ચારનાં મૃત્યુ, ૨૪ કલાકમાં ૩૩૦ લોકોને બચાવી લેવાયા : મહિનાના સરેરાશ વરસાદથી ચાર ગણું પાણી ૨૪ કલાકમાં વરસી જતાં રસ્તાઓ ધોવાયા, નદીઓમાં ઘોડાપૂર આવ્યાં
સિડનીની ઉત્તરે આવેલા શહેર પોર્ટ મૅક્વૉરીમાં પૂરનાં પાણી ફરી વળ્યાં છે
અરબી સમુદ્રમાં વાતાવરણના પલટાના કારણે ભારતમાં અત્યારે પ્રી-મૉન્સૂન શાવર્સ વરસી રહ્યા છે ત્યારે ક્લાઇમેટ ચેન્જના કારણે ઑસ્ટ્રેલિયાના ન્યુ સાઉથ વેલ્સમાં કદી ન જોવા મળ્યો હોય એવો વરસાદ છેલ્લા બે-ત્રણ દિવસથી વરસી રહ્યો છે. વરસાદી આફતમાં અત્યાર સુધીમાં બે મહિલા સહિત ચારનાં મૃત્યુ થયાં છે અને ઘણા લોકો ગુમ છે. ૨૪ કલાકમાં ૩૩૦ લોકોને હેલિકૉપ્ટરથી બચાવી લેવામાં આવ્યા છે.
ADVERTISEMENT
ઑસ્ટ્રેલિયાના આ વિસ્તારમાં એક મહિનામાં જેટલો સરેરાશ વરસાદ પડે એનાથી ચાર ગણું પાણી માત્ર ૨૪ કલાકમાં વરસી જતાં રસ્તાઓ ધોવાઈ ગયા છે, નદીઓમાં ઘોડાપૂર આવ્યાં છે અને ચોમેર પાણી જ પાણી દેખાય છે. સૌથી વધારે ખરાબ અસર ન્યુ સાઉથ વેલ્સના ટરી, કૅમ્પસી, બેલિન્જન, કોફ્સ હાર્બર, પોર્ટ મૅક્વૉરી અને ગ્લેનથોર્ન શહેરમાં થઈ છે. બચાવકાર્ય માટે હવે હવાઈ માર્ગ પર આધાર છે. લોકોને હેલિકૉપ્ટરથી બચાવી લેવા માટે તેમને છતો પર ઊભા રહેવાનું કહેવામાં આવ્યું છે. લોકોને સલામત આશ્રય સ્થાનોમાં ખસેડવા માટે ૧૪ સેન્ટરો ખોલવામાં આવ્યાં છે.
ઑસ્ટ્રેલિયામાં સૌથી વધુ વસ્તી ધરાવતા સાઉથઈસ્ટ કિનારે આવેલા રાજ્ય ન્યુ સાઉથ વેલ્સના હન્ટર અને મિડ નૉર્થ કોસ્ટ પ્રદેશોમાં ઘણાં ગ્રામીણ નગરોમાં ભારે પૂર આવ્યું છે જેમાં મોટા ભાગના મિડ નૉર્થ કોસ્ટ પ્રદેશ ગુરુવાર સુધી ભારે વરસાદનો સામનો કરી રહ્યા હતા. શહેરોનો સંપર્ક તૂટી ગયો છે. આગામી ૨૪ કલાકમાં વધુ વરસાદની અપેક્ષા છે.
ન્યુ સાઉથ વેલ્સનાં ગ્રામીણ નગરોમાં ભારે પૂરની પરિસ્થિતિ છે, આશરે ૧૦૦થી વધુ સ્કૂલોને બંધ કરી દેવામાં આવી છે અને હજારો લોકોનાં ઘરોનો વીજપુરવઠો બંધ છે.
ડિઝૅસ્ટર મૅનેજમેન્ટે પૂરની ૧૪૦ ચેતવણી આપી છે અને જ્યાં પૂર આવી શકે એવા વિસ્તારોમાં આશરે ૫૦,૦૦૦ લોકો રહે છે, સ્થળાંતર કરવાની તૈયારી કરવાનું કહેવામાં આવ્યું છે.

