Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > માઇક્રોસૉફ્ટ ક્રાઉડસ્ટ્રાઇક અને વિન્ડોઝમાં ગરબડથી દુનિયાભરમાં અસર, સર્વર ઠપ થયાં

માઇક્રોસૉફ્ટ ક્રાઉડસ્ટ્રાઇક અને વિન્ડોઝમાં ગરબડથી દુનિયાભરમાં અસર, સર્વર ઠપ થયાં

Published : 20 July, 2024 06:40 AM | IST | Washington
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઍરલાઇન્સ, બૅન્કિંગ સર્વિસ, સ્ટૉકમાર્કેટ, હેલ્થકૅર, રેલવે સર્વિસ, અમેરિકામાં ૯૧૧ ઇમર્જન્સી સર્વિસ અને ટીવી-ચૅનલોને અસર

ઇંગ્લૅન્ડના નૉટિંઘમમાં ઇંગ્લૅન્ડ-વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની ટેસ્ટ મૅચનું લાઇવ ટેલિકાસ્ટ અટકી પડ્યું હતું, નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનૅશનલ અૅરપોર્ટના T2 ટર્મિનલ પર એરર દેખાડતું એક કમ્પ્યુટર.

ઇંગ્લૅન્ડના નૉટિંઘમમાં ઇંગ્લૅન્ડ-વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની ટેસ્ટ મૅચનું લાઇવ ટેલિકાસ્ટ અટકી પડ્યું હતું, નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનૅશનલ અૅરપોર્ટના T2 ટર્મિનલ પર એરર દેખાડતું એક કમ્પ્યુટર.


શુક્રવારે સવારે દિગ્ગજ સૉફ્ટવેર કંપની માઇક્રોસૉફ્ટની ક્લાઉડ સર્વિસ ક્રાઉડસ્ટ્રાઇકના અપડેટ વખતે એમાં ખામી સર્જાતાં દુનિયાભરમાં માઇક્રોસૉફ્ટના યુઝર્સનાં કમ્પ્યુટર અને લૅપટૉપ અચાનક બંધ થઈ ગયાં હતાં. માઇક્રોસૉફ્ટનાં સર્વર ઠપ થયાં હતાં અને સિસ્ટમ શરૂ કરતાં જ સ્ક્રીન પર બ્લુ સ્ક્રીન ઑફ ડેથ (BSOD) આવતું હતું જે એક ક્રિટિકલ એરર છે. કોઈ પણ સિસ્ટમ ગંભીર સમસ્યાને કારણે ક્રૅશ થઈ જાય ત્યારે આવું થાય છે અને એમાં જે ડેટા સેવ ન કર્યા હોય એ મળવા મુશ્કેલ બની જાય છે. જોકે આ કોઈ પ્રકારનો સાઇબર અટૅક નહોતો એથી યુઝર્સને શાંતિ થઈ હતી.


માઇક્રોસૉફ્ટની આ ખામીને કારણે દુનિયાભરમાં ઍરલાઇન્સ, બૅન્ક, સ્ટૉકમાર્કેટ, હેલ્થકૅર, રેલવે સર્વિસ, અમેરિકામાં ૯૧૧ ઇમર્જન્સી સર્વિસ, ટીવી-ચૅનલો અને ઘણી કૉર્પોરેટ કંપનીઓનાં કામકાજ પર અસર પડી હતી. દુનિયાભરની બૅન્કોમાં ઑનલાઇન ટ્રાન્ઝૅક્શન પ્રભાવિત થયાં હતાં એથી એની અસર આખી દુનિયાને થઈ હતી.



ગુરુવારથી શરૂઆત


આ ખામીની શરૂઆત ગુરુવાર સાંજથી થઈ હતી, પણ એની માઠી અસર શુક્રવારે સવારથી જોવા મળી હતી અને સૌથી પહેલાં એની અસર ઑસ્ટ્રેલિયા અને ન્યુ ઝીલૅન્ડમાં જોવા મળી હતી. ઑસ્ટ્રેલિયામાં બૅન્કો, ઍરલાઇન્સ અને ટીવી-બ્રૉડકાસ્ટર્સને અસર પડી હતી. ત્યાર બાદ એની અસર ભારત અને યુરોપમાં જોવા મળી હતી. હૈદરાબાદ અને બૅન્ગલોરમાં અનેક કૉર્પોરેટ કંપનીઓમાં કામકાજ ઠપ થઈ ગયું હતું. સિંગાપોર, બ્રિટન,  ફ્રાન્સ,  કૅનેડા અને અમેરિકામાં પણ આની અસર જોવા મળી હતી.

