Monika Kapoor arrested: ભારત સરકારનું કરોડોનું નુકસાન કરીને ૨૫ વર્ષ પહેલાં અમેરિકા ભાગી ગયેલી આર્થિક ગુનેગાર મોનિકા કપૂરને CBI દ્વારા ભારત લાવવામાં આવી રહી છે
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (Central Bureau of Investigation - CBI)ને એક ફ્રોડ કેસમાં મોટી સફળતા મળી છે. કરોડો રૂપિયાના નાણાકીય છેતરપિંડીના કેસમાં ભારતમાં વોન્ટેડ કથિત આર્થિક ગુનેગાર મોનિકા કપૂર (Monika Kapoor)ની કસ્ટડી લીધી છે. મોનિકા કપૂરની અમેરિકા (America)માં ધરપકડ કરવામાં આવી હતી અને યુએસ અધિકારીઓ સાથે સંકલિત પ્રયાસ બાદ તે હવે CBIની કસ્ટડીમાં છે. ધરપકડ (Monika Kapoor arrested) કરવામાં આવેલી મોનિકા કપૂરને ભારત (India) લાવવામાં આવી રહી છે.
૨૫ વર્ષોથી ફરાર આરોપી મોનિકા કપૂરને અમેરિકાથી કસ્ટડીમાં ભારત લાવવામાં આવી રહી છે. આ કાર્યવાહી ૯ જુલાઈ ૨૦૨૫ના રોજ પૂર્ણ થઈ હતી. મોનિકા કપૂર વર્ષ ૨૦૦૨ના આયાત-નિકાસ છેતરપિંડીના કેસમાં મુખ્ય આરોપી હતી. ભારત અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય પ્રત્યાર્પણ સંધિ હેઠળ ન્યૂ યોર્કના પૂર્વીય જિલ્લા માટે યુનાઇટેડ સ્ટેટ્સ ડિસ્ટ્રિક્ટ કોર્ટ (United States District Court for the Eastern District of New York)એ મોનિકા કપૂરના પ્રત્યાર્પણને મંજૂરી આપી હતી. વિદેશ મંત્રીએ કપૂરના દાવાને ફગાવી દીધો હતો કે, ભારત પરત ફરતી વખતે તેણીને ત્રાસ આપવામાં આવશે અને તેની સામે સરેન્ડર વોરંટ જારી કર્યું હતું. કથિત છેતરપિંડી બાદ કપૂર વર્ષ ૧૯૯૯માં અમેરિકા ભાગી ગઈ હતી.
ADVERTISEMENT
મોનિકા ઓવરસીઝ (Monika Overseas)ની માલિક મોનિકા કપૂરે તેના બે ભાઈઓ રાજન ખન્ના અને રાજીવ ખન્ના સાથે મળીને શિપિંગ બિલ, ઇન્વોઇસ અને બેંક સર્ટિફિકેટ જેવા નકલી નિકાસ દસ્તાવેજો તૈયાર કર્યા હતા. આ નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરીને, તેણે ૧૯૯૮માં છ રિપ્લેનિશમેન્ટ લાઇસન્સ મેળવ્યા, જેનો ઉપયોગ કરીને તેણે ૨.૩૬ કરોડ રૂપિયાનું ડ્યુટી-ફ્રી સોનું આયાત કર્યું. ત્યારબાદ આ લાઇસન્સ અમદાવાદ (Ahmedabad) સ્થિત કંપની, ડીપ એક્સપોર્ટ્સ (Deep Exports)ને પ્રીમિયમ પર વેચી દેવામાં આવ્યા. ડીપ એક્સપોર્ટ્સે આનો ઉપયોગ સોનાની આયાત કરવા માટે કર્યો, જેનાથી સરકારને ૧.૪૪ કરોડ રૂપિયાનું નુકસાન થયું.
સીબીઆઈની તપાસ બાદ, ૩૧ માર્ચ ૨૦૦૪ના રોજ મોનિકા કપૂર, રાજન ખન્ના અને રાજીવ ખન્ના વિરુદ્ધ IPC ની કલમ 120-B, 420, 467, 468 અને 471 હેઠળ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. દિલ્હી (Delhi)ની સાકેત કોર્ટે ૨૦ ડિસેમ્બર ૨૦૧૭ના રોજ રાજન અને રાજીવ ખન્નાને દોષિત ઠેરવ્યા હતા. પરંતુ મોનિકા કપૂર તપાસ અને ટ્રાયલથી દૂર રહી. ૧૩ ફેબ્રુઆરી ૨૦૦૬ના રોજ કોર્ટે તેને જાહેર ગુનેગાર જાહેર કરી હતી અને ૨૦૧૦માં તેની સામે રેડ કોર્નર નોટિસ જારી કરવામાં આવી હતી.
સીબીઆઈએ ૨૦૧૦માં અમેરિકાથી મોનિકા કપૂરના ભારત પ્રત્યાર્પણ માટે વિનંતી મોકલી હતી. લાંબી કાનૂની પ્રક્રિયા અને અમેરિકન એજન્સીઓ સાથે સતત સંકલન પછી, આખરે તેને ભારત લાવવામાં આવી. સીબીઆઈ ટીમ પોતે અમેરિકા ગઈ અને તેને કસ્ટડીમાં લઈને ભારત પરત ફરી. હવે મોનિકા કપૂરને ભારતીય કોર્ટમાં રજૂ કરવામાં આવશે. જ્યાં તે તેના પર લાગેલા આરોપોનો સામનો કરશે. આ કેસમાં ઘણા લોકો પહેલાથી જ તપાસ હેઠળ છે. હવે ભારતમાં વધુ તપાસ હાથ ધરવામાં આવશે.

