SCO બેઠકમાં પાકિસ્તાનની સામે જ ભારતે કડક સંદેશ આપ્યો છે. રાજનાથ સિંહે પાકિસ્તાન સામે જ જણાવ્યું કે આંતકવાદ પર ભારતની `ઝીરો ટોલરન્સ` પોલિસી છે. તેમણે પહેલગામ એટેક અને `ઑપરેશન સિંદૂર`નો ઉલ્લેખ કર્યો. રાજનાથ સિંહે આંતકવાદ પરના ડબલ સ્ટાન્ડર્ડને વખોડ્યા
રાજનાથ સિંહ - ફાઈલ તસવીર
રક્ષામંત્રી રાજનાથ સિંહે પહેલગામનો ઉલ્લેખ કરીને પાકિસ્તાનને બરાબરનું સંભળાવ્યું. SCO રક્ષામંત્રીઓની બેઠકમાં ભારતે પહેલગામ એટેકનો ઉલ્લેખ કરી આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો હતો. ખાસ વાત એ રહી કે આ બેઠકમાં પાકિસ્તાન પણ હાજર હતું. તક જોઈને રક્ષામંત્રી રાજનાથ સિંહે સીમાપાર આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો અને પહેલગામ એટેક પર આકરા પ્રહાર કર્યા. રાજનાથ સિંહે પાકિસ્તાનનું નામ લીધા વગર સ્પષ્ટપણે કહ્યું કે ભારતની આતંકવાદ પર ઝીરો ટોલરન્સ પોલિસી છે. SCO બેઠકમાં પાકિસ્તાન સામે ભારતે કડક સંદેશ આપ્યો કે આતંકવાદ પર કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં. એટલું જ નહીં, એમ પણ કહ્યું કે આતંકવાદ પર ડબલ સ્ટાન્ડર્ડવાળી ગેમ નહીં ચાલે. આતંકવાદ પર બેવડા માપદંડો માટે કોઈ જગ્યા નથી.
ઑપરેશન સિંદૂરની પ્રસંશા
ADVERTISEMENT
રક્ષામંત્રીએ પાકિસ્તાન સામે સ્પષ્ટ કર્યું કે આજે વિશ્વ ઉગ્રવાદ, કટ્ટરવાદ અને આતંકવાદ જેવી મોટી પડકારોનો સામનો કરી રહ્યું છે. આ ઉભરતી વૈશ્વિક વ્યવસ્થા માટે સૌથી મોટો ખતરો છે. તેમણે પહેલગામ આતંકી હુમલાનો ઉલ્લેખ કરતા કહ્યું કે આ ઘટનાએ સમગ્ર માનવતાને હચમચાવી દીધી હતી. ભારતે `ઑપરેશન સિંદૂર` દ્વારા બતાવ્યું છે કે આતંકવાદના ઠેકાણાઓને હવે છોડવામાં આવશે નહીં. રાજનાથ સિંહે ભારપૂર્વક જણાવ્યું કે આતંકવાદનો કોઈ ધર્મ કે રાષ્ટ્રીયતા હોતી નથી અને તેની સામે લડવા માટે તમામ દેશોએ એક થઈને સતત કાર્યવાહી કરવી પડશે.
રાજનાથ સિંહના સંબોધનની મુખ્ય વાતો:
- થોડા દિવસો પહેલા 22 એપ્રિલે અમે પહેલગામમાં થયેલા જઘન્ય આતંકી હુમલાના પીડિતોને યાદ કર્યા. પહેલગામમાં થયેલી આ હિંસાએ સમગ્ર માનવતાને હચમચાવી દીધી.
- ઓપરેશન સિંદૂર દરમિયાન અમે અમારા દૃઢ સંકલ્પનું પ્રદર્શન કર્યું કે આતંકવાદના કેન્દ્રો હવે ઉચિત દંડથી અછૂતા રહેશે નહીં.
- ગયા વર્ષે તિયાનજિન ઘોષણાએ આતંકવાદ વિરુદ્ધના અમારા સામૂહિક વલણને સ્પષ્ટ કર્યું હતું.
- આ આતંકવાદ અને તેના કર્તાઓ પ્રત્યેની અમારી ઝીરો ટોલરન્સ પોલિસીનું પ્રમાણ હતું. પરંતુ આપણી સામૂહિક વિશ્વસનીયતાની અસલી કસોટી સાતત્યમાં રહેલી છે.
શાંતિ અને મુત્સદ્દીગીરી જ રસ્તો, યુદ્ધ નહીં એમ રાજનાથ સિંહે ભાર પૂર્વક કહ્યું હતું. ઈરાન જંગ અને પશ્ચિમ એશિયાની સ્થિતિ પર પણ રાજનાથ સિંહે સંદેશ આપ્યો. તેમણે કહ્યું કે SCO વિશ્વની મોટી વસ્તીનું પ્રતિનિધિત્વ કરે છે, તેથી પ્રાદેશિક જ નહીં પરંતુ વૈશ્વિક શાંતિ અને સ્થિરતા સુનિશ્ચિત કરવી એ આપણી જવાબદારી છે. તેમણે ભાર મૂક્યો કે આપણે સંવાદ અને મુત્સદ્દીગીરીના માર્ગ પર ચાલવું જોઈએ, ન કે સતત બળપ્રયોગના માર્ગ પર. તેમણે કહ્યું કે આ સમય હિંસા અને યુદ્ધનો નહીં પણ શાંતિ અને સમૃદ્ધિનો હોવો જોઈએ. મહાત્મા ગાંધીના સંદેશને યાદ કરતા રક્ષામંત્રીએ કહ્યું કે આંખના બદલે આંખ સમગ્ર વિશ્વને અંધ બનાવી દે છે.