ન્યુઝ-ચૅનલોને અસર
ઑસ્ટ્રેલિયામાં ન્યુઝ-ચૅનલને વહેલી સવારે ન્યુઝ આપવામાં તકલીફ થઈ હતી. બ્રિટનમાં સ્કાય ન્યુઝના પ્રસારણને બંધ કરવાનો વારો આવ્યો હતો. એમાં સવારથી એક પણ લાઇવ ન્યુઝનું પ્રસારણ થયું નહોતું.


ભારતમાં બ્રોકરેજ હાઉસ પ્રભાવિત

ભારતમાં સ્ટૉક એક્સચેન્જોના કામકાજને અસર પડી હતી. નુવામા અને 5પૈસા જેવાં અનેક ડિજિટલ બ્રોકરેજ હાઉસની સર્વિસ પ્રભાવિત થઈ હતી. આ પ્લૅટફૉર્મના યુઝર્સ ઑનલાઇન શૅરની લે-વેચ કરી શકતા નહોતા. જોકે બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ અને નૅશનલ સ્ટૉક એક્સચેન્જના કામકાજને એટલી અસર નહોતી પડી.

સાઇબર એક્સપર્ટ્સે શું કહ્યું?
ભારતમાં આ મુદ્દે સાઇબર એક્સપર્ટ્સે કહ્યું હતું કે ક્રાઉડસ્ટ્રાઇક સાઇબર સુરક્ષા પૂરી પાડે છે અને એમાં અપડેટ કરતી વખતે એક ભૂલ થઈ હતી જેને કારણે વિન્ડોઝ યુઝર્સને તકલીફ પડી છે. મૅક અને લિનક્સના યુઝર્સ પ્રભાવિત થયા નથી. આનાથી ઘણી સિસ્ટમ ડાઉન થઈ હતી. બૅન્કો અને ઍરલાઇન્સ ક્ષેત્ર વધારે પ્રભાવિત થયું હતું. આ ઘટનાના મુદ્દે ઍક્સ અને ટેસ્લાના માલિક ઇલૉન મસ્કે કહ્યું હતું કે ઍન્ટિવાઇરસ જ વાઇરસ છે.

એક નાની ભૂલની મોટી સજા : કંપનીના વૅલ્યુએશનમાં અબજો ડૉલરનો ઘટાડો
ક્રાઉડસ્ટ્રાઇકમાં ઊભી થયેલી ખામીને કારણે આ સાઇબર સિક્યૉરિટી કંપનીના શૅરના ભાવમાં ગઈ કાલે મોટો ઘટાડો નોંધાયો હતો. અમેરિકામાં નૅસ્ડૅક સ્ટૉક એક્સચેન્જમાં શૅરના ભાવ આશરે ૮થી ૧૪ ટકા ઘટ્યા હતા એટલે કંપનીના વૅલ્યુએશનમાં મોટું નુકસાન થયું હતું. કંપનીના વૅલ્યુએશનમાં ૧૨.૫ અબજ ડૉલર (આશરે ૧,૦૪,૬૫૨ કરોડ રૂપિયા)નો કડાકો બોલાઈ ગયો હતો. 

શું છે ક્રાઉડસ્ટ્રાઇક?
માઇક્રોસૉફ્ટના ક્રાઉડસ્ટ્રાઇક સૉફ્ટવેરના અપડેટને કારણે આ સમસ્યા ઊભી થઈ હતી. ક્રાઉડસ્ટ્રાઇક એક સાઇબર સિક્યૉરિટી પ્લૅટફૉર્મ છે જે એના યુઝર્સને સિક્યૉરિટી સૉલ્યુશન પૂરાં પાડે છે. એમાં અપડેટને કારણે અઝૂર ક્લાઉડ અને માઇક્રોસૉફ્ટ 365ની સર્વિસમાં મુશ્કેલી આવી હતી. માઇક્રોસૉફ્ટે કહ્યું હતું કે અમને સમસ્યાની જાણ થઈ ગઈ છે અને અમારી અનેક ટીમો એનું નિરાકરણ લાવવામાં વ્યસ્ત છે. આનાથી એવા યુઝર્સને પરેશાની થઈ રહી છે જેઓ માઇક્રોસૉફ્ટ અઝૂરનો વપરાશ કરે છે. માઇક્રોસૉફ્ટ અઝૂર ક્લાઉડ કમ્પ્યુટિંગ પ્લૅટફૉર્મ છે. એ ઍપ્લિકેશન અને સર્વિસિસને બનાવવા, ડિપ્લૉય અને મૅનેજ કરવાનું કામ કરે છે. માઇક્રોસૉફ્ટ 365 પ્રોડક્ટિવિટી સૉફ્ટવેર છે જેમાં વર્ડ, ઍક્સેલ, પાવરપૉઇન્ટ, આઉટલુક અને વન નોટ જેવી લોકપ્રિય ઍપ્લિકેશન છે. વૉલમાર્ટ, કોકા કોલાથી લઈને અનેક કંપનીઓ માઇક્રોસૉફ્ટ અઝૂરની કસ્ટમર્સ છે.

