RSSના સરસંઘચાલકે લંડનમાં જન્મભૂમિ અને કર્મભૂમિ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરતાં કહ્યું કે સાચા હિન્દુઓ માટે બ્રિટન ને ભારતનાં હિતો વચ્ચે ક્યારેય સંઘર્ષ થતો નથી
ડૉ. મોહન ભાગવતે ૬ સપ્ટેમ્બરે લંડનના એક ગુરુદ્વારામાં માથું ટેકવ્યું હતું.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક ડૉ. મોહન ભાગવતે લંડનમાં હિન્દુ સ્વયંસેવક સંઘ (HSS) દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં બ્રિટિશ હિન્દુઓને મોટો સંદેશ આપ્યો છે. ‘સેલિબ્રેશન ઑફ વનનેસ’ (Celebration of Oneness) નામના કાર્યક્રમમાં તેમણે જણાવ્યું હતું કે હિન્દુત્વ સ્પષ્ટ માને છે કે તમારી વફાદારી હંમેશાં તમારી કર્મભૂમિ પ્રત્યે હોવી જોઈએ અને બ્રિટિશ હિન્દુઓ માટે કર્મભૂમિ બ્રિટન છે.
જન્મભૂમિ અને કર્મભૂમિ વચ્ચેની વફાદારી વિશેના એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે ‘સાચા હિન્દુઓ માટે બ્રિટન અને ભારતનાં હિતો વચ્ચે ક્યારેય સંઘર્ષ થતો નથી. જો ક્યારેય આવી સ્થિતિ સર્જાય તો બ્રિટિશ હિન્દુઓએ બ્રિટન સાથે જ ઊભા રહેવું જોઈએ. હિન્દુત્વ ક્યારેય તમારી કર્મભૂમિ સાથે દગો કરવાનું કહેતું નથી. જન્મભૂમિ માત્ર તમને સંસ્કાર આપે છે, જેની મદદથી તમે કર્મભૂમિની સેવા કરી શકો છો.’
ADVERTISEMENT
હિન્દુત્વ વિશે ફેલાયેલી ગેરસમજો દૂર કરતાં તેમણે કહ્યું હતું કે ‘હિન્દુત્વ એ એકતાનો ખ્યાલ છે. વિવિધતા એ પ્રકૃતિનો નિયમ છે અને એકતા એ સત્ય છે. સમાનતા એ એકતા માટે જરૂરી નથી, વિવિધતામાં પણ એકતા શક્ય છે.’
