ઑઇલ પ્રોડક્ટ્સ લઈ જતા આ જહાજમાં ૧૬ ભારતીયો સહિત કુલ ૨૦ ક્રૂ-મેમ્બર્સ છે.
પ્રતીકાત્મક તસવીર
યમન અને સોમાલિયાના દરિયાકાંઠે ચાંચિયાઓએ બે અલગ-અલગ જહાજોનું અપહરણ કર્યું છે. આ બન્ને જહાજોમાં કુલ બાવીસ ભારતીય નાગરિકો ફસાયા છે. ૨૦ ઑગસ્ટના રોજ યમનના દરિયાકાંઠે ગલ્ફ ઑફ એડનમાં ઈસ્ટ આફ્રિકન દેશ ઇરિટ્રિયાના ધ્વજવાળા મોટર ટૅન્કરને હાઇજૅક કરવામાં આવ્યું હતું. ઑઇલ પ્રોડક્ટ્સ લઈ જતા આ જહાજમાં ૧૬ ભારતીયો સહિત કુલ ૨૦ ક્રૂ-મેમ્બર્સ છે.
અન્ય ઘટનામાં ૧૭ ઑગસ્ટે સોમાલિયાના પન્ટલેન્ડ કાંઠે કૅમરનના ધ્વજવાળા મોટર વેસલનું અપહરણ કરવામાં આવ્યું હતું. આ જહાજમાં ૬ ભારતીયો સહિત કુલ ૧૦ સભ્યો છે. એ મોગાદિશુમાં આવેલા ટર્કીના એક લશ્કરી તાલીમકેન્દ્ર માટે હથિયારો અને સૅટેલાઇટ સાધનો લઈ જઈ રહ્યું હતું.
ADVERTISEMENT
અહેવાલ મુજબ અગાઉ ૨૬ એપ્રિલે અન્ય એક જહાજના અપહરણમાં સામેલ ૮ ચાંચિયાઓના જૂથે જ આ ઘટનાને અંજામ આપ્યો હોવાની શક્યતા છે. ઘટના બાદ ટર્કીના હેલિકૉપ્ટર અને ડ્રોન દ્વારા આ વિસ્તારમાં સઘન દેખરેખ શરૂ કરાઈ હતી. મંગળવારે જહાજ નજીક એક નાની હોડી આવ્યા બાદ ત્યાં અજ્ઞાત ઍરસ્ટ્રાઇક થઈ હતી, જેમાં ૪ લોકો માર્યા ગયા છે અને બે લોકો ઘાયલ થયા છે.