ભારત સરકાર માઇક્રોસૉફ્ટના સંપર્કમાં
આ સંદર્ભે રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવે ઍક્સ પ્લૅટફૉર્મ પર જણાવ્યું હતું કે મિનિસ્ટ્રી ઑફ ઇલેક્ટ્રૉનિક્સ ઍન્ડ ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી ગ્લોબલ આઉટેજના મુદ્દે માઇક્રોસૉફ્ટ અને એના સહયોગીઓના સંપર્કમાં છે. સમસ્યાનું કારણ મળી ગયું છે અને એને માટેનું એક અપડેટ પણ રજૂ કરવામાં આવ્યું છે. જોકે આનાથી નૅશનલ ઇન્ફૉર્મેટિક્સ સેન્ટરના નેટવર્કને કોઈ અસર પડી નથી.

ભારતીય બૅન્કો સુરક્ષિત
રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ ગઈ કાલે સાંજે જણાવ્યું હતું કે રિઝર્વ બૅન્કના ડોમેનમાં ઇન્ડિયન ફાઇનૅન્શિયલ સેક્ટર વૈશ્વિક આઉટેજથી વેગળું રહ્યું છે, ભારતીય બૅન્કોને ઝાઝી અસર નથી, માત્ર મામૂલી પરેશાની થઈ હતી.

લંડન સ્ટૉક એક્સચેન્જનું કામકાજ પ્રભાવિત, ઇમર્જન્સી બેઠક 
બ્રિટનમાં લંડન સ્ટૉક એક્સચેન્જના કામકાજને ભારે અસર પડી હતી. શૅરના લે-વેચનું કામ બંધ થઈ ગયું અને એક્સચેન્જ ઠપ થઈ ગયું હતું. આને કારણે ઇન્વેસ્ટરોની ચિંતા વધી હતી. આ મુદ્દે ઇમર્જન્સી બેઠક બોલાવવામાં આવી હતી.

ચાર સ્ટેપ્સમાં બતાવ્યું સૉલ્યુશન
ક્રાઉડસ્ટ્રાઇકે એના કસ્ટમરને એક નોટમાં મૅન્યુઅલ સૉલ્યુશન બતાવ્યું હતું. એમાં કહેવામાં આવ્યું હતું કે ક્રાઉડસ્ટ્રાઇક વિન્ડોઝમાં 10 BSOD ઇશ્યુને ઠીક કરવા માટે આ ૪ સ્ટેપને ફૉલો કરો ઃ
૧. વિન્ડોઝને સેફ મોડ અથવા WREમાં બૂટ કરો.
૨. C:\Windows\System32\drivers\CrowdStrike પર જાઓ.
૩. ‘C-00000291*.sys’થી મેળ ખાતી હોય એવી ફાઇલો શોધી કાઢીને એને દૂર કરો.
૪. ફરી સામાન્ય રીતે બૂટ કરો.
જોકે કંપનીએ જણાવ્યું હતું કે આ ટેમ્પરરી સૉલ્યુશન છે. થોડી વાર બાદ કંપની આ સમસ્યાને બરાબર રીતે દૂર કરી દેશે.

આ સાઇબર અટૅક નથી :  ક્રાઉડસ્ટ્રાઇકના અધ્યક્ષ જ્યૉર્જ કર્ટ્‍સ

ક્રાઉડસ્ટ્રાઇકના અધ્યક્ષ અને ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર જ્યૉર્જ કર્ટ્‍સ એક ટ્વીટમાં જણાવ્યું હતું કે આ કોઈ સાઇબર અટૅક નથી. ક્રાઉડસ્ટ્રાઇક એ યુઝર્સ સાથે સક્રિય રૂપે કામ કરી રહ્યું છે જેઓ વિન્ડોઝ હોસ્ટ માટે એકલ સામગ્રી અપડેટમાં આવેલી ખરાબીને કારણે પ્રભાવિત છે. મૅક અને લિનક્સ હૉસ્ટ એનાથી પ્રભાવિત નથી. આ કોઈ સાઇબર સુરક્ષા કે સાઇબર હુમલાની ઘટના નથી. અમે મુશ્કેલી જાણી લીધી છે અને એને સિસ્ટમથી અલગ કરી દીધી છે તથા અમે એનું સમાધાન શોધી કાઢ્યું છે. વિન્ડોઝ 365 ઍપ્લિકેશન અને સર્વિસ બંધ થવાનું મૂળ કારણ શોધી લઈને ઠીક કરી દેવામાં આવ્યું છે. આ આઉટેજ માટે અમને ખેદ છે.

Whatsapp-channel Whatsapp-channel

20 July, 2024 06:40 AM IST | Washington | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK