વડા પ્રધાને કહ્યું કે શિપિંગ લેન ખુલ્લી અને સલામત રહેવી જોઈએ
નરેન્દ્ર મોદી
ઈદ નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઈરાનના પ્રેસિડન્ટ ડૉ. મસૂદ પેઝેશ્કિયાન સાથે ફોન પર વાત કરી હતી અને ઈદ અને નવરોઝની શુભેચ્છાઓ પાઠવી હતી. ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં વડા પ્રધાને જણાવ્યું હતું કે ઈરાની પ્રેસિડન્ટ સાથેની વાતચીતમાં આશા વ્યક્ત કરી હતી કે આ તહેવારોની મોસમ પશ્ચિમ એશિયામાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ લાવશે.
નરેન્દ્ર મોદીએ હોર્મુઝ સ્ટ્રેટ મુદ્દે શિપિંગ લેન ખુલ્લી અને સલામત રાખવાના મહત્ત્વ પર પણ ભાર મૂક્યો હતો. તેમણે દોહરાવ્યું હતું કે સમુદ્રમાર્ગોની સુરક્ષા વૈશ્વિક વેપાર અને ઊર્જાસુરક્ષા માટે જરૂરી છે.
ADVERTISEMENT
આ વાતચીત બાદ નરેન્દ્ર મોદીએ સોશ્યલ મીડિયા પર લખ્યું હતું કે ‘પ્રેસિડન્ટ ડૉ. મસૂદ પેઝેશ્કિયાન સાથે વાત કરી. તેમને ઈદ અને નવરોઝની શુભેચ્છા પાઠવી. અમે આશા વ્યક્ત કરી કે આ તહેવારોની મોસમ પશ્ચિમ એશિયામાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ લાવશે. પ્રદેશમાં મહત્ત્વપૂર્ણ માળખાગત સુવિધાઓ પરના હુમલાઓની નિંદા કરી, જે પ્રાદેશિક સ્થિરતાને જોખમમાં મૂકે છે અને વૈશ્વિક પુરવઠા શૃંખલાઓને વિક્ષેપ કરે છે. નેવિગેશનની સ્વતંત્રતાનું રક્ષણ કરવાના મહત્ત્વને પુનરાવર્તિત કર્યું અને ખાતરી કરી કે શિપિંગ લેન ખુલ્લી અને સલામત રહે. ઈરાનમાં ભારતીય નાગરિકોની સલામતી માટે ઈરાનના સતત સમર્થનની પ્રશંસા કરી.’
ડાયલૉગ અને ડિપ્લોમસીની રણનીતિ
ઈરાન લશ્કરી સંઘર્ષ વચ્ચે ભારત ડાયલૉગ અને ડિપ્લોમસીની રણનીતિનો અસરકારક રીતે ઉપયોગ કરી રહ્યું છે. નરેન્દ્ર મોદી પશ્ચિમ એશિયાના નેતાઓ સાથે સતત વાત કરી રહ્યા છે. બુધવાર અને ગુરુવાર વચ્ચેના માત્ર ૨૪ કલાકમાં તેમણે પાંચ દેશોના નેતાઓ સાથે વાત કરી હતી. તેમણે કુવૈતના ક્રાઉન પ્રિન્સ, ઓમાનના સુલતાન, ફ્રાન્સના પ્રેસિડન્ટ મૅક્રૉન, મલેશિયાના વડા પ્રધાન અને કતરના અમીર શેખ તમીમ બિન હમાદ અલ થાની સાથે ફોન પર વાત કરીને ઈદની અગાઉથી શુભેચ્છાઓ પાઠવી હતી.
