયાના એર્ટા આલે રેન્જમાં આ હેલી ગુબ્બી જ્વાળામુખી છે. રાખનાં આ વાદળોએ રેડ સી, ઓમાન, યમન અને મિડલ ઈસ્ટમાં હવાઈ સર્વિસને અસર પહોંચાડી હતી. રાખનાં આ વાદળો ગઈ કાલે ભારતમાં ગુજરાત અને રાજસ્થાન તરફ આવતાં હવાઈ સર્વિસને અસર થઈ હતી.
ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે જ્વાળામુખીની રાખ, સલ્ફર ડાયોક્સાઇડ અને ખડકોના નાના કણથી બનેલાં આ વાદળો પૃથ્વીની સપાટીથી લગભગ ૧૦-૧૫ કિલોમીટરની ઊંચાઈએ છે અને એ મુખ્યત્વે ફ્લાઇટ્સને અસર કરશે.
દરિયાની સપાટીથી ઉપર રાખ મિડલ ઈસ્ટ અને સેન્ટ્રલ એશિયા તરફ વહેતી થયા બાદ ઍરલાઇન્સે ગઈ કાલે બપોર પછી ફ્લાઇટ્સ રદ કરવાનું શરૂ કરી દીધું હતું. ઇન્ડિગો ઍરલાઇન્સે કન્નુરથી અબુ ધાબી જતી ફ્લાઇટનું અમદાવાદમાં લૅન્ડિંગ કરાવ્યું હતું. પૅસેન્જરોને બીજા વિમાનમાં પાછા કન્નુર મોકલવામાં આવ્યા હતા. આ સમસ્યાને લીધે ઇન્ડિગોએ ૬ ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી. આમાંથી એક ફ્લાઇટે મુંબઈથી ઉડાન ભરી હતી, જ્યારે રદ કરાયેલી અન્ય ફ્લાઇટ્સ દક્ષિણ ભારતથી ઉડાન ભરી રહી હતી. આજે આ વાદળો રાજસ્થાનમાં જયપુરથી લઈને દિલ્હી સુધી પહોંચવાનાં હોવાથી આજે પણ ઍર સર્વિસને અસર પડવાની સંભાવના છે.
ADVERTISEMENT
મુંબઈ ઍરપોર્ટે શું કહ્યું?
આ મુદ્દે મુંબઈ ઍરપોર્ટના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘વિદેશની ઍરલાઇન્સ એમની ફ્લાઇટ્સ પાકિસ્તાનના હવાઈ ક્ષેત્રમાં રૂટ કરી રહી હતી. જોકે ભારતીય ઍરલાઇન્સ માટે પાકિસ્તાનનું હવાઈ ક્ષેત્ર બંધ હોવાથી ભારતીય ઍરલાઇન્સ પર આ ઘટનાની વધારે અસર થવાની ધારણા છે. ફ્લાઇટ્સે રૂટ બદલવો પડશે અથવા એને રદ કરવી પડશે. આજે પરિસ્થિતિ વધુ ખરાબ થવાની ધારણા છે. જો આજે આ રાખ દિલ્હી અને જયપુર પર સ્થિર થઈ જાય તો ભારતીય ઉડ્ડયનને ગંભીર અસર થવાની ધારણા છે. રાખ હવાના ઉપરના સ્તરમાં છે એથી સપાટીની નજીક કોઈ નોંધપાત્ર અસર દેખાશે નહીં. આકાશ ધુમ્મસવાળું અને વાદળછાયું દેખાશે.
૧૨૦ કિલોમીટરની ઝડપે આગળ વધે છે
રાખનાં વાદળો નૉર્થ ભારત તરફ લગભગ ૧૦૦થી ૧૨૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યાં છે. આ વાદળો આકાશમાં ૧૫,૦૦૦થી ૨૫,૦૦૦ ફુટ અને ૪૫,૦૦૦ ફુટની વચ્ચે છે. રાખ, સલ્ફર ડાયોક્સાઇડ અને ખડકના કેટલાક નાના કણો આકાશને ઘાટું બનાવશે અને હવાઈ ટ્રાફિકને અસર કરશે.


