એક યુનિવર્સિટીના કૅમ્પસમાં વિદ્યાર્થીઓને સંબોધતી વખતે ચાર્લી કર્કના મર્ડરથી અમેરિકામાં ચકચાર મચી ગઈ
યુનિવર્સિટીમાં ભાષણ આપી રહેલા ચાર્લી કર્ક પર ગોળીબારની ઘટના CCTV કૅમેરામાં કેદ થઈ હતી. ઘાયલ ચાર્લીને તાત્કાલિક ઉપાડીને હૉસ્પિટલમાં લઈ ગયા હતા, પણ તેમનો જીવ બચાવી શકાયો નહોતો.
અમેરિકાના કન્ઝર્વેટિવ ઍક્ટિવિસ્ટ અને પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પના અત્યંત નજીકના મિત્ર ગણાતા ચાર્લી કર્કની ગઈ કાલે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. એક યુનિવર્સિટીના કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચેલા ચાર્લી પર ડિબેટ દરમ્યાન હુમલો થયો હતો. તેમને તાત્કાલિક નજીકની હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પણ એ પહેલાં તેમનું મૃત્યુ થઈ ગયું હતું. ડોનલ્ડ ટ્રમ્પે સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું હતું કે ચાર્લી હવે આપણી વચ્ચે નથી રહ્યો, તે મહાન અને લેજન્ડરી હતો.
૩૧ વર્ષના ચાર્લી ઇઝરાયલના પણ ખૂબ કટ્ટર સમર્થક હતા. ૨૦૧૬થી તેમણે ડોનલ્ડ ટ્રમ્પ માટે યુવાઓમાં જોરદાર પ્રચાર કર્યો હતો. યુવા રિપબ્લિકન વોટર્સને એકસાથે લાવવામાં તેમણે મહત્ત્વની ભૂમિકા નિભાવી હતી. બુધવારે ચાર્લી અમેરિકાની તેમની ‘ધ અમેરિકન કમબૅક ટૂર’ હેઠળ એક યુનિવર્સિટીમાં ભાષણ આપી રહ્યા હતા ત્યારે અચાનક ગોળીબાર થયો હતો. શૂટરે એક જ ગોળી ચલાવી હતી, પણ એ સીધી ચાર્લીના ગળામાં જઈને વાગી હતી. ગોળીબારની થોડી જ મિનિટ પહેલાં ચાર્લીએ જાહેરમાં થતા સામૂહિક ગોળીબાર પર જ ચર્ચા કરી હતી. ગોળીબારની સમગ્ર ઘટના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરામાં કેદ થઈ હતી. આ ઘટના પછી પોલીસે કૅમ્પસને લૉક કરી દીધું હતું. પોલીસે આ કેસમાં પૂછપરછ માટે એક વ્યક્તિની ધરપકડ કરી હતી.
ADVERTISEMENT
ચાર્લી કિર્કની હત્યાથી ગુસ્સે ભરાયેલા ડોનલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે કોઈને છોડવામાં નહીં આવે. ચાર્લી કર્કની હત્યાને લીધે અમેરિકાની રાજનીતિમાં પણ હડકંપ મચી ગયો હતો. ડેમોક્રૅટિક અને રિપબ્લિકન બન્ને પક્ષોએ હત્યાની નિંદા કરી હતી. રિપબ્લિકન પાર્ટીના નેતાઓએ આ હત્યાને રાજકીય હત્યા ગણાવી હતી. ડોનલ્ડ ટ્રમ્પ પ્રશાસને સરકારી ઇમારતો પર રાષ્ટ્રધ્વજને અડધો ઝુકાવી દેવાનો આદેશ આપ્યો હતો.
ચાર્લી કર્કે ટ્રમ્પને ભારત-પાકિસ્તાન સંઘર્ષથી દૂર રહેવાની સલાહ આપી હતી
પહલગામ હુમલા પછી મે મહિનામાં ભારતે ઑપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં રહેલા આતંકવાદી ઠેકાણાંને ધ્વસ્ત કરી દીધાં હતાં અને એ પછી બન્ને દેશ વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ ગઈ હતી ત્યારે ચાર્લી કર્કે એક પૉડકાસ્ટમાં કહ્યું હતું કે ‘આ યુદ્ધ અમેરિકાનું નથી. અમેરિકાએ આનાથી દૂર જ રહેવું જોઈએ. પાકિસ્તાન એક ધોકેબાજ દેશ છે. એણે જ ઓસામા બિન લાદેનને છુપાડી રાખ્યો હતો. ભારત ઑપરેશન સિંદૂર દ્વારા ઇસ્લામિક આતંકવાદ વિરુદ્ધ એક રીતે યોગ્ય કાર્યવાહી કરી રહ્યું છે. અમેરિકાએ માત્ર એનું નૈતિક સમર્થન કરવું જોઈએ, બાકી દૂર રહેવું જોઈએ.’

