અમેરિકાના કૉમર્સ મિનિસ્ટરનો દાવો
અમેરિકાના કૉમર્સ મિનિસ્ટર હૉવર્ડ લુટનિક
ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ-ડીલ હજી સુધી કેમ થઈ નથી એ વિશે એક મોટું નિવેદન આપતાં અમેરિકાના કૉમર્સ મિનિસ્ટર હૉવર્ડ લુટનિકે દાવો કર્યો હતો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પને ફોન નથી કર્યો એટલે આ ડીલ અટકી પડી છે. એક પૉડકાસ્ટમાં બોલતાં લુટનિકે કહ્યું હતું કે ‘સ્પષ્ટપણે કહીએ તો આ અમેરિકન પ્રેસિડન્ટની ડીલ હતી. તેઓ અંતિમ નિર્ણય લે છે. બધું પૂર્વઆયોજિત હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફક્ત પ્રેસિડન્ટને ફોન કરવાનો હતો. તેમણે આમ કરવામાં અસ્વસ્થતા અનુભવી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફોન ન કર્યો એટલે ટ્રેડ-ડીલ થઈ નહીં.’
લુટનિકનું નિવેદન એવું સૂચવે છે કે ડોનલ્ડ ટ્રમ્પ ઇચ્છે છે કે નરેન્દ્ર મોદી તેમની સાથે નમીને વાત કરે. ટ્રમ્પે પોતાના અહંકારને ધ્યાનમાં લઈને આ ટ્રેડ-ડીલ અટકાવી દીધી છે.
ADVERTISEMENT
રશિયન તેલ ખરીદતા દેશો પર અમેરિકા ઓછામાં ઓછા ૫૦૦ ટકા ટૅરિફ લાદી શકે છે એવા એક બિલને ગુરુવારે ડોનલ્ડ ટ્રમ્પે મંજૂરી આપ્યા આ નિવેદન બાદ આવ્યું છે, જેનો હેતુ આવા દેશોને સજા કરવાનો છે. અમેરિકન સેનેટર લિન્ડસે ગ્રેહામે જણાવ્યું હતું કે આ બિલ ચીન, ભારત અને બ્રાઝિલ જેવા દેશો સામે અમેરિકાને જબરદસ્ત લાભ આપશે જેથી તેઓ સસ્તું રશિયન તેલ ખરીદવાનું બંધ કરી શકે.
ભારત-અમેરિકા ટ્રેડ-ડીલ
ફેબ્રુઆરીમાં બન્ને દેશોના નેતાઓએ અધિકારીઓને વાટાઘાટો શરૂ કરવા નિર્દેશ આપ્યો હતો, જેમાં ૨૦૨૫ના પાનખર સુધીમાં પ્રથમ તબક્કો પૂરો કરવાનો પ્રારંભિક લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. જોકે આ સોદો હજી પણ અટકેલો છે, કારણ કે ભારતનો રશિયા સાથેનો વેપાર મુખ્ય મુદ્દો રહ્યો છે.
ઑગસ્ટમાં અમેરિકાએ ભારતીય આયાત પર વધારાની ટૅરિફ લગાવી દીધી હતી અને આરોપ લગાવ્યો હતો કે નવી દિલ્હી રશિયન તેલની ખરીદી કરીને યુક્રેનમાં મૉસ્કોના યુદ્ધમશીનને બળ આપી રહી છે. ત્યારથી ભારતીય માલ પર કુલ ટૅરિફ ૫૦ ટકા છે, જેમાં વધારાની ટૅરિફના ૨૫ ટકા અને ટ્રમ્પની પારસ્પરિક ટૅરિફના ૨૫ ટકાનો સમાવેશ થાય છે.
ટ્રેડ-ડીલની ટ્રેન ૩ અઠવાડિયાં પહેલાં સ્ટેશનથી રવાના થઈ હતી : અમેરિકા
અમેરિકાના કૉમર્સ મિનિસ્ટર હૉવર્ડ લુટનિકે કહ્યું હતું કે ‘ભારત સાથે સમગ્ર ટ્રેડ-ડીલ નક્કી હતી. ટ્રમ્પ પોતે એને પૂરી કરવા માગતા હતા. ભારતને વાટાઘાટોને અંતિમ સ્વરૂપ આપવા માટે ૩ શુક્રવારનો સમય આપવામાં આવ્યો હતો. અમે ભારતને કહ્યું હતું કે તમારી પાસે ટ્રેડ-ડીલ પર હસ્તાક્ષર કરવા માટે ૩ શુક્રવાર છે. અમે વિચાર્યું હતું કે ભારત સાથેની ડીલ પહેલાં નક્કી થશે. બીજા અઠવાડિયામાં અમે ઇન્ડોનેશિયા, ફિલિપીન્સ, વિયેટનામ સાથે ટ્રેડ-ડીલની જાહેરાત કરી હતી; પણ આમાં ભારત પાછળ રહી ગયું હતું. ભારતના વિલંબથી અન્ય દેશોને ફાયદો થયો. બાદમાં ભારતે પાછો ફોન કર્યો અને કહ્યું કે ઠીક છે, અમે તૈયાર છીએ. મેં કહ્યું કે શું તમે ૩ અઠવાડિયાં પહેલાં સ્ટેશનથી રવાના થયેલી ટ્રેન માટે તૈયાર છો? તમે જાણો છો કે ક્યારેક લોકો ખોટી બાજુ હોય છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફોન ન કર્યો હોવાથી અમે ઇન્ડોનેશિયા, ફિલિપીન્સ અને વિયેટનામ સાથે ટ્રેડ-ડીલ પર હસ્તાક્ષર કર્યા હતા. બ્રિટનના વડા પ્રધાન કીર સ્ટાર્મરે સમયમર્યાદા પહેલાં ટ્રમ્પને વ્યક્તિગત રીતે ફોન કર્યો હતો અને બીજા જ દિવસે ડીલની જાહેરાત કરવામાં આવી હતી.’


