જોકે ૩૦ દિવસ સુધી યુક્રેનના ઊર્જા ઉપક્રમો પર હુમલા નહીં કરવા સંમત થયા
ડોનલ્ડ ટ્રમ્પ અને વ્લાદિમીર પુતિન
રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન ગઈ કાલે યુક્રેનના ઊર્જા ઉપક્રમો પર અસ્થાયીરૂપે ૩૦ દિવસ માટે હુમલા નહીં કરવા પર સંમત થયા હતા, પણ ૩૦ દિવસના પૂર્ણ યુદ્ધવિરામને સમર્થન આપવાનો ઇનકાર કર્યો હતો.
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ અને પુતિને મંગળવારે ફોનમાં બે કલાકથી વધુ સમય સુધી વાતચીત કરી હતી. ટ્રમ્પને આશા હતી કે પુતિન યુક્રેન પર ૩૦ દિવસ સુધી સંપૂર્ણ યુદ્ધવિરામ માટે સંમત થશે જે કાયમી શાંતિ કરાર તરફનું પહેલું પગલું હશે.
ADVERTISEMENT
બીજી તરફ યુક્રેને કહ્યું હતું કે તે સ્કેલ્ડ-બૅક કરારને સમર્થન આપશે જેમાં બેઉ દેશો એકબીજાની ઊર્જા ફેસિલિટી પર હુમલા નહીં કરે.
રશિયાનાં લશ્કરી દળો પૂર્વ યુક્રેન તરફ આગળ વધી રહ્યાં છે અને એથી પુતિને નોંધપાત્ર છૂટછાટો આપવાનું ટાળ્યું હતું.
ડોનલ્ડ ટ્રમ્પ સાથે વાતચીત થયા બાદ પુતિને રશિયન મિલિટરીને ઊર્જા ફૅસિલિટી પર હુમલા નહીં કરવાનો આદેશ આપ્યો હતો. જોકે રશિયાએ એ ચિંતા વ્યક્ત કરી હતી કે કામચલાઉ યુદ્ધવિરામ યુક્રેનને વધુ સૈનિકો અને ફરીથી સશસ્ત્ર અને એકત્ર થવાની તક આપી શકે છે. કોઈ પણ ઠરાવ માટે યુક્રેનને અપાતી તમામ લશ્કરી અને ગુપ્તચર સહાયનો અંત લાવવો જોઈએ એ રશિયાની માગણી છે.

