પૂરના ધસમસતા પાણીમાં અનેક વાહનો તણાઈ ગયાં, રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા, વહીવટી તંત્રે લોકોને ઘરમાં જ રહેવાની કડક સૂચના આપી
જળબંબાકાર રસ્તો અને પાણીના પ્રવાહને કારણે એકમેક પર ચડી ગયેલાં વાહનો.
ગ્રીસ અને ટર્કીમાં ભયાનક તોફાની વરસાદને કારણે ભારે વિનાશ સર્જાયો છે. ટર્કીના સૌથી મોટા શહેર ઇસ્તાંબુલમાં વર્ષ ૧૯૮૫ પછીનો સૌથી ભારે વરસાદ ખાબકતાં આખું શહેર પાણીમાં ગરકાવ થઈ ગયું છે. અચાનક આવેલા આ પૂરમાં રસ્તાઓ ધસમસતી નદીઓમાં ફેરવાઈ ગયા હતા અને અનેક વાહનો પાણીમાં તણાઈ ગયાં હતાં. આ કુદરતી હોનારતમાં બે લોકોનાં કરુણ મોત નીપજ્યાં હતાં. ફાતિહ વિસ્તારમાં પાર્કમાં ભરાયેલા પાણીમાં ઇલેક્ટ્રિક કરન્ટ લાગવાથી ૧૪ વર્ષના બાળકનું મોત થયું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિનું લપસી જવાથી માથામાં ગંભીર ઈજા પહોંચતાં મોત થયું હતું.
લોકો પોતાનો જીવ બચાવવા બસની છત પર તો કેટલાક લોકો ઊંચી જગ્યાઓ પર ચડીને પોતાનો જીવ બચાવી રહ્યા છે. આ વિનાશક પૂરને કારણે ૮૦૦થી વધુ મકાનો અને ૨૮૦ વ્યાવસાયિક સ્થળોને મોટું નુકસાન પહોંચ્યું છે. પૂરનાં પાણી બે હૉસ્પિટલમાં પણ ઘૂસી ગયાં હતાં. વહીવટીતંત્રે આગામી આદેશ સુધી સ્કૂલો બંધ રાખવાનો મોટો આદેશ આપ્યો છે અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ કરી દીધી છે.
આ ઉપરાંત લોકોને અત્યંત જરૂરી હોય તો અથવા તો કામ વિના ઘરની બહાર ન નીકળવા વિશે પણ કડક સૂચના આપી દેવાઈ હતી. બેઝમેન્ટમાં રહેતા નાગરિકોને તાત્કાલિક સલામત સ્થળે ખસી જવાની ચેતવણી પણ આપવામાં આવી હતી. ટર્કી ઉપરાંત ગ્રીસના રોડ્સ ટાપુ પર પણ પૂરને કારણે એક વ્યક્તિનું ડૂબી જવાથી મોત થયું છે અને પરિસ્થિતિ અત્યંત વિકટ બની ચૂકી છે એમ જણાવાયું હતું.
