વળતા જવાબમાં ઈરાને MQ-9 ડ્રોન તોડી પાડ્યું, F-35ને ખદેડી મૂક્યું
પ્રતીકાત્મક તસવીર
ઈરાન-અમેરિકા યુદ્ધનો બીજો તબક્કો શરૂ થઈ ગયો છે. એક તરફ યુદ્ધવિરામ લંબાવવાની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ સાઉથ ઈરાનમાં અમેરિકાએ સ્ટ્રાઇક કરી હતી. ઇઝરાયલે હિઝબુલ્લા પર હુમલો કર્યો છે. આ કાર્યવાહી બાદ ઇસ્લામિક રેવૉલ્યુશનરી ગાર્ડ્સ કૉર્ઝ (IRGC)એ એક અમેરિકન ડ્રોન MQ-9ને તોડી પાડ્યું હતું અને F-35ને એના હવાઈ ક્ષેત્રમાંથી ભગાડી દીધું હતું. ઈરાને અમેરિકાને ચેતવણી આપી છે કે જો યુદ્ધવિરામનું ઉલ્લંઘન થયું તો ઈરાન વળતી કાર્યવાહી કરવાનો અધિકાર રાખે છે. અમેરિકાએ દાવો કર્યો હતો કે અમે આત્મસુરક્ષામાં ઈરાનની બોટ પર હુમલા કર્યા હતા.
બકરી ઈદના મોકા પર ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈએ તેમના સંદેશમાં કહ્યું હતું કે ખાડી દેશોમાં અમેરિકાના બેઝ હવે સુરક્ષિત નથી, તેઓ હવે અમેરિકા માટે ઢાલ તરીકે કામ કરી શકશે નહીં.
ADVERTISEMENT
પાકિસ્તાનને ઇઝરાયલ સાથે મિત્રતા મંજૂર નથી: અમેરિકન પ્રેસિડન્ટ ટ્રમ્પની વિનંતીને નકારી દીધી
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે સોમવારે પાકિસ્તાનને અબ્રાહમ અકૉર્ડમાં જોડાઈ જવાની અને ઇઝરાયલને ઔપચારિક રીતે માન્યતા આપવાની વાત કરી હતી. ટ્રમ્પે એને ઈરાન સાથેના ઔપચારિક શાંતિકરાર સાથે જોડ્યું હતું, પણ એને કારણે પાકિસ્તાન જબરદસ્ત દ્વિધામાં હતું કારણ કે એના માટે એક તરફ ખાઈ છે અને બીજી તરફ કૂવો છે. એણે હજી સુધી ઇઝરાયેલને માન્યતા આપી નથી અને જો ટ્રમ્પની વિનંતીને નકારે તો અમેરિકા સાથે વેર થવાની શક્યતા છે. જોકે આ મુદ્દે પાકિસ્તાનના સંરક્ષણપ્રધાન ખ્વાજા આસિફે કહ્યું હતું કે ‘પાકિસ્તાન એની મૂળભૂત વિચારધારા સાથે સમાધાન કરે એ અસ્વીકાર્ય છે. પાકિસ્તાને એના ૭૮ વર્ષના ઇતિહાસમાં ક્યારેય ઇઝરાયલને માન્યતા આપી નથી. પાકિસ્તાનના નાગરિકો તેમના પાકિસ્તાની પાસપોર્ટ પર ઇઝરાયલની મુસાફરી કરી શકતા નથી. ઇઝરાયલ પર પાકિસ્તાનનું લાંબા સમયથી રહેલું વલણ એને અબ્રાહમ અકૉર્ડમાં જોડાવા દેશે નહીં. મને નથી લાગતું કે આપણે એવા કોઈ અકૉર્ડમાં જોડાવું જોઈએ જે આપણી મૂળભૂત વિચારધારાઓ સાથે ટકરાય. તમે એવા લોકો સાથે કેવી રીતે બેસશો જેમની વાત પર એક દિવસ પણ વિશ્વાસ ન કરી શકાય? અમારા પાસપોર્ટ પર અમે એકમાત્ર દેશ છીએ જેના પાસપોર્ટમાં ઇઝરાયલનું નામ પણ નથી. અમારું સ્પષ્ટ વલણ છે કે આ અમને સ્વીકાર્ય નથી.’
ઈરાનમાં ૮૭ દિવસ પછી ઇન્ટરનેટ-સર્વિસ શરૂ
ઈરાનમાં લગભગ ૩ મહિના લાંબા ડિજિટલ બ્લૅકઆઉટ પછી ઇન્ટરનેટ અને સંદેશવ્યવહાર સેવાઓ પુનઃ સ્થાપિત કરવાની મંજૂરી આપી છે. ઇન્ટરનેટ-સર્વિસ બંધ કર્યાના ૮૭ દિવસ બાદ આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે લાંબા વિરોધ, પ્રાદેશિક તનાવ અને સાઇબર પ્રતિબંધોને કારણે દેશ વૈશ્વિક ઇન્ટરનેટ નેટવર્કથી લગભગ કપાઈ ગયો હતો. અમેરિકા અને ઇઝરાયલ સાથે તનાવ વધ્યા બાદ ૨૮ ફેબ્રુઆરીએ ઈરાનમાં ઇન્ટરનેટ-સર્વિસ પર કડક પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા. પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ કે ઘણાં ડિજિટલ પ્લૅટફૉર્મ અને ઑનલાઇન સર્વિસ સામાન્ય નાગરિકો માટે સંપૂર્ણપણે બંધ થઈ ગઈ હતી. આનાથી વ્યવસાય, શિક્ષણ અને સંદેશવ્યવહાર પર નોંધપાત્ર અસર પડી હતી. સરકારે ગઠિત કરેલી સમિતિએ કરેલી ભલામણ બાદ ઇન્ટરનેટ-સર્વિસ શરૂ કરવામાં આવી છે.
